×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નડાબેટમાં 125 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટનું અમિત શાહે કર્યું ઉદ્ઘાટન


- ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવા માટે BSF અને રાજ્યના R&B વિભાગે પણ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મદદ કરી છે

બનાસકાઠાં, તા. 10 એપ્રિલ 2022, રવિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ દ્વારા બનાસકાઠાં જિલ્લાના નડાબેટ ખાતે 125 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાજ્યના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા બીએસએફ અને R&Bની મદદથી 125 કરોડના ખર્ચે વિશાળ પ્રવાસન સ્થળ ઊભુ કરવામાં આવ્યું છે. વાઘા-અટારી બોર્ડરની માફક હવે લોકો અહીં પણ સરહદ પર તૈનાત બીએસએફ જવાનના શૌર્યને નિહાળી શકાશે. આજે આ નડાબેટ સીમા દર્શન પોઈન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નડાબેટનું સપનું જોયું હતું. 


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે સીમા દર્શન પ્રોજેક્ટના લોકાર્પણ માટે નડાબેટ પહોંચ્યા હતા. 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવ્યા બાદ અમિત શાહ દ્વારા સીમા દર્શન પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નડાબેટ પહોંચી નડેશ્વરી માતાના પણ દર્શન કર્યા હતા. ત્યાર બાદ અમિત શાહ બીએસએફના જવાનોનો બીટિંગ રિટ્રીટ સમારોહને પણ નિહાળશે. 

ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક આ વિશાળ પોઈન્ટ ઉભો કરવા માટે BSF અને રાજ્યના R&B વિભાગે પણ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની મદદ કરી છે.

આ પોઈન્ટ પર પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે વિવિધ મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, સોવેનિયર શોપ, ચેન્જિંગ રૂમ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, સરહદગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે. આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ સુવિધા, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે.

નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે જેનું ઉદ્ઘઘાટન આજે દેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે.