×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોઈને પણ બળજરીપૂર્વક કોરોના વેક્સિન લેવા મજબૂર ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ


- સુપ્રીમ કોર્ટે વેક્સિનેશનના દુષ્પરિણામોને પ્રકાશિત કરવા માટે પણ નિર્દેશ આપ્યો

નવી દિલ્હી, તા. 02 મે 2022, સોમવાર 

કોવિડ સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વની ટિપ્પણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિને કોરોના વેક્સિન લેવા માટે મજબૂર ન કરી શકાય. સુપ્રીમ કોર્ટમાં કોરોના વેક્સિનેશનની અનિવાર્યતાને ગેરબંધારણીય ઠેરવતી અરજી પર સુનાવણી ચાલી રહી હતી અને તે દરમિયાન આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. 

કોર્ટે જણાવ્યું કે, નીતિ નિર્માણ મામલે કશું પણ કહેવું ઉચિત નથી પરંતુ કોઈ પણ વ્યક્તિને વેક્સિન લેવા માટે મજબૂર ન કરી શકાય. સરકાર જનહિતમાં લોકોને જાગૃત કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કોવિડ વેક્સિનેશનની અનિવાર્યતાને ગેરબંધારણીય જાહેર કરતી અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કરી હતી. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, સરકાર જનહિતમાં લોકોને જાગૃત કરી શકે છે. બીમારી ફેલાતી અટકાવવા માટે પ્રતિબંધો લાગુ કરી શકે છે પરંતુ વેક્સિન લેવા માટે અને કોઈ પણ પ્રકારની ખાસ દવા લેવા માટે મજબૂર ન કરી શકાય. અમુક સરકારોએ મહામારી દરમિયાન વેક્સિનેશનની અનિવાર્યતા અંગે જે પ્રતિબંધો લાગુ કર્યા હતા તેને તાત્કાલિકપણે દૂર કરી દેવા જોઈએ. 

વેક્સિનેશન એ દરેક વ્યક્તિનો અંગત નિર્ણયઃ સુપ્રીમ

કોર્ટે પોતાના નિર્ણય દરમિયાન કેન્દ્ર સરકારને જનતા અને ડોક્ટર્સ સાથે વાત કરીને એક રિપોર્ટ પ્રકાશિત કરવા માટે જણાવ્યું છે જેમાં વેક્સિનની અસર અને પ્રતિકૂળ અસરનું સંશોધન સર્વેક્ષણ હોય. કેન્દ્ર સરકારની કોવિડ વેક્સિનેશન નીતિને સમુચિત બતાવીને સુપ્રીમ કોર્ટે એવી સ્પષ્ટતા કરી છે કે, વેક્સિન લેવી કે ન લેવી તે દરેક નાગરિકનો અંગત નિર્ણય છે. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વેક્સિન લેવા માટે મજબૂર ન કરી શકાય. 

સુપ્રીમ કોર્ટે વેક્સિન નીતિઓ મુદ્દે રાજ્ય સરકારોને સૂચન આપતાં કહ્યું કે, વેક્સિનની અનિવાર્યતાના માધ્યમથી લોકો પર લગાવવામાં આવેલા પ્રતિબંધો સાપેક્ષ કે યોગ્ય ન કહી શકાય. હવે જ્યારે સંક્રમણના ફેલાવા અને તીવ્રતા સાથે સંક્રમિત લોકોની સંખ્યા ઘટી છે ત્યારે સાર્વજનિક ક્ષેત્રોમાં હરવા-ફરવા પર કોઈ પ્રતિબંધ ન લગાવવો જોઈએ. સરકારોએ જો પહેલેથી આવા કોઈ નિયમ કે પ્રતિબંધો લાગુ કરેલા હોય તો તેને પાછા ખેંચવામાં આવે. 

કોર્ટે જણાવ્યું કે, અમારો આ પ્રસ્તાવ કોવિડને ફેલાતો અટકાવવા માટે નિર્ધારિત કરવામાં આવેલા દરેક યોગ્ય અને સ્વાસ્થ્ય અનુકૂળ વ્યવહાર અને નિયમો સુધી વિસ્તારિત નથી પરંતુ તે ઝડપથી બદલાતી સ્થિતિ હોય છે. આ કારણે અમારૂં આ સૂચન ફક્ત વર્તમાન સ્થિતિના પરિપ્રેક્ષ્યમાં જ છે.