×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે ફાઇનલમાં ડબલ રોમાંચ : ભવ્ય સમાપન સમારોહ પછી મરણિયો જંગ


- સ્વતંત્રતાના 75મા વર્ષ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાશે

- એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે

અમદાવાદ : ૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૫ની સિઝન હવે અંતિમ મુકામ તરફ આવી પહોંચી છે. આવતીકાલે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો ખેલાશે. આઇપીએલ વિશ્વની સૌથી હાઇપ્રોફાઇલ ક્રિકેટ લીગ છે અને આવતીકાલે તેનું સમાપન અત્યંત ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવશે. આવતીકાલે રાત્રે ૮થી ફાઇનલનો પ્રારંભ થશે અને તે અગાઉ સાંજે ૬:૨૫થી ભવ્ય સમાપન સમારોહ યોજાશે. ફાઇનલમાં રેકોર્ડ ૧.૨૫ લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ અગાઉ ભવ્ય સમાપન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું હોય તેવું ચાર વર્ષ બાદ બનશે.

૨૦૨૦ અને ૨૦૨૧માં આઇપીએલ દુબઇમાં યોજાતા સમાપન સમારોહનું આયોજન થઇ શક્યું નહોતું. હવે આવતીકાલે ભવ્ય સમાપન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેના કારણે ચાહકોને ડબલ બોનાન્ઝાનો લુત્ફ માણવા મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને ખાસ ઉજવણી કરવામાં આવશે. ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર. રહેમાન 'વંદે માતરમ્' સાથે કાર્યક્રમનો પ્રારંભ કરે તેવી સંભાવના છે.

આ સિવાય 'જય હો' સહિતના વિવિધ લોકપ્રિય ગીતે પર પ્રેક્ષકોને થીરકવા માટે તલપાપાડ કરશે. આ પછી અભિનેતા રણવીર સિંહ દ્વારા 'રામજી કી ચાલ દેખો...', 'મલ્હારી' જેવા  વિવિધ ગીતો પર પર્ફોમ કરી મનોરંજન પૂરું પાડશે. ગાયક મોહિત ચૌહાણ, બેની દયાળ અને વિખ્યાત ડાન્સર શ્યામક દાવર પણ પર્ફોમ કરવાના છે.

પ્રારંભે જ ગરબા, રાજસ્થાની નૃત્યુ અને ત્યારબાદ  ઝારખંડના છૌ ડાન્સને રજૂ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટની ૧૯૩૨થી અત્યારસુધીની સફર પણ દર્શાવવામાં આવશે. આવતીકાલના ભવ્ય કાર્યક્રમ માટે સ્ટેડિયમમાં રિંગ ઓફ ફાયર અને સાઉન્ડ સિસ્ટમ સાથે ખાસ લાઇટિંગની પણ સુવિધા કરવામાં આવી છે. આવતીકાલની ફાઇનલમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, બોર્ડ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી સહિતના પદાધિકારીઓ, અભિનેતા આમિર ખાન, રણબીર કપૂર પણ ઉપસ્થિત રહી શકે છે. 

કયા મહાનુભાવો ઉપસ્થિત રહી શકે છે

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, અનુરાગ ઠાકુર, સૌરવ ગાંગુલી-બીસીસીઆઇના અન્ય પદાધિકારીઓ, એઆર રહેમાન, આમિર ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર, મોહિત ચૌહાણ, બેની દયાળ, શ્યામક દાવર. 

41 દેશ કરતાં વધુ વસતી અમદાવાદના સ્ટેડિયમમાં 

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે ૧.૨૫ લાખથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. વિશ્વમાં કુલ ૪૧ દેશ એવા છે જેમની વસતી ૧.૨૫ લાખથી ઓછી છે. આમ, ૪૧ દેશ કરતાં વધુ આવતીકાલે માત્ર અમદાવાદના સ્ટેડિયમમાં હશે. 

ફાઇનલનો સંભવિત કાર્યક્રમ

બપોરે ૨:૩૦થી : પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી.

સાંજે ૬:૩૦ : સમાપન સમારોહનો પ્રારંભ

સાંજે ૭:૧૫ : સમાપન સમારોહની પૂર્ણાહૂતિ.

સાંજે ૭:૩૦ : ટોસ

રાત્રે ૮:૦૦ : મેચનો પ્રારંભ

રાત્રે ૯:૪૫ : પ્રથમ ઇનિંગ્સની સમાપ્તિ

રાત્રે ૧૦ : બીજી ઇનિંગ્સનો પ્રારંભ

રાત્રે ૧૧ :૪૫ : બીજી ઇનિંગ્સની સમાપ્તિ

રાત્રે ૧૨ : ટ્રોફી, મેન ઓફ ધ સિરીઝ, ઓરેન્જ કેપ, પર્પલ કેપ સહિતના વિવિધ એવોર્ડ અપાવવાનું શરૂ થશે. 

