×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

TV ચેનલ્સ સામે સરકારની લાલ આંખ! યુદ્ધ, હિંસા, સ્પીકર વિવાદ વચ્ચે એડવાઈઝરી જાહેર


- જહાંગીરપુરી હિંસા મામલે મનઘડંત અને સનસનીખેજ હેડલાઈન અને ઓથોરિટીની કાર્યવાહીને સાંપ્રદાયિક રંગ આપવા પ્રયત્ન થયો તે મામલે ચિંતા દર્શાવી

નવી દિલ્હી, તા. 23 એપ્રિલ 2022, શનિવાર

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું કવરેજ, જહાંગીરપુરી વિવાદ અને લાઉડ સ્પીકર અંગેના ડિબેટ શો મામલે સૂચના અને પ્રસારણ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ ન્યૂઝ ચેનલ્સ માટે એડવાઈઝરી જાહેર કરીને કહ્યું કે, ઉશ્કેરણીજનક, અસામાજીક, બિનસંસદીય અને ભડકાઉ હેડલાઈનથી દૂર રહો. કેન્દ્રએ જણાવ્યું કે, કેબલ ટેલિવિઝન નેટવર્ક (રેગ્યુલેશન એક્ટ) 1995ના નિર્દેશોનું આકરૂં પાલન કરે. 

સરકારે સ્પષ્ટ જણાવ્યું કે, આદેશનું પાલન નહીં થાય તો ચેનલને પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, ટેલિવિઝન નેટવર્ક (વિનિયમન) અધિનિયમ, 1995ની ધારા 20 કેન્દ્રને સશક્ત બનાવે છે કે તે ટીવી ચેનલ્સ વિરૂદ્ધ ઉચિત પગલાં ભરી શકે છે. એડવાઈઝરીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ કાર્યક્રમ નિર્ધારિત નિર્દેશોનું પાલન નહીં કરે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 

જહાંગીરપુરીની ઘટના અને આ દરમિયાન વિભિન્ન ડિબેટ શો અંગે આપત્તિ વ્યક્ત કરીને સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલ્સ માટે એડવાઈઝરી જાહેર કરી હતી. સૂચના અને પ્રસારણ મંત્રાલયે પોતાની વાતનું પુનરાવર્તન કરીને કહ્યું હતું કે, આ સમય દરમિયાન ટીવી ચેનલ્સમાં વિભિન્ન મુદ્દે અપ્રમાણિક, ગેરમાર્ગે દોરનારી, સનસનીખેજ અને સામાજીક પરિવેશમાં અસ્વીકાર્ય ભાષાનો ઉપયોગ થયો. 

યુક્રેન-રશિયા મામલે ખોટા દાવાઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓને સતત ખોટી રીતે ક્વોટ કરવી, એવી હેડલાઈન્સ આપવી જેને સમાચાર સાથે કોઈ સંબંધ ન હોય તથા દર્શકોને ઉશ્કેરવા માટે પત્રકાર અને ન્યૂઝ એન્કર્સે મનપસંદ, મનઘડંત માહિતી રજૂ કરી હતી. જહાંગીરપુરી મામલે ઉશ્કેરણીજનક હેડલાઈન્સ અને સાંપ્રદાયિક હિંસા ભડકાવે તેવા વીડિયોઝ બતાવ્યા. ઉપરાંત વેરિફાઈ ન હોય તેવા સીસીટીવી ફુટેજ પણ બતાવ્યા. 

કોઈ ખાસ સંપ્રદાયના વીડિયો બતાવીને સાંપ્રદાયિક તણાવ વધારવા હવા આપવામાં આવી. મનઘડંત અને સનસનીખેજ હેડલાઈન અને ઓથોરિટીની કાર્યવાહીને સાંપ્રદાયિક રંગ આપવા પ્રયત્ન થયો. ન્યૂઝ ડિબેટ દરમિયાન કેટલીક ન્યૂઝ ચેનલ્સે બિનસંસદીય, ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કર્યો અને સામાજીક રીતે અસ્વીકાર્ય ભાષાનો પ્રયોગ કર્યો.

વધુમાં કહ્યું હતું કે, સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવામાં આવી જેના દ્વારા સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવા પ્રયત્ન થયો. સરકારે આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને સાથે જ આકરા નિર્દેષ આપ્યા છે કે, આવી બાબતોથી દૂર રહો. ડિબેટ શોમાં વિભિન્ન પ્રોગ્રામ દરમિયાન લાઉડ સ્પીકરને લઈ આપત્તિજનક ભાષાનો પ્રયોગ થયો તે અંગે પણ કેન્દ્ર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.