×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નેટફ્લિક્સ થાક્યું, ભારતમાં 90 ટકા પ્રોજેક્ટસ પર કાતર ફેરવશે

મુંબઈ, તા.28 એપ્રિલ 2022,ગુરૂવાર

આંતરરાષ્ટ્રીય ઓટીટી સ્ટ્રિમિંગ જાયન્ટ નેટફ્લિક્સને ભારતમાં હાંફ ચઢી ગઈ છે. અત્યાર સુધી નેટફ્લિક્સ માટે ફિલ્મો અને સિરીઝ બનાવનારા પ્રોડ્યુસર્સને ઘી કેળાં હતાં કારણ કે નેટફ્લિક્સ તેમને ધાર્યા પૈસા આપતું હતું. પરંતુ, હવે બધા પ્રોડ્યુસર્સને માપમાં જ ખર્યા કરવા કહી દેવાયું છે. કેટલાય દિગ્ગજ પ્રોડક્શનના મહત્વના શોનાં આયોજન પડતા મૂકવામાં આવ્યા છે. 

નેટફ્લિક્સની ખુદની જાહેરાત અનુસાર તેણે 2022ના પહેલા ત્રણ મહિનામાં વિશ્વભરમાં બે લાખ સબસ્ક્રાઈબર ગુમાવ્યા છે. જોકે, નેટફ્લિક્સના એક્સ સીઇઈઓ રીડ હોસ્ટિંગે તો અગાઉ જ જાહેર કર્યું હતું કે ભારતમાં તેઓ સદંતર ફ્લોપ ગયા છે. એ પછી નેટફ્લિક્સે પોતાની પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી બદલી હતી અને બહુ સસ્તા મોબાઇલ પ્લાન લોંચ કર્યા હતા. તો પણ તેનો કોઇ ફાયદો થયો નથી. 

અહેવાલો અનુસાર નેટફ્લિક્સએ દિલ્હી ક્રાઈમ સિરીઝનો બીજો ભાગ અભેરાઈ પર ચઢાવી દેવાનું નક્કી કર્યું છે. એ જ રીતે બાહુબલી ફિલ્મ પરથી પ્રેરિત બાહુબલીના જન્મ અગાઉનાં શાસનોની વાત કહેતી બાહુબલી ઇન ધી મેકિંગ નામની સિરીઝ પણ કોલ્ડ સ્ટોરેજમાં નાખી દેવામાં આવી છે. 

નેટફ્લિક્સે કરણ જોહરની ધર્મા પ્રોડક્શન અને શાહરૂખ ખાનની રેડ ચિલી એન્ટરટેનમેન્ટ સાથે કંટેંટ માટે કરાર કર્યા હતા પરંતુ અત્યારની સ્થિતિએ તો એ બધાનું પણ ફિંડલું વળી ગયેલું દેખાય છે. 

ફિલ્મ જગતના સૂત્રો કહે છે કે નેટફ્લિક્સ વાળા અંધાધૂંધ પૈસા આપતા હોવાથી એક સમયે નાના-મોટા તમામ પ્રોડ્યુસર્સએ તેના માટે શો બનાવવામાં લાઇન લગાવી હતી. ક્રિએટિવ લિબર્ટીના નામે બેફામ ખર્ચા થતા હતા. તેમાં કેટલાય પ્રોડયુસર્સએ વેઠ ઉતારીને પૈસા બનાવી લીધા હતા. પરંતુ, હવે એ બધા પર બ્રેક વાગી ગઇ છે. 

પહેલાં પ્રોડ્યુસર્સ નેટફ્લિક્સ પાછળ દોડતા હતા પરંતુ હવે નેટફ્લિક્સ એ સામેથી સારાં બેનર્સનો સંપર્ક સાધવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.