×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અજમેર શરીફ દરગાહ, ટીપુ સુલતાન પેલેસ મુદ્દે વિવાદ : સર્વેક્ષણની માગ


- જ્ઞાનવાપી, મથુરામાં ઈદગાહ, કુતુબ મિનાર પછી દેશમાં અનેક મસ્જિદો મંદિર હોવાના દાવા વધ્યા

- અજમેરની ખ્વાજા ગરીબ નવાઝ દરગાહમાં સ્વસ્તિક સહિતના હિન્દુ ચિહ્નો, પુરાતત્વ વિભાગ સરવે કરે : હિન્દુ પક્ષની દલીલ

- ટીપુ સુલતાને 15મી સદીમાં બનેલા વેંકટરમણ સ્વામી મંદિરની જમીન પર કબજો કરી મહેલ બનાવ્યો હોવાનો હિન્દુ પક્ષનો દાવો

નવી દિલ્હી : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ શિવ મંદિર હોવાના દાવા અને તેના સરવેમાં શિવલિંગ મળ્યાના અહેવાલો પછી દેશભરમાં અનેક મસ્જિદો અને મુસ્લિમ સ્થાપત્યો મંદિરો હોવાના દાવાઓ થવા લાગ્યા છે. મથુરામાં ઈદગાહ મસ્જિદનો વિવાદ સદીઓ જૂનો છે જ્યારે દિલ્હીમાં જામા મસ્જિદ, કુતુબ મિનાર, આગરાનો તાજમહેલ મંદિરો તોડીને બનાવાયા હોવાનો દાવો થઈ રહ્યો છે. આ શ્રેણીમાં હવે અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ તેમજ કર્ણાટકમાં ટીપુ સુલતાનનો પેલેસ વિવાદોમાં સપડાયા છે.

દિલ્હીની મહારાણા પ્રતાપ સેનાએ અજમેરની ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પણ હિન્દુ મંદિર હોવાનો દાવો કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અનેક મંત્રીઓને પત્ર લખીને પુરાતત્વ વિભાગ પાસેથી તેનો સરવે કરાવવાની માગણી કરી છે. મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ્યવર્ધન સિંહ પરમારે દાવો કર્યો છે કે અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પહેલા હિન્દુ મંદિર હતું. તેમણે દાવો કર્યો કે આ દરગાહનું પુરાતત્વ વિભાગ પાસેથી સરવેક્ષણ કરાવવામાં આવે તો ત્યાં હિન્દુ મંદિર હોવાના નક્કર પુરાવા મળશે.

પત્રમાં એમ પણ જણાવાયું છે કે દરગાહની અંદર અનેક જગ્યાએ હિન્દુ ધાર્મિક ચિહ્નો પણ છે, જેમાં સ્વસ્તિકનું નિશાન મુખ્ય છે. તેમણે લખ્યું કે આ સિવાય પણ હિન્દુ ધર્મ સંબંધિત અન્ય પ્રતિક ચિહ્નો પણ દરગાહમાં છે. તાજેતરમાં જ ખ્વાજા ગરીબ નવાઝનો ૮૧૦મો ઉર્સ મનાવાયો છે. બીજીબાજુ દરગાહના જાણકારોના જણાવ્યા મુજબ તેનો ઈતિહાસ ૯૦૦ વર્ષ જૂનો છે, પરંતુ હજુ સુધીના ઈતિહાસમાં દરગાહ કોઈ હિન્દુ મંદિર તોડીને બનાવાઈ હોવાનો નક્કર દાવો કરાયો નથી.

દરમિયાન કર્ણાટકમાં ટીપુ સુલતાનના મહેલનો સરવે કરાવવાની માગણી ઊઠી છે. હિન્દુ જનજાગૃતિ સમિતિએ આક્ષેપ કર્યો છે કે બેંગ્લુરુ સ્થિત ટીપુ સુલતાનનો મહેલ મંદિરની જમીન પર કબજો કરીને બનાવાયો છે. સમિતિએ મહેલનો સરવે કરાવવાની માગણી કરી છે. હિન્દુ જનજાગૃતિ સમિતિના પ્રવક્તા મોહન ગૌડાએ આક્ષેપ કર્યો છે કે કહેવાય છે ટીપુ સુલતાનનો મહેલ જ્યાં બનેલો છે તે જમીન વેંકટરમણ સ્વામી મંદિરની હતી. મોહન ગૌડાએ જણાવ્યું કે ટીપુ સુલતાનના શાસનકાળમાં આ જમીન પર કબજો કરાયો હતો. તેમણે જણાવ્યું કે કેટલાક લોકો કહે છે આ જગ્યા પર વેદોનું શિક્ષણ અપાતું હતું. એવામાં હિન્દુ જનજાગૃતિ સમિતિ તરફથી આ જમીનનો સરવે કરાવવા અને તેને તેના અસલી માલિકોને સોંપવાની માગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે વેંકટરમણ સ્વામી મંદિર ૧૫મી સદીમાં બનાવાયું હતું. ભારતમાં ધાર્મિક સ્થળો અંગેના વિવાદ નવા નથી. અયોધ્યામાં રામમંદિર, વારાણસીમાં કાશી વિશ્વનાથનું મંદિર અને મથુરામાં શ્રીકૃષ્ણજન્મભૂમિના વિવાદ તો સદીઓ જૂના છે. પરંતુ તાજેતરમાં જ્ઞાાનવાપી શ્રૂંગાર ગૌરી કેસમાં સરવે દરમિયાન મસ્જિદમાંથી શિવલિંગ મળ્યું હોવાના અહેવાલો પછી તાજમહેલ શિવ મંદિર હોવાના, કુતુબ મિનાર હિન્દુ-જૈન મંદિરોને તોડીને બનાવાયું હોવાના તેમજ દિલ્હીની જામા મસ્જિદ પણ હિન્દુ મંદિર તોડીને બનાવાઈ હોવાના દાવાએ ધાર્મિક સ્થળોના વિવાદોમાં ઉમેરો કર્યો છે.

