×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: આસારામના આશ્રમમાં કારમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ, 3 દિવસથી લાપતા હતી


- વર્ષ 2008માં ગુજરાતના આશ્રમમાં 2 વિદ્યાર્થીના મોત થયા હતા અને છિંદવાડામાં પણ એક બાળકનું મોત થયું હતું

ગોંડા, તા. 08 એપ્રિલ 2022, શુક્રવાર

જેલમાં બંધ આસારામના ગોંડા સ્થિત આશ્રમમાં એક કારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. તે બાળકીની ઉંમર આશરે 13-14 વર્ષ હોવાનું સામે આવ્યું છે. અલ્ટો કારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર ક્ષેત્રમાં સનસનાટી મચી ગઈ છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો

વિમૌર ખાતે આવેલા આસારામ આશ્રમમાં આ ઘટના બની છે. તે બાળકી ગત 5મી એપ્રિલથી લાપતા હતી અને હવે 4 દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. જાણવા મળ્યા મુજબ કારમાંથી દુર્ગંધ આવતી હોવાથી પોલીસને તે અંગે સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ તાત્કાલિક જ ત્યાં પહોંચી ગઈ હતી અને મૃતદેહનું પંચનામુ કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. 

પોલીસે જણાવ્યું કે, કારમાંથી દુર્ગંધ આવી રહી હોવાથી આશ્રમના ચોકીદારે તે કાર ખોલીને જોઈ તો તેમાં મૃતદેહ હતો માટે પોલીસને જાણ કરી હતી. કારમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમે આશ્રમ અને કારની તપાસ હાથ ધરી છે. 

ગુજરાતમાંથી મળ્યા હતા 2 વિદ્યાર્થીઓના મૃતદેહ

આસારામના આશ્રમમાંથી મૃતદેહ મળી આવ્યો હોય તેવી આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વર્ષ 2008માં ગુજરાતના આસારામ આશ્રમ 'ગુરૂકુળ'માંથી 2 વિદ્યાર્થીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ 5 જુલાઈના રોજ સાબરમતી નદીના તટ પરથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. 

છિંદવાડા આશ્રમમાંથી મળ્યો હતો મૃતદેહ

ગુજરાત બાદ મધ્ય પ્રદેશના છિંદવાડા સ્થિત ગુરૂકુળ આશ્રમમાંથી એક બાળકના મૃત્યુની ઘટના સામે આવી હતી. તે ઘટના પણ વર્ષ 2008માં જ બની હતી. આશ્રમના શૌચાલયમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તે બાળકના મૃત્યુનું કારણ તે બાથરૂમમાં પડી ગયો હતો તેમ જણાવવામાં આવ્યું હતું.