×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત: ટ્રેનની અડફેટે આવતા 5 લોકોના મોત, અનેક ઘાયલ


- રાજ્યના CM વાયએસ જગન મોહન રેડ્ડીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો 

અમરાવતી, તા. 12 એપ્રિલ 2022, મંગળવાર

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સોમવારે મોડી રાત્રે કોણાર્ક એક્સપ્રેસની અડફેટે આવતા 6 લોકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં અનેક લોકોના ઘાયલ થવાની પણ આશંકા છે. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે, ગુવાહાટી જનારી એક સુપરફાસ્ટ એક્સપ્રેસમાંથી કેટલાક મુસાફરો તે સમયે રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા અને પાટા ઓળંગીને બીજી તરફ જવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. તે જ સમયે, ભુવનેશ્વર-સીએસટી મુંબઈ કોર્ણાક એક્સપ્રેસ બીજી બાજુથી આવી રહી હતી જેને કારણે આ ટ્રેન અકસ્માત સર્જાયો હતો.   

શ્રીકાકુલમના પોલીસ અધિક્ષક જીઆર રાધિકાએ ફોન પર જણાવ્યું કે, અત્યાર સુધી અમે છ મૃતદેહોની ઓળખ કરી છે. અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણવા માટે સરકારી રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી રહી છે.

શ્રીકાકુલમ જિલ્લા માહિતી વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના જી સિગદામ અને ચીપુરપલ્લી રેલવે સ્ટેશનો વચ્ચે રાત્રે લગભગ 9 વાગ્યે બની હતી. તેમણે જણાવ્યું કે, કોઈમ્બતુર-સિલ્ચર એક્સપ્રેસ (નં. 12515)ના કેટલાક મુસાફરોએ વિશાખાપટ્ટનમ-પલાસા મુખ્ય લાઈનના સેન્ટ્રલ સેક્શન પર ચેન ખેંચી અને ટ્રેન રોકી દીધી હતી. રેલ્વે વિભાગના અધિકારીઓના હવાલે અધિકારીએ કહ્યું કે, લોકોએ બીજી તરફ ટ્રેક પર દોડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેઓ ભુવનેશ્વર-સીએસટી મુંબઈ કોણાર્ક એક્સપ્રેસને અડીને આવેલા ટ્રેક પર આવી ગયા હતા.

રાજ્યના CM વાયએસ જગન મોહન રેડ્ડીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા અધિકારીઓને રાહત કાર્ય શરૂ કરવા અને ઘાયલોને યોગ્ય તબીબી સુવિધા આપવાનો નિર્દેશ આપ્યો હતો.