દાળ ઢોકળી V/S દાલ બાટી સોશિયલ મિડિયા પર રમૂજ

- આજે દાળ ઢોકળી વિ. દાલ બાટી.

- આજે પીવા વાળા વિ. પીવડાવવા વાળા.

- રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો માલિક વિજય માલ્યા છે અને તે જ્યાં સુધી ભારત પરત નહીં ફરે ત્યાં સુધી તેની ટીમ આઇપીએલમાં ચેમ્પિયન બની શકશે નહીં. 

- વિકેન્ડમાં ગુજરાતીઓ રાજસ્થાન આવતા હોય છે. આ વખતે રાજસ્થાન ગુજરાતમાં આવશે. 

- રણ અને ખમણ બંને ફાઇનલમાં.

સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી આઈપીએલની

ટી-ટવેન્ટી ક્રિકેટ મેચની ટિકિટોનાં કાળાબજાર : 3 યુવકની ધરપકડ  

- દારૂની 50 MLની બે બોટલ લઈ સ્ટેડિયમમાં પ્રવેશતો નબીરો પકડાયો : ટિકિટો બ્લેકમાં ખરીદવા માટે પડાપડી

નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલી આઈપીએલની કવાર્ટર-૨ ટવેન્ટી ક્રિકેટ મેચની ટિકિટોના કાળાબજારી કરતા ત્રણ યુવકોને શહેર પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત સ્ટેડીયમમાં ઈગ્લિંશ દારૂની ૫૦ એમએલની સેમ્પલ બોટલ લઈને પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા સેટેલાઈટના નબીરાને ચાંદખેડા પોલીસે ઝડપ્યો હતો.પોલીસે સ્ટેડીયમની આસપાસ ફરતા તસ્કરોને ઝડપી ૨૨ મોબાઈલ ફોન અને સાત પર્સ કબ્જે લીધા હતા. પોલીસે મોબાઈલ ધારકોને શોધીને તેઓના ફોન પરત કર્યા હતા.કવાર્ટર મેચ પહેલા પોલીસે ટિકિટોની કાળાબજારી કરતા ત્રણ યુવકોને ઝડપી લીધા બાદ પણ ફાઈનલ મેચની ટિકિટો બ્લેકમાં ખરીદવા માટે લોકોની પડાપડી થઈ છે. સ્ટેડીયમ આસપાસ લોકો ટિકિટ ખરીદવા માટે ચક્કર લગાવી રહ્યાની વિગતો મળી છે.

ક્રાઈમબ્રાંચે સ્ટેડીયમના મુખ્ય ગેટની જમણી બાજુની દૂકાનો પાસેથી શાહિબાગમાં રાજસ્થાન હોસ્પિટલ પાસે સંતોષીનગરમાં રહેતા પુનિતકુમાર સોહનરાજ ચોપડા (ઉં,૩૧)ને ઝડપ્યો હતો. પુનિત પાસેથી પોલીસે કવાર્ટર-૨ ક્રિકેટ મેચની રૂ.૩ હજારની ચાર ટિકિટ કબજે લીધી હતી. પુનિત આ ટિકિટો ડબલ ભાવે વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચાંદખેડા પોલીસે મેચની ટિકિટોની કાળાબજારી કરતા અનુરાગ હર્ષદભાઈ ગાલીયા (ઉં,૨૮)રહે,શાયોના તિલક, વંદેમાતરમ રોડ, ગોતા અને રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે આશિષ રાજેશ માખીજાની (ઉં,૪૪)રહે,અક્ષરધામ સોસાયટી, સરદારનગરને આ ગુનામાં પકડયો હતો.

પોલીસે કવાર્ટર ફાઈનલ મેચ અગાઉ સ્ટેડીયમમાં પ્રવેશ કરી રહેલા પ્રેક્ષકોનું સઘન ચેકીંગ કર્યું હતું કે, દરમિયાન સેટેલાઈટના પ્રેમચંદનગર રોડ પર સ્રાંપત રેસીડન્સીમાં રહેતા યશરાજ બસંતભાઈ મહેશ્વરી પાસેથી પોલીસે ઈગ્લિંશ દારૂ અને વોડકાની ૫૦-૫૦ એમએલની બે સેમ્પલ બોટલો પકડી હતી. પોલીસે યશરાજ વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.સ્ટેડીયમમાં ક્રિકેટ મેચ દરમિયાન પ્રેક્ષકોના મોબાઈલ ફોન અને પર્સની ચોરી થયાની અનેક ફરિયાદ મળી હતી. જેના પગલે ઝોન-૨ સ્કોવોડ અને ચાંદખેડા પોલીસે દસથી વધુ લોકોને તપાસીને ૨૨ મોબાઈલ ફોન અને સાત પર્સ કબજે લીધા હતા. મોબાઈલ ધારકોને શોધીને ચોરી થયેલા ફોન પરત કરવામાં આવ્યા તેમજ જે લોકોના પર્સ મળી આવ્યા તેઓનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે.