×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનની દાદાગીરી સાંખી નહીં લેવાય : ક્વાડની ચેતવણી


- હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા ચંચૂપાત સામે ક્વાડ દેશો એક થયા

- હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાની ચિંતા, સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર નક્કર પ્રયાસોનું માળખું રજૂ કરાયું

- ચીનના દેવાના ફંદા સામે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પાંચ વર્ષમાં ૫૦ અબજ ડોલરની આર્થિક સહાય કરાશે

ટોક્યો : હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં યથાસ્થિતિ બદલવાના અને તણાવ વધારવાની કોઈપણ ઉશ્કેરણીજનક કે એકતરફી કાર્યવાહી હવે જરા પણ સાંખી નહીં લેવાય અને તેનો જડબાતોડ જવાબ અપાશે તેવી ચેતવણી ક્વાડ જૂથના નેતાઓએ ચીનને આપી હતી. આ સાથે ચીનની શાન ઠેકાણે લાવવા માટે નવી અષ્ટકોણીય ફોર્મ્યુલા સાથે ક્વાડની બેઠક પૂરી થઈ હતી. ક્વાડ બેઠકમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થા જાળવી રાખવા, ક્ષેત્રના વિકાસ માટે ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાએ સંકલ્પની પુષ્ટી કરી હતી. બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ, આતંકવાદ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

દુનિયામાં ચીનનું કદ વધવાની સાથે દક્ષિણ ચીન સમુદ્ર અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં તેની દાદાગીરી પણ વધી રહી છે. ચીને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને દક્ષિણ-ચીન સમુદ્રમાં તેની આજુબાજુના દરેક દેશો સાથે સરહદના મુદ્દા સળગતા રાખ્યા છે. પરિણામે ચીનની વધતી તાનાશાહી સામે રચાયેલા ક્વાડ જૂથની જાપાનના ટોક્યોમાં મંગળવારે શિખર મંત્રણા યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકાના પ્રમુખ જો બાઈડેન, જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થની અલ્બનીસે હિન્દ-પ્રશાંત ક્ષેત્રના વિકાસ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ક્વાડ નેતાઓની બીજી વ્યક્તિગત બેઠક પછી ચારેય દેશના નેતાઓએ છ પાનાનું સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું, જેમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાની ચિંતાઓથી લઈને સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા અને ભવિષ્યની ટેક્નોલોજીથી લઈને નાણાકીય સંશાધનોની વ્યવસ્થા સુધીના અનેક મુદ્દાઓ પર નક્કર પ્રયાસોનું માળખું રજૂ કરાયું હતું.

ક્વાડ દેશોએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી પરિવહન માટે યુએનસીએલઓએસ જેવા આંતરરાષ્ટ્રીય નિયમોના પાલન, પૂર્વીય તથા દક્ષિણ ચીન સમુદ્રમાં આવાગમનની આઝાદી અને હવાઈ ક્ષેત્રમાં પરિવહનની સ્વતંત્રતા માટે કટિબ્ધતા વ્યક્ત કરી હતી. ક્વાડ દેશોએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ટાપુ દેશો સાથે પણ ભાગીદારી મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. એટલે કે ક્વાડ દેશો હવે સોલોમન ટાપુ સાથે સૈન્ય સમજૂતી જેવા ચીનના પગલાંઓનો રસ્તો પણ બંધ કરવા માગે છે.

ક્વાડ દેશોએ આતંકવાદને પોષનારા પાકિસ્તાનને પણ આકરો સંદેશ આપ્યો છે. સંયુક્ત નિવેદનમાં આતંકવાદની ટીકા કરાઈ છે ત્યારે ૨૬/૧૧ના મુંબઈ હુમલા તેમજ પઠાણકોટ હુમલાની ઝાટકણી કાઢતા સરહદ પારના આતંકવાદ વિરુદ્ધ સાથે મળીને કાર્યવાહી કરવાનો પણ સંદેશ અપાયો છે. વધુમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં માનવીય આપત્તીઓથી લઈને ગેરકાયદે માછીમારી પર નિયંત્રણ લાવવા માટે સહયોગ વધારવા નવું માળખુ આઈપીએમડીએ તૈયાર કરાયું છે. તેના માટે ક્વાડ દેશો અને તેમના ક્ષેત્રીય કેન્દ્રો સહયોગ કરશે. તેઓ પ્રશાંત ક્ષેત્રના ટાપુ દેશોને ટેક્નોલોજી અને ટ્રેનિંગ સપોર્ટ પણ આપશે.

