×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વસ્ત્રાલમાં જુની અદાવતમાં મિત્રએ જ બે મિત્રોની હત્યા કરી દેતા ચકચાર



(મૃતક કલ્પેશનો ફાઇલ ફોટો) અમદાવાદ

વસ્ત્રાલ ન્યુ આર ટીઓ રોડ પર આવેલા તિલકનગરમાં રહેતા ૧૬ વર્ષીય સગીર  તેની બાજુમાં આવેલા ન્યુ લક્ષ્મીનગરમાં રહેતા ૨૪ વર્ષીય યુવકને તેના જ મિત્રએ અંગત અદાવતમાં મોતને ઘાટ ઉતારીને એક જ રાતમાં બે હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.  બે દિવસ પહેલા શંકાસ્પદ આરોપીએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બુધવારે રાતના ફોન કરીને બોલાવ્યા હતા. આ બનાવ અંગે રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ન્યુ આરટીઓ રોડ પર આવેલા ન્યુ લક્ષ્મીનગર નજીકમા તિલકનગર સોસાયટી આવેલી છે. જ્યાં ૧૬ વર્ષનો રણજીત ગૌતમ તેના પરિવાર સાથે રહેતો હતો.  ત્રણ દિવસ પહેલા તેને લક્ષ્મીનગરમાં રહેતા અશ્વિન લામખેડા નામના મિત્રએ બોલાવીને ધમકી આપી હતી કે તુ અને તારો મિત્ર કલ્પેશ હેમાંડે ( રહે. લક્ષ્મીનગર)  બહુ બોગસગીરી કરો છો. તમને જોઇ લેવા પડશે. બાદમાં બુધવારે રાતના સાડા અગીયાર વાગે રણજીતને કોઇનો ફોન આવ્યો હતો. જેથી તે રાતના બહાર ગયો હતો અને સવારે મોડે સુધી પરત આવ્યો નહોતો.  બીજી તરફ સવારના સાડા દશ વાગ્યાના સુમારે તિલકનગર પાસે આવેલા ખુલ્લા ખેતરમાં રણજીતનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના માથા અને શરીરના ભાગે હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જેથી આ અંગે રણજીતના પિતાએ  અશ્વિન પર આશંકા વ્યક્ત કરતા રામોલ પોલીસે તપાસ કરી હતી.  જેમાં અશ્વિન ઘરે મળી આવ્યો નહોતો અને તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. આ દરમિયાન લક્ષ્મીનગરમાં રહેતા કલ્પેશ હેમાંડેનો મૃતદેહ પણ તેના ઘરના રૂમમાંથી મળી આવ્યો હતો. જેના પર પણ તિક્ષણ હથિયારના ઘા ઝીંકાયેલા હતા.  આ બંને હત્યા અશ્વિને જ કરી હોવાની આશંકાને પગલે રામોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતક રણજીત, કલ્પેશ અને  અશ્વિન મિત્રો હતા.  જો કે હત્યા પાછળનું કારણ ક્યુ છે? તે અંગે ચોક્કસ બાબત સામે નથી આવી. પરંતુ, રામોલ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે.  આ અંગે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ સી આર રાણાએ જણાવ્યું હતું કે  મૃતકો અને આરોપી વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી નાની મોટી તકરાર ચાલતી હતી. પોલીસને આશંકા છે કે અશ્વિન સાથે હત્યામાં અન્ય આરોપીઓ પણ સંકળાયેલા હોય શકે તેમ છે. જેના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે.