×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શેરબજારમાં જંગી ગાબડું : રોકાણકારોની સંપત્તિમાં રૂા. 5.41 લાખ કરોડનું ધોવાણ


- વિદેશી રોકાણકારોની રૂા. 5255 કરોડની વેચવાલી સ્મોલ - મિડકેપ શેરોમાં મોટા પાયે ધોવાણ

અમદાવાદ : વિશ્વના અનેક દેશોમાં ફુગાવો વધવાની બીજી તરફ વ્યાજદરોમાં પણ વધારો થવા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ આજે ભારત સહિત વિશ્વભરના બજારોમાં ગાબડા નોંધાયા હતા. સેન્સેક્સમાં આજે ૧૧૫૮ પોઇન્ટનો કડાકો બોલી જતાં રોકાણકારોની સંપત્તિમાં રૂા ૫.૪૧ લાખ કરોડનું ધોવાણ થઈ જવા પામ્યું હતું.

રશિયા- યુક્રેન યુદ્ધના પગલે ઉદ્ભવેલ જીઓપોલિટિકલ ટેન્શનની બીજી તરફ મોંઘવારી વધવાની સાથે વ્યાજ દરો પણ વધતા નાણાંકીય મોરચે પ્રતિકૂળ માહોલ ઉદ્ભવતા સમગ્ર વિશ્વ ફરી આર્થિક મંદીમાં ગરકાવ થઈ જવાની ભીતિ ઉદ્ભવતા વિશ્વના શેરબજારોમાં ગાબડા નોંધાયા હતા.અમેરિકી શેરબજારમાં આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૨૪૫ પોઇન્ટ તૂટયા હતા. જ્યારે નાસ્ડેક ૩૫ પોઇન્ટ વધ્યો હતો.આ અહેવાલો પાછળ આજે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કી ૪૬૫ અને હોંગકોંગનો હેંગસેંગ ૪૪૪ પોઇન્ટ તૂટયો હતો. યુરોપના બજારોમાં જર્મન માર્કેટ ૧૪૨, લંડન બજાર ૧૨૪ અને ફ્રાંસ બજાર ૮૬ પોઇન્ટ તૂટયું હતું.

ઘરઆંગણે મુંબઈ શેરબજાર ખાતે આજે વિદેશી રોકાણકારો સહિત ફંડો તેમજ ખેલાડીઓ દ્વારા ચોમેરથી હાથ ધરાયેલી વેચવાલીના ભારે દબાણને પગલે શેરોની જાતેજાતમાં મોટા ગાબડા નોંધાયા હતા જેના પગલે સેન્સેક્સ ૧૧૫૮.૦૮ પોઇન્ટ તૂટીને ૫૨૯૩૦.૩૧ અને નિફ્ટી ૩૫૯.૧૦ પોઇન્ટ તૂટી ૧૫૮૦૮ની સપાટીએ ઉતરી આવ્યા હતા. સેન્સેક્સમાં બોલેલ કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂા. ૫.૪૧ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂા. ૨૪૦.૯૦ લાખ કરોડ રહી હતી. ચાલુ મે માસના આઠ ટ્રેડિંગ સત્રમાં માર્કેટ કેપમાં રૂા. ૨૬.૦૭ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે.વિદેશી રોકાણકારો દ્વારા આજે રૂા. ૫૨૫૬ કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી. 

આજે સ્મોલ- મિડકેપ શેરોમાં મોટા ગાબડા પડયા હતા.