×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શાંઘાઇમાં કોરોનાનો હાહાકાર, નવા સત્તર હજાર કેસ, સામૂહિક ટેસ્ટિંગ ચાલુ


- યુકેમાં ક્રૂ કોરોનાને કારણે માંદા પડતાં બે એરલાઇન્સની સોથી વધારે ફ્લાઇટસ રદ  

- સુપરમાર્કેટસ બંધ હોવાને કારણે શાંઘાઇમાં લોકોને ખાવા પીવાના સાંસા : ફ્રાન્સમાં કોરોનાના નવા બે લાખ કરતાં વધારે કેસ નોંધાયા   

શાંઘાઇ : ચીનના શાંઘાઇ શહેરમાં સતત પાંચમાં દિવસે કોરોનાના વિક્રમ સર્જક દૈનિક કેસો નોંધાવાને પગલે આરોગ્ય અધિકારીઓએ સ્થિતિને અતિ વિકટ ગણાવી હતી. શાંઘાઇમાં આજે કોરોનાના નવા ૧૭,૦૦૭ કેસ નોંધાવાને પગલે શહેરમાં કુલ કેસોની સંખ્યા ૯૪,૦૦૦નો આંક પાર કરી ગઇ છે. શહેરમાં સતત બીજા સપ્તાહમાં લોકડાઉન લાદવામાં આવ્યું હોવાથી અઢી કરોડની વસ્તી તેમના ઘરોમાં કેદ છે અને તમામ સુપરમાર્કેટ બંધ કરી દેવામાં આવતાં લોકોને ખાવાપીવાના સાંસા પડી ગયા છે. 

શનિ-રવિ દરમ્યાન કરવામાં આવેલા સામૂહિક ટેસ્ટિગ દરમ્યાન શહેરમાં ૩૧૧ પોઝિટિવ અને ૧૬,૭૬૬ કોઇ લક્ષણ વિનાના કોરોનાના કેસો નોંધાયા હતા. શાંઘાઇની મ્યુનિસિપૌલિટીએ  છેલ્લા ત્રણ દિવસના પરિણામોનો અભ્યાસ કર્યા બાદ બુધવારે સવારે સામૂહિક ટેસ્ટિંગનો નવો રાઉન્ડ શરૂ કર્યો હતો.શાંઘાઇ મહામારી નિયંત્રણ ગુ્રપના ડાયરેક્ટર ગુ હોંગહૂઇએ સ્થિતિને અતિ વિકટ ગણાવી શાંઘાઇની મહામારી નિયંત્રણ અને અંકુશની હાલત અતિ મુશ્કેલ અને મહત્વના તબક્કે હોવાનું જણાવ્યું હતું. 

નેશનલ હેલ્થ કમિશને બુધવારે ચીનમાં કોરોનાના નવા સ્થાનિક ધોરણે પ્રસરેલા ૧૩૮૩ કેસ નોંધ્યા હતા. મંગળવારે ચીનમાં કોરોનાના નવા ૧૯,૧૯૯ કેસ નોંધાયા હતા. જેમાં કોઇ લક્ષણો વરતાયા નહોતાં. હાલ શાંઘાઇમાં કોરોનાના ૨૪,૫૬૫ દર્દીઓની સારવાર ચાલી રહી છે જેમાં ૭૫ની હાલત ગંભીર છે. સત્તાવાર આંકડા અનુસાર ચીનમાં કોરોના મરણાંક માત્ર ૪,૬૩૮ છે. 

દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ સતત બીજા સપ્તાહે દુનિયામાં કોરોનાના કેસો તથા મરણો ઘટયા હોવાનું જણાવ્યું હતું. તાજા અહેવાલ અનુસાર આ અઠવાડિયે દુનિયામાં કોરોનાના ૯૦ કેસો અને ૨૬,૦૦૦ મોત નોંધાયા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના નિયંત્રણો ઉઠાવવા સામે ચેતવણી આપી હતી કે જો સર્વિલિયન્સ અને ટેસ્ટિંગ સિસ્ટમ ખોરવાઇ જશે તો નવો કોરોના વેરિઅન્ટ વધારે સરળતાથી ફેલાશે. શાંઘાઇમાં ઝીરો ટોલરન્સ સ્ટ્રેટેજી સામે લોકોનો વિરોધ વધવાને પગલે સત્તાાવાળાઓએ કોરોનાનો ચેપ ધરાવતાં બાળકો સાથે માતાપિતામાંથી એકને સાથે રહેવા દેવાની છૂટ આપી હતી. સામાન્ય રીતે કોઇને પણ કોરોનાનો ચેપ લાગે તેને પરિવારથી અલગ પાડીને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. 

દરમ્યાન યુકેમાં બે મોટી એરલાઇન્સ બ્રિટિશ એરવેઝ અને ઇઝી જેટના કર્મચારીઓએ કોરોનાને કારણે ગેરહાજર રહેતા બુધવારે ૧૦૦ ફલાઇટ્સને રદ કરવી પડી હતી. પખવાડિયાની ઇસ્ટરની રજાઓ દરમ્યાન જ બ્રિટિશ એરવેઝની ૭૦ ફલાઇટસ અને ઇઝી જેટની ૩૦ ફલાઇટ્સ  રદ કરવામાં આવી હતી. સમગ્ર યુરોપમાં કોરોનાના ચેપનો દર બમણો થતાં ક્રૂની કોરોના સબંધિત માંદગી વધવાને કારણે ફલાઇટસ રદ કરવામાં આવી છે. દરમ્યાન ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૦૩,૦૨૧ કેસ નોંધાયા છે. ફ્રાન્સ રવિવારે પ્રમુખની ચૂંટણીઓ માટે તૈયાર થઇ રહ્યો છે ત્યારે તમામ કોરોના નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે.