×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં તાપમાન 42.5, પણ ગરમી લાગે છે 51.7 જેટલી !


શુકવારે અમદાવાદ ખાતે ગરમીના પારો ૪૪ ડીગ્રી પાર થઇ ગયો હતો અને એપ્રિલ મહિનામાં છેલ્લા એક દાયકામાં નોંધાયેલી સૌથી વધુ ગરમીનો વિક્રમ બન્યો હતો. જોકે, શનિવારે અમદાવાદના લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી અને તાપમાન ઘટી ૪૨.૫ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે, હવામાનમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ ૩૬ ટકા જેટલું ઊંચું રહ્યું હોવાથી હીટ ઇન્ડેક્સ અનુસાર લોકોને ૫૧.૭ ડીગ્રી જેટલી ગરમીનો અહેસાસ થતો હતો. 

છેલ્લા બે સપ્તાહથી સુકા હવામાનના કારણે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સતત ગરમી વધી રહી છે. માર્ચની ગરમીએ છેલ્લા ૧૦૨ વર્ષના વિક્રમ તોડી નાખ્યા છે. સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં અમદવાદ ખાતે તાપમાન ૩૮ થી ૪૦ ડીગ્રી વચ્ચે રહેતું હોય છે પણ આ વર્ષે તે ચાર થી છ ડીગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે. તાપમાનની સાથે ભેજનું પ્રમાણ વધારે હોવાથી ગરમીની અનુભૂતિ વધારે તીવ્ર જોવા મળી રહી છે. 

સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ઠંડા પવનો  કે પશ્ચિમ હિમાલયમાં બરફવર્ષાના કારણે સામાન્ય રીતે માર્ચ અને એપ્રિલમાં ગરમીમાં થોડી રાહત મળે છે. આ ઉપરાંત મધ્ય ભારતમાં ક્યારેય્ક ચોમાસા પહેલાની વાવાઝોડા જેવી અસરના કારણે પણ રાહત મળતી હોય છે. આ વર્ષે છેલ્લા એક સપ્તાહથી ઉત્તર કે મધ્ય ભારતમાં આવી કોઈ પ્રવૃત્તિ જોવા મળી રહી નથી. એટલું જ નહી હજુ પણ એક સપ્તાહ સુધી ઠંડા પવન કે બરફ વર્ષાની કોઈ શક્યતા નહી હોવાથી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. કેટલાક સ્થળો તાપમાન ૪૫ ડીગ્રી કે તેથી પણ ઊંચા રહે આવી આગાહી થઇ રહી છે. 

આ Heat Index (હીટ ઇન્ડેક્સ) શું છે?

માનવના શરીરમાં પરસેવો થાય છે. જયારે હવામાન સુકું હોય ત્યારે પરસેવો થાય અને તે શરીરને ઠંડુ રાખે છે. પણ હવામાનમાં તાપમાન સાથે જયારે ભેજ (Humidity)નું પ્રમાણ વધી જાય ત્યારે પરસેવાનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે. પરસેવો ઘટવાથી ગરમી વધારે લાગે છે. આ ગરમી વધારે લાગવી (Feel Like Heat) માપવા માટે જે પ્રણાલી છે તેને હીટ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. 

હીટ ઇન્ડેક્સમાં તાપમાનની સાથે ભેજનું પ્રમાણ પણ જરૂરી છે. તેમ તાપમાન વધારે અને તેની સાથે ભેજ વધારે એમ હીટ ઇન્ડેક્સ ઉંચો હોય છે અને જેમ ભેજ ઓછો હોય અને તાપમાન ઘટે એમ હીટ ઇન્ડેક્સ ઘટે છે. આ માત્ર અને માત્ર ગરમી કેટલી લાગી રહી છે, કેટલી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે તે માપવા માટેની એક રીત છે. વાસ્તવિક તાપમાનનો આંક અને હવામાન ખાતા કે શહેરની નગરપાલિકા દ્વારા જે ડીગ્રી સેલ્શીયસમાં તાપમાન જાહેર થાય છે તેની સાથે તેને કોઈ સીધો સંબંધ નથી. 

અમેરિકાની નેશનલ ઓસીયેનીક એન્ડ એટમોસફીયર એડમિનિસ્ટ્રેશન NOAA) સંસ્થા દ્વારા હીટ ઇન્ડેક્સ માટે એક તૈયાર ટેબલ પણ બહાર પાડવામાં આવેલું છે.