×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદેથી આપ્યું રાજીનામુ


- મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે વાસ્તવમાં સકારાત્મકરૂપે કાર્ય કરી શકીશઃ હાર્દિક પટેલ

- ગુજરાતના મોટા કોંગ્રેસી નેતાઓને દિલ્હીથી આવેલા નેતાઓને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં તેની વધારે ચિંતા હોય છેઃ હાર્દિક પટેલ

અમદાવાદ, તા. 18 મે 2022, બુધવાર

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. છેલ્લાં ઘણાં સમયથી તે કોંગ્રેસથી નારાજ હોવાનું જણાઈ રહ્યું હતું. ત્યારે આખરે હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામુ આપી દીધું છે. 

હાર્દિક પટેલે ટ્વિટ કરીને પોતે પાર્ટીમાંથી રાજીનામુ આપી રહ્યો હોવાની જાહેરાત કરી છે. હાર્દિક પટેલે લખ્યું હતું કે, 'આજે હું હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી રાજીનામુ આપી રહ્યો છું. મને વિશ્વાસ છે કે, મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથીઓ અને ગુજરાતની જનતા કરશે. હું માનુ છું કે, મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે વાસ્તવમાં સકારાત્મકરૂપે કાર્ય કરી શકીશ.'

હાર્દિક પટેલે સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખેલા પત્રમાં લખ્યું છે કે, છેલ્લાં 3 વર્ષથી મેં જોયું છે કે, કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ કરવા પૂરતી સીમિત રહી ગઈ છે. દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે.

વધુમાં લખ્યું છે કે, દેશ લાંબા સમયથી અયોધ્યામાં શ્રી રામ મંદિર, CAA-NRC મુદ્દો, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી, GST લાગુ કરવું વગેરે બાબતે ઉકેલ ઈચ્છતો હતો જેમાં કોંગ્રેસ માત્ર અડચણરૂપ બનવાનું કામ કરી રહી હતી. આ સાથે જ હાર્દિક પટેલે કોંગ્રેસની ટોચની નેતાગીરીમાં કોઈ પણ મુદ્દે ગંભીરતાનો અભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. વધુમાં કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. 

હાર્દિક પટેલે ફરિયાદના સૂરમાં લખ્યું છે કે, અમારા જેવા નાના કાર્યકરો દરરોજ પોતાના ખર્ચે 500-600 કિમીનો પ્રવાસ કરે છે ત્યારે ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે. તેમનું ધ્યાન એ બાબત પર વધારે હોય છે કે, દિલ્હીથી આવેલા નેતાઓને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં. 


વધુ વાંચોઃ હાર્દિક પટેલે આપ્યો હતો આ છેલ્લો સંકેત