×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સરકારી ગેસના ભાવ બમણા થતાં CNG, PNG પાંચ રૂપિયા મોંઘા થશે


પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પછી દેશની જનતા ઉપર નવા નાણાકીય વર્ષમાં નવો બોજ આવી રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. દેશમાં સ્થાનિક રીતે ઉત્પાદન થતા નેચરલ ગેસના ભાવ દર વર્ષે એપ્રિલ અને ઓકટોબર એમ દર છ મહિને વધારવામાં આવે છે. કેન્દ્ર સરકારે આજે  તા.૧ એપ્રિલથી નવા ભાવ બમણા કરવાની જાહેરાત કરી છે. 

 ONGC ના બોમ્બે હાઈ ના ભાવ ૬.૧૦ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ કરવામાં આવ્યા છે જે અત્યારે સુધી ૨.૯૩ ડોલર હતા. આ ગેસનો પુરવઠો દેશના વહીવટી અંકુશ હેઠળ વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે. સૌથી વધુ ઉપયોગ ખાતર, સ્ટીલ ઉદ્યોગ માટે તેમજ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં પાઇપ ગેસ, CNG તરીકે વાહનો માટે અને કેટલાક નાના ઉદ્યોગોને આપવામાં આવે છે. જો કેન્દ્ર સરકાર તેનો પૂરો પુરવઠો ઉપલબ્ધ બનાવે તો નવા બમણા ભાવના કારણે ગેસના ભાવમાં પ્રતિ કિલોએ રૃપિયા પાંચનો વધારો વિતરકોને કરવો પડે તેવી શક્યતા ઉદ્યોગ સૂત્રોએ વ્યક્ત કરી છે 

આ ભાવ નક્કી કરવા માટે રશિયા, કેનેડા અને અમેરિકન ગેસના હાજરના ભાવની પાછલા વર્ષની સરેરાશનો આધાર લેવામાં આવે છે. 

ONGCનું ઉત્પાદન કેન્દ્ર સરકારના વહીવટી અંકુશ હેઠળ છે જ્યારે રિલાયન્સના ગેસનું વેચાણ મુક્ત બજારમાં કરવામાં આવે છે. ઉપરોક્ત ભાવ વધવાના કારણે સ્ટીલ, વીજળી અને ખાતરના ઉત્પાદકો ઉપર અસર થશે. જોકે, દેશમાં ગેસ આધારિત વીજળીનું ઉત્પાદન ઓછું હોવાથી ગ્રાહકો ઉપર બહુ વ્યાપક બોજ નહિ આવે. ખાતરના ભાવ વધશે પણ તેમાં કેન્દ્ર સરકાર સબસિડી આપતી હોવાથી ખેડૂત કરતા સરકારની તિજોરી ઉપર તેની વધારે અસર જોવા મળશે એમ ઉદ્યોગ સૂત્રોએ જણાવ્યું હતું.