×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસમાં સતત મંથન, પ્રશાંત કિશોર 3 દિવસમાં બીજી વખત સોનિયા ગાંધીને મળ્યા


- કોંગ્રેસ દ્વારા પ્રશાંત કિશોરને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું

નવી દિલ્હી, તા. 19 એપ્રિલ 2022, મંગળવાર

કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેને લઈને પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીના આવાસ પર શનિવારે હાઈલેવલ મીટિંગ થઈ હતી. જેમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ હાજર રહ્યા હતા. તેમણે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ પ્રશાંત કિશોર સોમવારે પણ 10 જનપથ પર યોજાયેલી મીટિંગમાં સામેલ થયા હતા. જણાવી દઈએ કે પ્રશાંત કિશોર 3 દિવસમાં બીજી વખત કોંગ્રેસના ટોચના નેતાઓને મળ્યા છે.

સોમવારે કોંગ્રેસના મોટા નેતાઓની 5 કલાક સુધી બેઠક ચાલી હતી. તેમાં પ્રિયંકા ગાંધી, અંબિકા સોની, પી ચિદમ્બરમ, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલા સામેલ હતા. પ્રશાંત કિશોર પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

કોંગ્રેસ દ્વારા પ્રશાંત કિશોરને પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ પાર્ટી તેમને સલાહકાર તરીકે ઉપયોગ નહીં કરે, પરંતુ નેતા તરીકે કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.

પ્રશાંત કિશોરે શનિવારની બેઠકમાં કહ્યું હતું કે કોંગ્રેસે લોકસભાની 370 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને બાકીની બેઠકો પર ગઠબંધન કરવું જોઈએ. કોંગ્રેસે બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં એકલા ચૂંટણી લડવી જોઈએ પરંતુ તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગઠબંધન કરવું જોઈએ. 

તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ 8 એપ્રિલે પ્રથમ વખત સંયુક્ત વિપક્ષના મોર્ચા વિશે એક સંકેત આપ્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જે લોકો આરએસએસ અને નરેન્દ્ર મોદીની વિરુદ્ધ છે તેઓએ એક સાથે આવવું જોઈએ પરંતુ તેઓએ કેવી રીતે એક થવું તેના માટે એક માળખુ તૈયાર કરવાની જરૂર છે.