×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઘઉં બાદ હવે લોટ અને મેંદાની નિકાસ પર પ્રતિબંધ મુકવાની સરકારની તૈયારી

નવી દિલ્હી, તા.17 જુન 2022,ગુરૂવાર

ભારત સરકાર ઘઉંની નિકાસ પ્રતિબંધ મૂક્યા બાદ હવે ઘઉંના લોટ અને મેંદાની નિકાસ પણ પર પ્રતિબંધ મૂકવા વિચારણા કરી રહી છે તેવી અટકળો બજારમાં સાંભળવામાં મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર વધતી જતી મોંઘવારીને રોકવા અને ખાદ્ય સુરક્ષાની ખાતરી કરવા માટે ઘઉંના લોટ અને મેંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. આ સિવાય સરકારની નજરમાં સોજીની નિકાસ પણ છે એટલે ભવિષ્યમાં સોજીની નિકાસ પર પ્રતિબંધ પણ શક્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કિંમતોને નિયંત્રણમાં રાખવા માંગે છે તેથી જ આવા તમામ પ્રયત્નો થઈ રહ્યાં છે.

ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકાયા બાદ છેલ્લા કેટલાંક સપ્તાહોમાં ઘઉંના લોટ અને મેંદાની નિકાસમાં અચાનક મોટો ઉછાળો આવતા સરકાર સજાગ બની છે.  

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. મે મહિનામાં દેશમાં રિટેલ મોંઘવારી દર 7.04 ટકા અને જથ્થાબંધ મોંઘવારી દર 15.88 ટકા નોંધાયો છે. એપ્રિલમાં દેશમાંથી 95,094 ટન લોટની નિકાસ કરવામાં આવી છે. જ્યારે સમગ્ર નાણાંકીય વર્ષ 2022માં દર મહિને લગભગ 50,000 ટન લોટની નિકાસ કરાઇ હતી. ભારતીય ઘઉંના લોટની કિંમત વિદેશી બજારોમાં 350થી 400 ડોલર પ્રતિ ટનની આસપાસ છે.

ભારતમાંથી સમગ્ર નાણાકીય વર્ષ 2022માં 5.66 લાખ ટન અને નાણાકીય વર્ષ 2021માં 2.78 લાખ ટન અને નાણાકીય વર્ષ 2020માં 1.99 લાખ ટન લોટની નિકાસ કરવામાં આવી હતી.

બીજી તરફ આ વર્ષે સરકારે ચાલુ પાક સીઝન માટે નક્કી કરેલા લક્ષ્યાંક કરતા 57 ટકા ઓછા ઘઉંની ખરીદી કરી છે. અત્યાર સુધીમાં સરકારે ટેકાના ભાવે 187 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે, જ્યારે 440 લાખ ટન ખરીદીનો લક્ષ્યાંક હતો. સરકારે જૂનમાં પૂરા થતા કૃષિ વર્ષ 2021-22 માટે ઘઉંના ઉત્પાદનનો અંદાજ 5.7 ટકા ઘટાડીને 10.5 કરોડ ટન કર્યો છે, જે અગાઉના 11.132 કરોડ ટનના અંદાજથી નોંધપાત્ર  ઓછો હતો. અંદાજ ઘટાડવાનું કારણ માર્ચમાં ભીષણ ગરમીને ઘઉંની ઉત્પાદકતા પર પડેલ અસર છે. પાછલા વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન 10.95 કરોડ ટન હતુ અને 70 લાખ ટન ઘઉંની નિકાસ કરાઇ હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંની માંગમાં મોટો વધારો થયો છે.