×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં પણ કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા વેરિએન્ટ XEની એન્ટ્રી


- ડોક્ટર્સના કહેવા પ્રમાણે કોરોનાનો આ નવો વેરિએન્ટ ઘાતકી નથી

વડોદરા, તા. 09 એપ્રિલ 2022, શનિવાર

ગુજરાતમાં કોરોનાના વધુ એક વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. હાલ કોરોનાના નવા XE વેરિએન્ટે ચીનમાં હાહાકાર મચાવેલો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોનના સબ વેરિએન્ટ XEનો પ્રથમ કેસ સામે આવ્યો છે. 

જાણવા મળ્યા મુજબ 3 દિવસ પહેલા મહારાષ્ટ્રથી વડોદરા આવેલા વ્યક્તિના કોવિડ ટેસ્ટમાં XE વેરિએન્ટની પૃષ્ટિ થઈ છે. ગોત્રી વિસ્તારના તે પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તે દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે દર્દીના સીધા સંપર્કમાં આવેલા 2 લોકોનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

ડોક્ટર્સના કહેવા પ્રમાણે કોરોનાનો આ નવો વેરિએન્ટ ઘાતકી નથી અને તે ઓમિક્રોન જેવો માઈલ્ડ એટલે કે હળવો વેરિએન્ટ જ હોવાથી ડરવાની ખાસ કોઈ જરૂર નથી. જોકે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં થઈ રહેલા ઘટાડા વચ્ચે આ નવા વેરિએન્ટની એન્ટ્રીથી ચિંતા વધી છે. 

મહત્વની જાણકારીઓઃ

1. કોરોના વાયરસનો XE વેરિઅન્ટ અત્યાર સુધીનો સૌથી ચેપી વેરિઅન્ટ હોઈ શકે છે.

2.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું (WHO) કહેવું છે કે, ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ BA.2ની તુલનામાં XE વેરિઅન્ટ કરતાં 10 ટકા વધુ ચેપી લાગે છે.

3. WHOના કહેવા પ્રમાણે હાલમાં ઓમિક્રોન વેરિઅન્ટના ભાગરૂપે XE મ્યુટેશનને ટ્રેક કરવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરાનો સમાવેશ થાય છે.

4. યુકેમાં 19 જાન્યુઆરીએ પહેલી વાર તેની શોધ થઈ ત્યારથી લગભગ 637 કેસ નોંધાયા છે.

5. યુકેની હેલ્થ એજન્સી 3 વેરિઅન્ટ XD, XE અને XFનો અભ્યાસ કરી રહી છે. XD એ BA.1 ઓમિક્રોન વેરિઅન્ટનો હાઈબ્રિડ છે અને XFએ ડેલ્ટા અને BA.1નો 'Recombinant' વેરિઅન્ટ છે. 

6. અહેવાલમાં યુકે હેલ્થ સુરક્ષા એજન્સી (UKHSA)ના મુખ્ય તબીબી અધિકારી સુસાન હોપકિંસ કહ્યું હતું કે, આવા પ્રકારના વેરિઅન્ટને 'Recombinant' તરીકે ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે 'અપેક્ષાકૃત જલ્દી' ખતમ થઈ જાય છે. 

7. થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ XE વેરિઅન્ટ મળી આવ્યો છે. WHOએ કહ્યું હતું કે, મ્યુટેશન વિશે બીજું કંઈ કહી શકાય તે પહેલાં વધુ ડેટાની જરૂર છે.

8. આ વાતનો કોઈ પુરાવો નથી કે, XEના લક્ષણો ગંભીર છે, અત્યાર સુધીમાં ઓમિક્રોનના તમામ વેરિઅન્ટમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.