×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિપક્ષી રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ન ઘટાડી અન્યાય કર્યો: મોદી


- મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની બેઠકમાં મોદીએ પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવનો મુદ્દો છેડયો

- કોરોના હજુ ગયો નથી, દેશ સમક્ષ હજુ પણ મહામારીના પડકારો છે, બાળકોનું રસીકરણ અમારી પ્રાથમિક્તા : પીએમ

- ગુજરાતને ત્રણથી ચાર હજાર કરોડનું નુકસાન છતા લોકહિતમાં વેટ ઘટાડયો 

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે બેઠક યોજી હતી. જોકે આ બેઠક કોરોના મહામારી ઉપર ચર્ચા કરવા હતી પણ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલ પરના ઉંચા વેટનો મુદ્દો છેડી દીધો હતો. મોદીએ જે રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ નથી ઘટાડયો તેને આ ચાલુ બેઠકમાં ટકોર કરી હતી, અને વેટ ઘટાડવા માટે વિનંતી પણ કરી હતી. જેને પગલે આ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ થોડા સમય માટે આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.  

વિપક્ષ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે ત્યારે મોદીએ હવે એવા રાજ્યોને ઘેર્યા છે કે જે બિનભાજપ શાસિત હોય અને પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ન ઘટાડયો હોય. મોદીએ આ રાજ્યોને અપીલ કરી હતી કે તેઓ આમ નાગરિકોના હિત માટે પેટ્રોલ અને ડીઝલ પરના વેટને ઘટાડે.  જે રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પરના વેટને નથી ઘટાડયો તેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કેરળનો સમાવેશ થાય છે કે જે બિનભાજપ શાસિત રાજ્યો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેટ ન ઘટાડનારા આ રાજ્યોના મુખ્યમંત્રીઓને કહ્યું હતું કે હું કોઇની પણ ટીકા નથી કરી રહ્યો પણ તમને વિનંતી કરી રહ્યો છું કે લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ રાજ્યોએ વેટ ઘટાડી દેવો જોઇએ. વેટ ઘટાડાની છૂટ આપવામાં આવી તેને છ મહિના વીતી ગયા છે હવે તો આ રાજ્યોએ લોકોને તેનો લાભ આપવો જોઇએ. મોદીએ પેટ્રોલના ભાવ પણ જણાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ ૧૧૧, જયપુરમાં ૧૧૮, હૈદરાબાદમાં ૧૧૯, કોલકાતામાં ૧૧૫, મુંબઇમાં ૧૨૦ રૂપિયા છે. આ ભાવની સરખામણી જે રાજ્યોમાં ઓછી કિમતો છે તેની સાથે કરી હતી.

મોદીએ કહ્યું હતું કે જે શહેરો કે રાજ્યોમાં ભાવ નીચા છે તેમાં કેન્દ્ર શાસિત દીવ-દમણમાં ૧૦૨, લખનઉમાં ૧૦૫, જમ્મુમાં ૧૦૬ રૂપિયા અને ગુવાહાટીમાં ૧૦૫ રૂપિયા જ છે. કેન્દ્ર સરકાર પોતાની રેવન્યૂમાંથી ૪૨ ટકા રાજ્યોને આપે છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યોના મુખ્યમંત્રીઓને વિનંતી કરુ છું કે તેઓ પેટ્રોલ અને ડીઝલ પરના વેટને ઘટાડે. આ બેઠક મુખ્યત્વે કોરોના મહામારી પર ચર્ચા કરવા માટે હતી, જેને પગલે મોદીએ કોરોના અંગે પણ વાત કરી હતી. 

મોદીએ કહ્યું હતુ કે કોરોના મહામારી હજુ ગઇ નથી. હવેની સરકારની પ્રાથમિક્તા બાળકોને રસી આપવાની રહેશે. છેલ્લા બે સપ્તાહથી કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેને પગલે વડાપ્રધાન મોદીએ આ અંગે ચર્ચા કરવા બેઠક બોલાવી હતી. મોદીએ રાજ્યોને કોરોના મહામારી ફરી ન ફેલાય તે હેતુથી જે પણ નિયમો છે તેનો યોગ્ય રીતે પાલન કરાવવા માટે અપીલ કરી હતી. મોદીએ કોરોના મહામારીને યાદ કરતા કહ્યું હતું કે ભારતમાં એક સમયે દરરોજ કોરોનાના નવા ત્રણ લાખ કેસો સામે આવતા હતા, છતા રાજ્યોએ યોગ્ય કામગીરીથી તેને ઘટાડવામાં મદદ કરી હતી. તેવી જ રીતે હાલ પણ આપણે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવાનું છે. 