કોરોના મહામારીના કારણે દુનિયામાં મેડિકલ સામાન અને દવાઓનો પૂરવઠો ખોરવાઈ જતાં સ્વાસ્થ્ય સુરક્ષા સામે પડકારો ઊભા થયા છે. એવામાં ક્વાડ દેશોએ કોરોના રસી માટે અત્યાર સુધીમાં ૫.૨ અબજ ડોલર આપવાના સંકલ્પ સાથે ૬૭ કરોડ રસી પૂરી પાડી છે. વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે ક્વાડ જૂથે પેન્ડેમિક પ્રિવેન્શન, પ્રીપેર્ડનેસ, રિસ્પોન્સ (પીપીઆર)ની રણનીતિ પર આગળ વધવાની તૈયારી કરી છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે પાંચ વર્ષ દરમિયાન ૫૦ અબજ ડોલરની આર્થિક સહાય પૂરી પડાશે. આ સિવાય ચીનના દેવાના ફંદા સામે વૈકલ્પિક નાણાકીય વ્યવસ્થાને પારદર્શી બનાવવા માટે ક્વાડ ડેટ મેનેજમેન્ટ રિસોર્સ પોર્ટલ પણ શરૂ કરાશે.

જાપાનના સંરક્ષણ મંત્રી નોબુઓ કિશીનો દાવો

ક્વાડ બેઠક પાસે જ ચીન-રશિયાના ફાઈટર વિમાનોનો સંયુક્ત અભ્યાસ

- રશિયા અને ચીને નવેમ્બર પછી ચોથી વખત જાપાની સરહદ નજીક લાંબા અંતરના ઉડ્ડયન કર્યા

દક્ષિણ ચીન સમુદ્ર અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી દાદાગીરીનો સામનો કરવા રચાયેલા ક્વાડ જૂથની ટોક્યોમાં બેઠક ચાલી રહી હતી તેવા સમયે જ ચીન અને રશિયાના ફાઈટર વિમાનોએ બેઠક સ્થળ નજીકના વિસ્તારમાં સંયુક્ત અભ્યાસ કર્યો હતો તેમ જાપાને મંગળવારે જણાવ્યું હતું.

જાપાનના સંરક્ષણ મંત્રી નોબુઓ કિશીએ કહ્યું કે તેમની સરકારે રશિયા અને ચીન સમક્ષ આ ફાઈટર વિમાનોના સંયુક્ત અભ્યાસ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રમુખ-વડાપ્રધાનો પ્રાદેશિક વિસ્તારની સુરક્ષા અંગે વાતચીત કરવા જાપાનમાં બે દિવસના પ્રવાસે છે. તેમણે ઉમેર્યું હતું કે, જોકે, આ ફાઈટર વિમાનોએ હવાઈ સરહદનો ભંગ કર્યો નહોતો, પરંતુ નવેમ્બર પછી ચોથી વખત રશિયા અને ચીને જાપાનની સરહદ નજીક લાંબા અંતરના ઉડ્ડયનનો સંયુક્ત અભ્યાસ કર્યો છે, જે ચિંતાજનક બાબત છે.

કિશીએ જણાવ્યું કે, ચીનના બોમ્બ ફેંકવા સક્ષમ બે વિમાનો અને રશિયાના બે ફાઈટર વિમાનોએ જાપાનના સાગરમાં સંયુક્ત અભ્યાસ કર્યો હતો અને તેમણે પૂર્વીય ચીન સાગર તરફ ઉડ્ડયન કર્યું હતુું. સેન્ટ્રલ જાપાનથી દૂર ઉત્તરીય કોકાઈડોથી નાટો ટાપુઓ તરફ રશિયાના એક વિમાને માહિતી એકત્ર કરનારું વિમાન પણ મોકલ્યું હતું. ટોક્યોમાં ક્વાડ દેશોની બેઠક ચાલી રહી હતી તેવા સમયે ચીન અને રશિયાના આ પ્રકારના પગલાંને 'ઉશ્કેરણીજનક' ગણાવાયું છે.