×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતીય શેરબજારમાં ભૂકંપ : સેન્સેકસ 1000 અંક તૂટ્યો, રૂપિયો ફરી નવા તળિયે


12 મે, 2022 ગુરૂવાર

અમદાવાદ : ભારતીય શેરબજારમાં વીકલી એક્સપાયરીના દિવસે વિદેશી બજારના નકારાત્મક સંકેતોને પગલે હાહાકાર મચી ગયો છે. બેંચમાર્ક ઈન્ડાયસિસમાં 2%નો મસમોટો કડાકો જોવા મળી રહ્યો છે અને નિફટી 50 ઈન્ડેકસે 16,000ની મહત્વની સાયકોલોજિકલ સપાટી ગુમાવી દીધી છે.

ગુરૂવારે બપોરે 12.30 કલાકે બીએસઈ સેન્સેકસ 1000 અંકોના ઘટાડા સાથે 53,085ના લેવલે અને નિફટી 50 ઈન્ડેકસ 315 અંકોના કડાકે 15,850ના લેવલે દિવસના તળિયા નજીક ટ્રેડ કરી રહ્યાં છે. નકારાત્મક સંકેતોને પગલે 1%થી વધુના ઘટાડે ખુલ્યાં બાદ બજારમાં સવારથી આવતી સામાન્ય રિકવરી ધોવાઈ જાય છે અને ઈન્ડાયસિસ નવા ઈન્ટ્રાડે લો બનાવે છે.

આજે બીએસઈ સેન્સેકસના 25 શેર ઘટાડા સાથે જ્યારે 5 શેર જ તેજી સાથે કામકાજ કરી રહ્યાં છે. આ 5 શેરમાં HCL ટેક, TCS, ટેક મહિન્દ્રા, વિપ્રો અને એશિયન પેઇન્ટનો સમાવેશ થાય છે.

આજે બજારને નીચે ખેંચવામાં સૌથી મોટો ફાળો HDFC બંધુઓનો છે. HDFC બેંક 3%ના કડાકા સાથે સેન્સેકસના ઘટાડામાં 160 અંકોનું યોગદાન આપે છે. આ સિવાય રિલાયન્સ પણ 2%ના કડાકે સેન્સેકસના 1000 અંકોના ઘટાડામાં 13%નું યોગદાન આપે છે.


જોકે સૌથી વધુ ખાનાખરાબી નાના શેરમાં જોવા મળી છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ 2% અને મિડકેપ ઈન્ડેકસમાં 2.40%નો કડાકો જોવા મળી રહ્યો છે. સેક્ટોરિયલ ઈન્ડાયસિસ પર નજર કરીએ તો મેટલમાં સૌથી વધુ 4.04%નો ઘટાડો છે જ્યારે પાવર, બેંક્કેસ 3.50% તૂટ્યાં છે.

રૂપિયો નવા ઐતિહાસિક તળિયે :

ભારતીય ચલણમાં પણ આજે નવું ઐતિહાસિક તળિયું જોવા મળ્યું છે. ડોલરની સામે રૂપિયો 77.635ના નવા ઓલટાઈમ લો પર પહોંચ્યો હતો પરંતુ ડીલરોના જણાવ્યા અનુસાર આરબીઆઈના હસ્તક્ષેપને કારણે રૂપિયો સામાન્ય સુધારા સાથે 1 કલાકે 77.44ના સ્તરે કામકાજ કરી રહ્યો છે.

વિશ્વની છ મોટી કરન્સીની સામે ડોલરનું મૂલ્ય દર્શાવતા ડોલર ઈન્ડેક્સમાં પણ તેજીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ડોલર ઈન્ડેકસ 0.40%ના ઉછાળે 104.28ના લેવલે ટ્રેડ કરી રહ્યું છે.