×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં કોની પાસે કેટલી બેઠકો? જાણો સરકાર રચવાનુ શું છે ગણિત

મુંબઇ, તા.21 જૂન 2022, મંગળવાર  

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીમાં મળેલી હાર સાથે જ મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ ઊથલપાથલ મચી ગઈ છે અને તેનુ એક કારણ છે મહારાષ્ટ્રના શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે..

શિવસેનાના વરિષ્ઠ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદેના ગુજરાતમાં આગમન બાદ ઉદ્ધવ સરકાર પર સંકટ વધુ ઘેરાતુ જઇ રહ્યું છે.  એકનાથ શિંદે 20 ધારાસભ્યો સાથે સુરતની એક હોટલમાં રોકાયા છે. તેમાં શિવસેના અને ઉદ્ધવ સરકારને ટેકો આપતા ઘણા અપક્ષ ધારાસભ્યો પણ સામેલ છે. આવી સ્થિતિમાં સીએમ ઉદ્ધવ સામે સત્તા જાળવી રાખવાનો પડકાર ઉભો થયો છે.

મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી બાદ વિધાન પરિષદની ચૂંટણીમાં પણ મહા વિકાસ અઘાડી સરકારમાં સામેલ પક્ષોના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. વિધાનસભામાં ભાજપના 106 ધારાસભ્યો છે. અપક્ષો સહિત આ સંખ્યા 113 સુધી પહોંચી ગઈ હતી. 


પરંતુ તેમને રાજ્યસભાની ચૂંટણીમાં 123 વોટ અને MLCની ચૂંટણીમાં 134 વોટ મળ્યા હતા. આ રીતે એકનાથ શિંદેએ ખુલ્લેઆમ વિદ્રોહનો ઝંડો ઉઠાવ્યા બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેની સામે રાજકીય સંકટ ઊભું થયું છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સભ્યો છે, તેથી સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. શિવસેનાના એક ધારાસભ્યનું અવસાન થયું છે, જેના કારણે હવે 287 ધારાસભ્યો રહ્યા છે અને સરકાર માટે 144 ધારાસભ્યોની જરૂર છે. 

શિંદેના વિદ્રોહ પહેલાં શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન હતું, જ્યારે ભાજપ પાસે 113 ધારાસભ્યો અને 5 અન્ય ધારાસભ્યો વિપક્ષમાં હતા.

મહા વિકાસ અઘાડી સરકારનું ગણિત

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન હતું. જેમાં શિવસેનાના 56, એનસીપીના 53 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો સામેલ છે. આ સિવાય સરકારને સપાના 2, PGPના 2, BVAના 3 અને 9 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ હતું.

ભાજપના 113 ધારાસભ્યો 

મહારાષ્ટ્રમાં મુખ્ય વિરોધ પક્ષ ભાજપને 113 ધારાસભ્યોનું સમર્થન છે. જેમાં ભાજપના 106, આરએસપીના 1, જેએસએસના 1 અને 5 અપક્ષનો સમાવેશ થાય છે. તે જ સમયે અન્ય પક્ષો પાસે 5 ધારાસભ્યો છે. જેમાં AIMIMના 2, CPI(M)ના 1 અને MNSના 1 ધારાસભ્યનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં નાના પક્ષો અને અપક્ષોના ધારાસભ્યોની સંખ્યા 29 છે. તેમાંથી કેટલાક નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યો ભાજપ સાથે છે અને કેટલાક મહા વિકાસ અઘાડી સાથે છે. ભાજપ પાસે 113 ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે વિકાસ અઘાડી પાસે 169 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં ભાજપે મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવા માટે 31 ધારાસભ્યોનું સમર્થન મેળવવું પડશે.