×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CM ગેહલોતના ભાઈના કૌભાંડનો રેલો ગુજરાત પહોંચ્યો : 10 સ્થળોએ CBIનું સર્ચ ઓપરેશન


- મીઠાની આડમાં પોટાશની નિકાસ કરનાર ગુજરાતના વેપારીઓ પર CBIના દરોડા 

- ઔદ્યોગિક મીઠાની આડમાં પોટાશની નિકાસ કરી રૂ. 52.8 કરોડનું સબસિડી કૌભાંડ આચર્યું, 15 ઠેકાણાઓ પર CBIના દરોડા

નવી દિલ્હી : આજે સવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. સીબીઆઈએ ગેહલોતના ભાઈ અને અન્ય 17 પર ફર્ટિલાઈઝર સબસિડીના દુરૂપયોગનો કેસ દાખલ કર્યો છે. જોકે રાજસ્થાનનો આ રેલો હવે ગુજરાત આવી પહોંચ્યો છે.


ઔદ્યોગિક મીઠાની આડમાં પોટાશની નિકાસ કરી કરોડોની સબસિડી હજમ કરનારાના ડીસા, વડોદરા અને ગાંધીધામના કુલ 10 સ્થળોએ CBIએ દરોડા પાડ્યા છે. આ મામલે આજે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હીમાં લગભગ 15 સ્થળોએ વેપારીઓના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઘટનાની વિગત મુજબ સીબીઆઈએ 15 જૂને ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ વગેરે સ્થિત ખાનગી કંપનીઓ અને તેના માલિકો, ભાગીદારો અને અન્ય અજાણ્યાઓ સહિત 15 લોકો સામે ઔદ્યોગિક મીઠાની આડમાં પોટાશની નિકાસ કરી રૂ. 52.8 કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે.  

મ્યુરિએટ ઓફ પોટાશ (MOP) એ એક પ્રતિબંધિત વસ્તુ છે. જેની ભારત સરકારની પૂર્વ પરવાનગી સાથે જ નિકાસ કરી શકાય છે. મેસર્સ ઈન્ડિયન પોટાશ લિમિટેડ (આઈપીએલ) દ્વારા આયાતી મ્યુરિએટ ઓફ પોટાશ (એમઓપી) ભારતના ખેડૂતોને તેના અધિકૃત ડીલરો દ્વારા સબસિડીવાળા દરે સપ્લાય કરવામાં આવે છે.

MOP કથિત રીતે ઔદ્યોગિક મીઠાની આડમાં વિદેશી ખરીદદારોને નિકાસ કરવામાં આવી હતી. ટ્રાન્ઝેક્શનને સંતાડવા માટે રાજસ્થાન અને કોલકાતાના ડીલરો દ્વારા ઔદ્યોગિક મીઠાની બનાવટી ખરીદી કથિત રીતે દર્શાવવામાં આવી હતી. 

આરોપીઓએ 2007 થી 2009 ના સમયગાળા દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સના અજાણ્યા અધિકારીઓ સહિત અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. મેસર્સ ઈન્ડિયન પોટાશ લિમિટેડ વગેરેએ છેતરપિંડીથી કુલ 24003 મેટ્રિક ટન ઔદ્યોગિક મીઠાની આડમાં ખરીદવા અને નિકાસ કરવામાં મદદ કરી, જેના કારણે સરકારને રૂ.52.8 કરોડની સબસિડીનું નુકસાન થયું.