×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અરવિંદ કેજરીવાલ રાજકોટ પહોંચ્યા, સાંજે જાહેર સભા


- ગુજરાતમાં ચૂંટણી પહેલા જ શાસક અને વિરોધપક્ષની સભાઓથી ‘હીટવેવ’

રાજકોટ, તા. 11 મે 2022, બુધવાર

ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી સમય અનુસાર ડિસેમ્બરમાં થવાની છે પણ એ પહેલા રાજ્યમાં રાજકીય વાતવરણ ગરમી પકડી રહ્યું છે. રાજ્યમાં હીટવેવ ચાલી રહ્યો છે તેમાં રાજકીય નેતાઓની હાજરીથી ગરમી સતત વધી રહી છે. મંગળવારે દાહોદ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની જાહેર સભા બાદ આજે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી (આપ) જાહેર સભા યોજી રહી છે. આ સભાને સંબોધન કરવા માટે દિલ્હીના મુખામંત્રી અને આપના સર્વોચ્ચ નેતા અરવિંદ કેજરીવાલ રાજકોટ ખાતે પહોંચી ગયા છે. 

ભાજપના ગઢમાં ગાબડું પાડવા રાજકોટ આવી પહોંચેલા અરવિંદ કેજરીવાલ સાંજે સાત વાગ્યે શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધશે એવો કાર્યક્રમ છે. આ ઉપરાંત, રાજકોટ ખાતે રાત્રિ રોકાણ પણ કરવાના છે. 

રાજકોટ એરપોર્ટ ઉપર ધોમ ધખતા 43 ડિગ્રી તાપમાન વચ્ચે અરવિંદ કેજરીવાલનું આગમન થતાં આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ બપોરે 3થી 07:00 વાગ્યા સુધી ઈમ્પિરીયલ પેલેસ હોટલમાં રોકાશે અને રાજકીય-સામાજિક વગેરે આગેવાનોને મળીને સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો પાયો મજબૂત કરવા સ્થિતિની જાણકારી મેળવશે

રાત્રે અરવિંદ કેજરીવાલ સભા પૂર્ણ થયા બાદ રાજકોટમાં જ રાત્રિ રોકાણ કરવાના છે અને આ દરમિયાન પણ તે ચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીના નજીકના અગ્રીમ હરોળના નેતાઓને માર્ગદર્શન પણ આપશે તેમ જાણવા મળ્યું છે. 

આ અગાઉ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ, જામનગર, ગાંધીનગર અને દાહોદ ખાતે સભા એપ્રિલ મહિનામાં કરી હતી અને આ મહિનાના અંતે ફરી એકવાર રાજકોટ જીલ્લાના આટકોટ ખાતે એક હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહી જાહેર સભા કરવાના છે.