રાજ્યો હોસ્પિટલોની ફાયર સેફ્ટી પર ધ્યાન આપે : તાપમાન વધતા મોદીની વિનંતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારીની બેઠકમાં વધી રહેલા તાપમાન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથેની બેઠકમાં હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને વધુ સારી બનાવવા વિનંતી કરી હતી. હાલમાં હોસ્પિટલોમાં આગની ઘટનાઓ વધી રહી છે. તાપમાન વધવાને કારણે પણ આ પ્રકારની ઘટનાઓ વધવા લાગી હોવાના અહેવાલો છે. આ સ્થિતિ વચ્ચે મોદીએ કહ્યું હતું કે દરેક રાજ્યોએ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી પર પુરતુ ધ્યાન આપવું જોઇએ. ખાસ કરીને કોરોનાના દર્દીઓને જ્યાં સારવાર અપાઇ રહી હોય તે વોર્ડ કે આઇસીયુનું વિશેષ ધ્યાન રાખવા પર મોદીએ ભાર મુક્યો હતો. 

અગાઉની સરકારમાં એક્સાઇઝ ડયૂટી 9 રૂપિયા જ્યારે મોદી રાજમાં 27 રૂ. છે : વિપક્ષનો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવ માટે વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોના ઉંચા વેટને જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ અને ટીએમસીએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો. કોંગ્રેસે વેટની સામે એક્સાઇઝ ડયૂટીનો મુદ્દો છેડયો હતો અને કહ્યું હતું કે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસ હતી ત્યારે એક્સાઇઝ ડયુટી ઘણી જ ઓછી હતી જે હાલ વધારે છે. કોંગ્રેસની સરકાર હતી ત્યારે પેટ્રોલ પર ૯.૪૮ રૂપિયા અને ડીઝલ પર ૩.૫૬ રૂપિયા હતી જ્યારે મોદી સરકારના રાજમાં ૨૭.૯૦ રૂપિયા અને ૨૧.૮૦ રૂપિયા છે.    

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે બંગાળ સરકારે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ૧૫૦૦ કરોડની ઇંધણ  સબસિડી  આપી હતી. વડાપ્રધાન મોદીના દાવાઓના થોડા જ કલાક બાદ મમતાએ આ જવાબ આપ્યો હતો. તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે મોદીએ માત્ર એક તરફી જ વાત કરી છે. મુખ્યમંત્રીઓને આ બેઠકમાં બોલવાની કોઇ જ તક આપવામાં ન આવી. કોરોનાની બેઠકમાં મોદી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પર ન બોલ્યા હોત તો જ સારુ થાત. પણ તેઓએ પોતાના એજન્ડા માટે આ બેઠકનો ઉપયોગ કર્યો હતો. 

ભાજપ શાસિત રાજ્યોમાં ભાવ

રાજ્ય

પેટ્રોલ

ડીઝલ

ભોપાલ (મ. પ્રદેશ)

૧૦૫

૧૦૧.૧૬

લખનઉ (ઉ. પ્રદેશ)

૧૦૫.૨૫

૯૬.૮૩

ગુરુગ્રામ (હરિયાણા)

૧૦૫.૮૬

૯૭.૧૦

પટના (બિહાર)

૧૧૬.૨૩

૧૦૧.૦૬

ગાંધીનગર (ગુજરાત)

૧૦૫.૨૯

૯૯.૬૪

બેંગાલુરુ (કર્ણાટક)

૧૧૧.૦૯

૯૪.૭૯

પણજી (ગોવા)

૧૦૬.૪૬

૯૭.૩૩

દેહરાદૂન (ઉત્તરાખંડ)

૧૦૩.૭૩

૯૭.૩૪

શિમલા (હિમાચલ)

૧૦૫.૬૦

૮૯.૪૨

ગુવાહાટી (આસામ)

૧૦૫.૬૬

૯૧.૪૪

અગરતલા (ત્રિપુરા)

૧૦૮.૨૯

૯૫.૨૮


વિપક્ષી રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

રાજ્ય

પેટ્રોલ

ડીઝલ

મુંબઇ (મહારાષ્ટ્ર)

૧૨૦.૫૧

૧૦૪.૭૭

ચેન્નાઇ (તામિલનાડુ)

૧૧૦.૮૫

૧૦૦.૯૪

કોલકાતા (બંગાળ)

૧૧૫.૧૨

૯૯.૮૩

ત્રિવેંદ્રમ (કેરળ)

૧૧૭.૧૯

૧૦૩.૯૫

વિજયવાડા (આંધ્ર)

૧૨૦.૮૬

૧૦૬.૫૦

હૈદરાબાદ (તેલંગાણા)

૧૧૯.૪૯

૧૦૫.૪૯

રાંચી (ઝારખંડ)

૧૦૮.૭૧

૧૦૨.૦૨