×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સરકારે મંજૂરી નથી આપી એવી પાર-તાપી લિન્કિંગ યોજના રદ્દ

અમદાવાદ તા. 21 મે 2022,શનિવાર

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પાર – તાપી રીવર લિન્કિંગ પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત સુરત ખાતેથી કરી હતી. આ યોજના અંગે દક્ષીણ ગુજરાતમાં આદિવાસીઓનો ભારે વિરોધ હતો અને તેના માટે લાંબો સમય સુધી રાજ્ય સરકાર સામે દેખાવો પણ થયા હતા. 

આ યોજના રદ્દ કરવાની જાહેરાત સુરત ખાતે એક પત્રકાર પરિષદમાં કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્રની આ યોજના અંગે રાજ્ય સરકારે ક્યારેય મંજૂરી આપી હતી નહી. રાજ્ય સરકારની મંજૂરી વગર યોજનાનો અમલ પણ થવાનો હતો નહિ એટલે દરેક પ્રકારની ગેરસમજ દૂર કરવવામાં આવી રહી છે. રાજ્યના આદિવાસી ધારાસભ્યો, સાંસદો અને કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સિતારામન સાથે મસલતો બાદ આ યોજના રદ્દ કરવામાં આવી રહી છે.

ચુટણી પહેલા સરકારને કોઈ વિરોધ પોસાય તેમ નથી. આ યોજના કેન્દ્ર સરકારે સ્થગિત કરી હતી. રાજ્ય સરકારે વિધાનસભામાં પણ યોજના આગળ નહી વધે એવી બાહેંધરી આપી હતી. આજે ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું હતું કે આ યોજના રાજ્ય સરકારે મંજૂર જ નથી કરી. જો, યોજના મંજૂર જ થઇ ન હોય તે રદ્દ કેવી રીતે થઇ શકે એવા સવાલનો અત્યારે કોઈ જવાબ મળી રહ્યો નથી.

આ યોજના અંગે શ્વેતપત્ર બહાર પાડવા માટે કોંગ્રેસ અને આદિવાસી સંગઠનોએ માંગ કરી હતી એ અંગે મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે જયારે હવે યોજના રદ્દ થઇ રહી છે ત્યારે શ્વેતપત્ર બહાર પાડવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. 

અગાઉ, ગુજરાતમાં જયારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આદિવાસી પ્રજાનો વિરોધ જોતા રાજ્ય સરકારે ફેબ્રુઆરી મહિનામાં જ આ યોજના રદ્દ કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. આ વિનંતીને ધ્યાનમાં લઇ માર્ચ મહિનામાં કેન્દીય મંત્રીમંડળે આ યોજના સ્થગિત રાખવાનો નિર્ણય લીધો હતો. 

વધુ વાંચો: ચૂંટણી આવતા રાજ્ય સરકાર જાગી: તાપી રિવર લિંક યોજના રદ્દ કરવા કેન્દ્રને અરજી