×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇક્વિટી MFમાં નવો મૂડીપ્રવાહ એપ્રિલમાં 3 મહિનાને તળિયે

અમદાવાદ, તા. 10 મે 2022,મંગળવાર

રશિયા-યુક્રેનના યુદ્ધથી સર્જાયેલા ભૂ-રાજકીય તણાવ અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજારમાં મોટી અફરા-તફરીનો માહોલ છે અને તેની અસરે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નવો મૂડીપ્રવાહ એપ્રિલમાં માસિક તુલનાએ 44 ટકા ઘટીને ત્રણ મહિનાના તળિયે ઉતરી ગયો છે. 

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ એપ્રિલમાં ઇક્વિટી ફંડ્સ અને ઇક્વિટી લિંક્ડ સ્કીમમાં રૂ. 15,890.3 કરોડનું ચોખ્ખું નવુ રોકાણ આવ્યુ છે, જે સતત 14માં મહિને નેટ ઇનફ્લો દર્શાવે છે. અલબત્ત તે માર્ચ-22ના રૂ. 28,463 કરોડના નેટ ઇનફ્લો તુલનાએ 44 ટકા ઓછુ છે જો કે એપ્રિલ-21ના રૂ. 3,437.37 કરોડ કરતા વધારે લગભગ પાંચ ગણું છે. 

માર્ચમાં રિબાઉન્ડ થયા બાદ એપ્રિલ દરમિયાન ભારતીય શેરબજારમાં મોટી વધ-ઘટ જોવા મળી હતી, જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ગત મહિને 3.7 ટકા અને નિફ્ટી-50 ઇન્ડેક્સ 3.2 ટકા તૂટ્યા હતા. 

ઇક્વિટી ફંડ્સમાં ભલે નવો મૂડપ્રવાહ ઘટ્યો હોય પરંતુ તમામ સેગમેન્ટમાં પોઝિટિવ ઇનફ્લો જોવા મળ્યો છે. જેમાં સ્મોલકેપ સેગમેન્ટમાં સૌથી વધુ જ્યારે લાર્જકેપમાં સૌથી ઓછુ નવુ રોકાણ આવ્યુ છે. ડેટ ફંડ્સમાં માર્ચના રૂ. 44,603 કરોડના આઉટફ્લો બાદ એપ્રિલમાં રૂ. 28,731 કરોડનું નવુ રોકાણ જોવા મળ્યુ છે. 

આ સાથે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્સ ઉદ્યોગની કુલ એયુએમ એટલે કે સંપત્તિ વધીને રૂ. 38.88 લાખ કરોડની રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગઇ છે જે માર્ચમાં રૂ. 37.7 લાખ કરોડ નોંધાઇ હતી. 

SIPમાં નવો મૂડીપ્રવાહ ધીમો પડ્યો

અલબત્ત નાના રોકાણકારોના સૌથી પસંદગીના વિકલ્પ એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (સીપ) મારફતે નવુ રોકાણ ઘટ્યુ છે. માર્ચ મહિનામાં સીપમાં રેકોર્ડ બ્રેડ રૂ. 12,327.09 કરોડનો મૂડીપ્રવાહ નોંધાયા બાદ તે એપ્રિલમાં ઘટીને રૂ. 11,863.1 કરોડ થયો છે. સતત નવો મૂડીપ્રવાહ ચાલુ રહેતા સીપની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) માર્ચના રૂ. 5.76 લાખ કરોડથી વધીને રૂ. 5.78 કરોડ થઇ છે.