શિવલિંગ મળ્યાના અહેવાલો ખોટા : મુસ્લિમ પક્ષ

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ વિવાદ વચ્ચે  સમિતિ પર કૌભાંડનો આરોપ

140 વર્ષ જૂના રેકોર્ડમાં મસ્જિદની જમીન 31 બિસ્વા હતી, તાજા સરવેમાં માત્ર 14 બિસ્વા મળી

વારાણસી કોર્ટમાં જ્ઞાાનવાપી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે. મસ્જિદની જમીનમાં કૌભાંડ થયું હોવાની અને આ કૌભાંડમાં મસ્જિદ સમિતિ સંડોવાયેલી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજીબાજુ વારાણસી જિલ્લા કોર્ટમાં મુસ્લિમ પક્ષે મસ્જિદમાંથી શિવલિંગ મળ્યું હોવાના અહેવાલોને અફવા ગણાવ્યા હતા. આ કેસની વધુ સુનાવણી સોમવારે થશે.

એક અહેવાલ મુજબ ૧૪૦ વર્ષ જૂના રેવન્યૂ રેકોર્ડમાં મસ્જિદની જમીન ૩૧ બિસ્વા (એક બિસ્વા એટલે ૧૩૫૦ ચો. ફૂટ.) જણાવાઈ છે જ્યારે કોર્ટ કમિશનરના સરવેમાં માત્ર ૧૪ બિસ્વા જમીન દર્શાવાઈ છે. આ સમગ્ર બાબતમાં કૌભાંડ આચરાયું હોવાનું જણાતું હોવાનું મુખ્તાર અહેમદ અંસારી નામની વ્યક્તિએ દાવો કર્યો છે. અંસારીએ જ્ઞાાનવાપી કેસમાં પક્ષકાર બનવા અરજી પણ કરી છે. અંસારી આ કેસમાં સુટ ફાઈલ કરવાની તૈયારીમાં છે. 

મુખ્તાર અહેમદ અંસારીના જણાવ્યા મુજબ ખસરાની આ નકલ પાંચ દિવસ પહેલાં જ કઢાવાઈ છે. આ રેકોર્ડ ૧૪૦ વર્ષ જૂનો છે. મસ્જિદની જમીન કેવી રીતે ઓછી થઈ તેની તપાસ કરીને દોષિતોને સજા મળવી જોઈએ. અંસારીનું કહેવું હતું કે, મસ્જિદ સમિતિએ જમીન ઓછી હોવા સંબંધિત હકીકત જનતા સામે રજૂ કરવાની જરૂર હતી. જમીન કેવી રીતે ઓછી થઈ તેનો જવાબ મસ્જિદ સમિતિ જ આપી શકે છે.

દરમિયાન જ્ઞાાનવાપી શ્રૂંગાર ગૌરી કેસમાં ગુરુવારે વારાણસીની જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કેસની કાયદેસરતા અંગે સવાલ ઉઠાવતી મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી થઈ રહી છે. આ કેસની સુનાવણીમાં મુસ્લિમ પક્ષે શિવલિંગ મળવાની વાતને માત્ર અફવા ગણાવી. તેમણે ઉપાસના સ્થળ કાયદા-૧૯૯૧નો ભંગ થયાનો હવાલો આપતા જ્ઞાાનવાપીમાં દાખલ અરજીને નકારી કાઢવાની માગણી કરી હતી. મુસ્લિમ પક્ષે કોર્ટમાં કહ્યું કે, શિવલિંગ મળવાનો દાવો કરીને લોકોની ભાવનાઓને ઉશ્કેરવામાં આવી રહી છે. ૧૯૯૧ના પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ હેઠળ આ કેસ સુનાવણી યોગ્ય જ નથી. કોર્ટે આ કેસની વધુ સુનાવણી ૩૦મી મેને સોમવાર સુધી મુલતવી રાખી છે.