×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રાથમિક શાળાના પેપરની ચોરી! રાજ્યભરમાં ધોરણ-7ની તા. 22 અને 23ની પરીક્ષાઓ રદ્દ


- તળાજા નેસવડ સ્કૂલમાં પેપર ચોરી થતા સુરત સહિત રાજ્યભરમાં ધોરણ 7ના 2 વિષયની પરીક્ષા મોકૂફ

- વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કુલે પહોંચ્યા ત્યારે પરીક્ષા રદ્દ થઈ હોવાની માહિતી મળી, વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન આપી સ્કુલમાં બેસાડાયા

સુરત, તા. 22 એપ્રિલ 2022, શુક્રવાર

સુરત નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિમાં ચાલી રહેલી પરીક્ષામાં આજે શિક્ષકો અને  વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સ્કૂલમાં ગયા ત્યારે તેમને ખબર પડી કે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. તળાજાની એક સ્કુલમાં ધોરણ 7ના બે પેપરની ચોરી થતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાનું જાણીને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. પહેલી વખત પ્રાથમિક વિભાગનું પ્રશ્નપત્ર ચોરી થતાં સુરત સહિત ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. 

છેલ્લા ઘણાં વખતથી ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પરીક્ષાલક્ષી કે કોલેજની પરીક્ષાના પેપર ફૂટતા હતા પરંતુ પહેલી વાર પ્રાથમિક શિક્ષણના ધોરણ 7ના બે પેપરની ચોરી થઈ છે. જેના કારણે આજે અને આવતીકાલે ધોરણ 7ની જે પરીક્ષા હતી તેને રદ્દ કરવામાં આવી છે. તળાજા નેસવડ શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાં હોવાની ફરિયાદ મોડી રાત્રે પોલીસ મથકે કરવામાં આવી હતી. 


ધોરણ7ના બે પ્રશ્ન પત્રની ચોરી થયાની ફરિયાદ લખાવાયાં બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેને પગલે આજે શુક્રવાર અને શનિવારના રોજની ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. મોડી રાત્રે આ પરિપત્ર જાહેર થતાં સમિતિની સ્કૂલમાં વહેલી સવારે જાણ થઈ હતી. 

હાલ પરીક્ષા ચાલી રહી હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં આવી ગયાં હતા. ત્યારે ખબર પડી હતી કે આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા લેવામાં આવશે નહીં. વર્ગ ખંડમાં પહોંચ્યા બાદ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાણ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પગલે સ્કુલમાં વિદ્યાર્થીઓની હાજરી પુરી અને મધ્યાહ્ન ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો. 

સુરતમાં 7 માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તેમાંથી ગુજરાતી માધ્યમના 25થી 30  હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી રહી છે. આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવશે. પહેલી વાર પ્રાથમિક  વિભાગ નું પ્રશ્નપત્ર ફુટ્યું હોવાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.