×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શેરબજાર, ક્રીપ્ટોની વેચવાલી હવે કોમોડીટીઝમાં પણ પહોંચી


- ડાઉ જોન્સ, S&P500માં કડાકા, સોનું, ક્રુડ, નેચરલ ગેસ પણ તૂટ્યા

અમદાવાદ : સોમવારે અમેરિકન બજારમાં ટ્રેડીંગ શરૂ થતા જ શેરબજાર અને ક્રીપ્ટોકરન્સીની ગત સપ્તાહની વેચવાલીની અસર આજે કોમોડીટીઝ બજારમાં પણ પહોંચી હતી. ફુગાવો વધી રહેલા વ્યાજના દર અને અમેરિકન ડોલરની બે દાયકાની ઉંચી સપાટીએથી ચિતિત ટ્રેડર્સ આજે જે ચીજમાં નફો બાંધવા મળે તે વેચી રહ્યા હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે. આજે સોનું, ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ અને ચાંદીમાં ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમેરિકન બજાર શરૂ થયાના એક જ કલાલમાં ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૫૬૧ પોઈન્ટ ઘટી ગયો છે. S&P500 ઇન્ડેક્સ૧૦૭ કે ૨.૬૧ ટકા ઘટી ૨૦૨૨ની સૌથી નીચી સપાટીએ છે. ટેકનોલોજી શેરના ઇન્ડેક્સ નાસ્દાકમાં ૪૨૫ પોઈન્ટ કે ૩.૪૯ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

શેરબજારની વેચવાલી અને બે દિવસથી સતત તૂટી રહેલા ક્રીપ્ટોકરન્સીના કારણે દાઝેલા ટ્રેડર્સ આજે દરેક ચીજમાં જેમાં નફો બાંધવા મળી રહ્યો છે તેમાં વેચવાલી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. મોંઘવારી અને ડોલર વધી રહ્યા હોવાથી તેમજ ચીનની નિકાસ ઘટી હોવાના અહેવાલ વચ્ચે કોમોડીટીઝની માંગ પણ ઘટશે એવી ચિંતાએ ઉમેરો કર્યો છે. આ લખાય છે ત્યારે અમેરિકન વેરાઈટીના ક્રુડ ઓઈલના વાયદા૫.૮૫ ડોલર કે ૫.૩૩ ટકા ઘટી ૧૦૩.૯૨ ડોલર, લંડન બ્રેન્ટ ક્રુડ ૫.૦૫ ટકા કે ૫.૬૮ ડોલર ઘટી ૧૦૬.૭૧ ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યા છે.નેચરલ ગેસ ૯ ટકા કે ૭૨ સેન્ટ ઘટી ૭.૩૧૯ ડોલર, સોનું ૨૪.૭૨ ડોલર ઘટી ૧૮૫૮.૦૮ અને ચાંદી  ૬૦ સેન્ટ ઘટી ૨૧.૭૬૧ ડોલરની સપાટીએ છે.  

સેંકચૂરી વેલ્થના જેફ કિલ્બર્ગે જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વની આક્રમક વ્યાજ વધારવાની નીતિના કારણે અત્યારે જે સ્થિતિ ઉભી થઇ છે તેનું નિર્માણ થયું છે. જોખમો અંગે ટ્રેડર્સ અને રોકાણકાર ફરી સભાન બની રહ્યા છે.

વ્યાજ દરની સ્થિતિમાં કોઈ સ્થિરતા આવે અથવા ઘટવાના સંકેત મળે ત્યારે જ બજારમાં થોડી સ્થિરતા આવશે ત્યાં સુધી આ રીતે વધઘટ ચાલતી રહેશે. અમેરિકન ૧૦ વર્ષના બોન્ડના યીલ્ડ ફરીથી ૩ ટકા નીચે જવા જરૂરી છે જે અત્યારે ૩.૦૭૭ની સપાટી છે.ઊંચા વ્યાજ દરના કારણે ટેકનોલજી શેરોમાં ભારે વેચવાલી છે. એમેઝોન એપલ. નેટફ્લીક્સ બધા જ ત્રણ ટકાથી નીચે ઘટી ગયેલા છે. ટેસ્લાના શેર સાત ટકા જેટલા ઘટેલા છે.