×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધો. 12 સામાન્ય પ્રવાહનું 79.74% પરિણામઃ 2,092 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ


(તસવીર અમદાવાદના પાલડી ખાતે આવેલા સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓની છે.)

- 76.49% પરિણામ સાથે શિક્ષણ નગરી વડોદરા સૌથી પાછળ

- વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 4.56% વધુ આવ્યું

- 2020ના પરિણામની સરખામણીએ આ વર્ષે પરિણામ અને A1 ગ્રેડ વિદ્યાર્થી વધુ

અમદાવાદ, તા. 04 જૂન 2022, શનિવાર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવાયું છે. જે નિયમિત, રિપીટર વિદ્યાર્થીઓ સાથેનું એકંદરે 79.74% રહ્યું છે. જો કે આ વર્ષના શાળાએ જતા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 86.91% રહ્યું છે. આ વર્ષે એ-1 ગ્રેડમાં 2,092 વિદ્યાર્થીઓ છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.  28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં નિયમિત કેટેગરીના 3,35,145 વિદ્યાર્થીઓમાંથી 2,91,287 વિદ્યાર્થીઓ પાસ થતા નિયમિત વિદ્યાર્થીઓનું 86.91% પરિણામ રહ્યું છે. રિપીટર વિદ્યાર્થીઓનું 45.45%, ખાનગી નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 48.92% અને ખાનગી રિપીટર વિદ્યાર્થીઓનું 46.83% પરિણામ રહ્યું છે.  

રાજ્યમાં સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર સુબીર, છાપી અને અલારસા છે. સૌથી ઓછું 56.43% પરિણામ ડભોઈનું રહ્યું છે. સૌથી વધુ 95.41% પરિણામ ધરાવતો જિલ્લો ડાંગ અને સૌથી ઓછું 76.49 ટકા પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા છે. 

પરિણામ જાણવા માટે 

દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકશે. પરિણામ જાણવા માટે વેબસાઈટ પર પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરવાનો રહેશે. 

ગ્રેડિંગ મુજબ પરિણામ જોઈએ તો એ1 ગ્રેડમાં 2,092 વિદ્યાર્થીઓ છે અને એ2માં 25,432 વિદ્યાર્થીઓ છે. પર્સેન્ટાઈલ રેન્ક મુજબ પરિણામમાં 99થી વધુ પર્સેન્ટાઈલ ધરાવનારા રાજ્યમાં 3,610 વિદ્યાર્થીઓ છે. 

ગત વર્ષે જ્યાં પરીક્ષા વગરના માસ પ્રમોશનમાં 100 ટકા રિઝલ્ટ હતું ત્યારે પરીક્ષા આધારીત 2020ના રિઝલ્ટની સરખામણીએ આ વર્ષનું રિઝલ્ટ વધુ આવ્યુ છે અને એ-1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી વધારે છે.

અમદાવાદ શહેરનું 79.87% પરિણામ આવ્યું


(તસવીરમાં અમદાવાદના પાલડી ખાતે આવેલા સંસ્કાર કેન્દ્રના વિદ્યાર્થીઓમાં પરિણામ બાદ ઉત્સાહ જણાઈ રહ્યો છે.)

ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95.41% પરિણામ જાહેર થયું છે. અમદાવાદ શહેરનું 79.87% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લાનું 89.39% પરિણામ જ્યારે વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49% પરિણામ જાહેર થયું છે. ડભોઈ કેન્દ્રનું સૌથી ઓછું 56.43% પરિણામ છે અને માત્ર એક જ શાળાનું પરિણામ 10%થી ઓછું છે.

કુલ 1,064 શાળાઓનું 100% પરિણામ જાહેર થયું છે. સુબીર, છાપી, અલારસા કેન્દ્રનું પરિણામ 100% જાહેર થયું છે. વિદ્યાર્થીઓનું 84.67% જ્યારે વિદ્યાર્થીનીઓનું 89.23% પરિણામ આવ્યું છે.


રિપીટર ઉમેદવારોનું 45.45% પરિણામ જાહેર થયું છે. કુલ 30,014 રિપીટર વિદ્યાર્થીઓમાંથી માત્ર 13,641 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ધો. 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ગુજરાતી માધ્યમનું 87.22% પરિણામ જ્યારે અંગ્રેજી માધ્યમનું 86.85% પરિણામ આવ્યું છે. આ સાથે જ 3,610 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. 

સામાન્ય પ્રવાહમાં ગેરરીતિના 2,544 કેસ નોંધાયા છે. કુલ 2,092 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે 25,432 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. તે સિવાય 62,734 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ, કુલ 84,629 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ અને 76,449 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો છે.


દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 2,075 છે તથા 20% પાસિંગ સ્ટાન્ડર્ડનો લાભ મેળવીને પ્રમાણપત્ર મેળવવા પાત્ર દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા 415 છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટરના માધ્યમથી ધો. 12 સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાની સાથે જ તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.