×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રામનવમી હિંસાઃ ગૃહ રાજ્ય મંત્રીની રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓ સાથે બેઠક


- ખંભાતમાં એક વ્યક્તિના મૃત્યુ મામલે મર્ડરનો ગુનો દાખલ થશે

અમદાવાદ, તા. 11 એપ્રિલ 2022, સોમવાર

ગુજરાતમાં રામનવમીની ઉજવણી દરમિયાન હિંસાનો માહોલ જોવા મળ્યો હતો. રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંમતનગર અને ખંભાતમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2 જૂથ સામસામા આવી ગયા હતા અને આગજની, તોડફોડ સહિતની ઘટનાઓ બની હતી જેમાં પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. 

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખંભાત અને સાબરકાંઠામાં વ્યાપેલી તંગદિલી મામલે રવિવારે રાતે 11:30 કલાકે ગાંધીનગર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગાંધીનગરના રેન્જ IG અને ખંભાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી હતી. 

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ગૃહ રાજ્ય મંત્રી સાથેની બેઠકમાં હિંમતનગર અને ખંભાતની દિવસ દરમિયાનની સ્થિતિ અંગે રિવ્યુ કરવામાં આવ્યો હતો. તેમાં સ્થાનિક અધિકારીઓ પણ સામેલ થયા હતા. હિંમતનગરમાં રાયોટિંગનો ગુનો દાખલ કરીને અમુક લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. 

હિંમતનગરમાં 2 IG અને 4 SP કક્ષાના અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. RAFની 2 કંપનીને પણ હિંમતનગર મોકલી આપવામાં આવી છે. ખંભાતમાં રાયોટિંગના 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે. ખંભાતમાં પણ DIG કક્ષાના અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં જરૂરી પગલાંઓ લેવા માટે સૂચના આપવામાં આવી છે. 

ખંભાતમાં એક વ્યક્તિના મૃત્યુ મામલે મર્ડરનો ગુનો દાખલ થશે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહેલી ખોટી માહિતીને દૂર કરવાની કામગીરી ચાલુ છે અને તે મામલે પણ ગુનો દાખલ કરવામાં આવશે. આ મામલે સાઈબર ક્રાઈમ વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.