×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પેટ્રોલ ડિઝલના ઊંચા ભાવ: પ્રજાને ૩૦ ટકા સસ્તા ક્રુડ ઓઈલનો લાભ જ નથી મળતો


- સ્થાનિક ક્રુડ ૩૦ ટકા સસ્તું હોવા છતાં ભાવ નક્કી કરવામાં તે બાકાત રાખવામાં આવે છે 

- ભાવ નક્કી કરવામાં ઓમાન અને બ્રેન્ટ ક્રુડ જ ગણવામાં આવે છે: સરકારની કુલ કર, કર સિવાયની આવક માટે પેટ્રોલીયમ ક્ષેત્ર દુઝતી ગાય છે

અમદાવાદ,તા.06 એપ્રિલ 2022,બુધવાર

છેલ્લાદિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ દેશભરમાં ૧૦ રૂપિયા પ્રતિ લીટર જેટલા વધી ગયા છે. બજારના નિષ્ણાતો એવું માને છે કે ત્રણ મહિના સુધી ભાવ સ્થિર રહ્યા પછી બન્ને ઇંધણની કિંમતમાં કુલ વધારો  રૂ.૨૦ થી ૨૩ પ્રતિ લીટર જેટલો રહી શકે છે. આટલી ઉંચી કિંમત વધવા માટે જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ઊંચા ભાવ છે એમ સ્થાનિક ક્રુડ ઓઈલ, સસ્તું હોવા છતાં તેની ઇંધણની કિમત નક્કી કરવાની પ્રક્રિયામાં ગણતરી નહી થતી હોવાથી પણ ભાવ ઊંચા છે. ભારત તેની જરૂરિયાતના ૮૦ ટકા ભલે આયાત કરે પણ ૨૦ ટકા સ્થાનિક ઉત્પાદનથી મેળવે છે અને તેના ભાવ વસીવ્હી ભાવ કરતા  ૩૦ટકા જેટલા નીચા હોવાનું ખુદ સરકાર સ્વીકારે છે.

સ્થાનિક ક્રુડ સસ્તું પણ ભાવ ગણતરીમાં બાકાત

ભારત સરકાર ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ નક્કી કરે છે તેમાં બ્રેન્ટ ક્રુડનું પ્રમાણ ૭૨ ટકા અને બાકીના ૨૮ ટકા દુબઈ ઓમાન ગ્રેડના ક્રુડના છે. ભારત તેની જરૂરીયાતના ૨૦ થી ૨૫ ટકા સ્થાનિક ઉત્પાદન કરે છે પણ રીફાઈન્ડ પ્રોડક્ટ – ખાસ કરીને પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ કે એવિએશન ટર્બાઈન ફ્યુઅલ – ના ભાવ નક્કી કરવા માટે સ્થાનિક ક્રુડની કોઈ ગણતરી કરવામાં આવી નથી.

સરકારી આંકડા અનુસાર વર્ષ ૨૦૧૯-૨૦માં ઇન્ડીયન બાસ્કેટ ઓફ ક્રુડ ઓઈલનો ભાવ ૬૦.૪૭ ડોલર પ્રતિ બેરલ હતો પણ ઓએનજીસીનો સ્થાનિક ક્રુડનો ઉત્પાદન ખર્ચ માત્ર ૩૯.૨ ડોલર પ્રતિ બેરલ હતો. વર્ષ ૨૦૨૦-૨૧માં જયારે ઇન્ડિયન બાસ્કેટનો ભાવ ઘટી સરેરાશ ૪૪.૮૨ ડોલર થયો ત્યારે ઓએનજીસીના ક્રુડનો ભાવ પણ ઘટી ૩૧.૯૩ ડોલર થયો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતીય ક્રુડ ૩૫ ટકા અને પછીના વર્ષે ૨૮.૭૫ ટકા સસ્તું હોવા છતાં તેના નરમ ભાવનો લાભ ભારતની પ્રજાને મળ્યો નથી. આ માહિતી પેટ્રોલીયમ મંત્રાલયે લોકસભામાં એક સવાલના જવાબમાં આપી છે.

દેશમાં કુલ ક્રુડ ઉત્પાદનમાં ઓએનજીસીનો હિસ્સો જ સૌથી મોટો છે. છેલ્લા ૧૦ વર્ષથી દેશમાં ખાનગી અને સરકારી કંપનીઓ દ્વારા થતા ઉત્પાદનમાં ઓએનજીસીનો હિસ્સો ૭૦ ટકા કરતા વધારે રહ્યો છે. વર્ષ ૨૦૧૯-૨૦માં કંપનીનો દેશના ક્રુડ ઉત્પાદનમાં હિસ્સો ૭૩.૨ ટકા અને વર્ષ ૨૦૨૦.-૨૧માં તે હિસ્સો વધી ૭૫.૬ ટકા રહ્યો હતો.

કેન્દ્ર સરકારનો ઉંચો ટેક્સ

ઓક્ટોબર ૨૦૧૪માં પેટ્રોલ ઉપર પ્રતિ લીટર રૂ.૯.૪૮ અને ડિઝલ ઉપર ૫.૫૬ એક્સાઈઝડ્યુટી હતી. પણ દુઝતી ગાયના ટેક્સ ઉપર નભતી કેન્દ્ર સરકારે સતત ઘટીરહેલા ભાવનો પ્રજાને લાભ આપવાના બદલે તે વધારવાનું શરૂ કર્યું હતું. નવેમ્બર ૨૦૨૧માં પેટ્રોલ ઉપર ડ્યુટી વધી ૩૨.૯૦ અને ડિઝલ ઉપર તે વધી ૩૧.૮૦ પ્રતિ લીટર થઇ ગઈ હતી. બન્ને ઇંધણના ભાવ દેશમાં વિક્રમી સપાટીએ પહોંચ્યા અને ચાર રાજ્યોમાં વિધાસભાની ચુંટણી આવી રહી હતી એટલે તેમાં ૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ ઘટાડો કરવામાં આવ્યો. અત્યારી પેટ્રોલ ઉપર ૨૭.૯૦ પ્રતિ લીટર અને ડિઝલ ઉપર રૂ.૨૧.૮૦ પ્રતિ લીટર એક્સાઈઝ લાદવામાં આવેલી છે.

કેન્દ્ર સરકાર દરેક ટેક્સ અને ડિવીડન્ડ, ડીસઇન્વેસ્ટમેન્ટ સહીતની જે આવક રળે છે તેમાં પેટ્રોલીયમ ક્ષેત્રનો હિસ્સો વર્ષ ૨૦૧૯-૨૦માં ૩૮ ટકા હતો જે ૨૦૨૦-૨૧માં વધી ૪૯ ટકા થયો છે. આ દર્શાવે છે કુલ આવક માટે કેન્દ્ર સરકાર પેટ્રોલીયમ ક્ષેત્ર ઉપર કેટલો આધાર રાખે છે.

વર્ષ

ઇન્ડિયન બાસ્કેટ

ઓએનજીસી

સ્થાનિક ભાવમાં તફાવત ટકા

૨૦૧૯-૨૦

૬૦.૪૭

૩૯.૨

૩૫.૧૭

૨૦૨૦-૨૧

૪૪.૮૨

૩૧.૯૩

૨૮.૭૫