×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર પ્રદેશમાં ફરી 'યોગી રાજ' : ભવ્ય સમારંભમાં 53 મંત્રીઓના શપથ


- પીએમ મોદી, પક્ષપ્રમુખ નડ્ડા અને કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા

- નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય 18 કેબિનેટ, 14 સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યમંત્રી, 20 રાજ્યમંત્રીનો સમાવેશ કરાયો

- ઉ. પ્રદેશમાં 40માંથી 33 બેઠક આપનાર વ્રજ ક્ષેત્રના ચાર કેબિનેટ સહિત સાત મંત્રી

- કેશવપ્રસાદ મૌર્ય, બ્રજેશ પાઠક નાયબ મુખ્યમંત્રી

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી અપાવનારા યોગી આદિત્યનાથે શુક્રવારે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. યોગી આદિત્યનાથ સાથે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે નાયબ મુખ્યમંત્રી તરીકે તેમજ અન્ય ૫૦ મંત્રીઓએ શપથ લીધા હતા. યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પક્ષપ્રમુખ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત ૧૨ રાજ્યોના મુખ્યમંત્રી અને અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા.

લખનઉના શહીદ પથ નજીક સ્થિત ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમમાં આયોજિત શપથ ગ્રહણ સમારંભમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ૪૯ વર્ષીય યોગી આદિત્યનાથને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. આ સાથે યોગી આદિત્યનાથે દેશના સૌથી વધુ વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના રાજકારણમાં ઈતિહાસ રચી દીધો છે. તેઓ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી સતત બીજી વખત સીએમ બનનારા સૌપ્રથમ નેતા છે.

રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગી આદિત્યનાથ સાથે ૧૬ કેબિનેટ મંત્રી, ૧૪ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને ૨૦ રાજ્યમંત્રી સહિત ૫૦ મંત્રીઓએ પણ પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. અગાઉની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા કેશવપ્રસાદ મૌર્ય ચૂંટણી હારી જવા છતાં તેમનું કદ જાળવી રખાયું છે જ્યારે કાયદા મંત્રી રહેલા બ્રજેશ પાઠકને બઢતી આપીને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડો. દિનેશ શર્માને આ કેબિનેટમાં સ્થાન મળ્યું નથી.

યોગી સરકારના નવા મંત્રીમંડળમાં ૩૧ નવા ચહેરાઓને સ્થાન અપાયું છે. સુરેશ ખન્ના, સુર્ય પ્રતાપ સાહી, સ્વતંત્રદેવ સિંહ, બેબી રાની મૌર્યને કેબિનેટ મંત્રી બનાવાયા છે. કાનપુરના કમિશનર રહેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અસીમ અરૂણને રાજ્યમંત્રી બનાવાયા છે. 

ભાજપના સાથી પક્ષ અપના દળ (સોનેલાલ)ના અશિષ પટેલ અને નિષાદ પક્ષના વડા સંજય નિષાદે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. આશિષ પટેલ કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલના પતિ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને રાજ્યમંત્રી બનાવાયા છે. 

યોગી સરકારના નવા મંત્રીમંડળ સામે નવા સંકલ્પ અને નવા લક્ષ્ય છે. બે વર્ષ પછી લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી યોગી સરકાર સામે સુશાસનને સુદૃઢ કરવાની સાથે વર્ષ ૨૦૨૪ માટે મોટો પડકાર રહેશે. યોગી સરકારમાં બેબી રાની મૌર્ય સહિત પાંચ મહિલાઓને સ્થાન અપાયું છે. અગાઉની યોગી સરકારમાં મંત્રી રહેલા દિનેશ શર્મા, સતીશ મહાના, શ્રીકાંત શર્મા, સિદ્ધાર્થનાથ સિંહ સહિત ૯ કેબિનેટ મંત્રીઓ તેમજ મોહસિન રઝા, અતુલ ગર્ગ, સુરેશ પાસી સહિત ૮ રાજ્ય મંત્રીઓને નવી સરકારમાં સ્થાન અપાયું નથી.

પીએમ મોદીના ખાસ એ.કે. શર્મા કેબિનેટ મંત્રી

નવા મંત્રીમંડળમાં વડાપ્રધાન મોદીના ખાસ મનાતા ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઈએસ અધિકારી અરવિંદ કુમાર શર્મા એટલે કે એ. કે. શર્માને કેબિનેટ મંત્રી બનાવાયા છે. એકે શર્મા ગુજરાત કેડરના ૧૯૮૮ની બેચના આઈએએસ છે. પીએમ મોદી ગુજરાતમાં મુખ્યમત્રી હતા ત્યારથી શર્મા તેમની સાથે છે. મોદી વડાપ્રધાન બન્યા પછી તેમને પીએમઓમાં લઈ ગયા હતા. તેમણે લાંબા સમય સુધી પીએમઓમાં કામ કર્યું હતું. શર્માને નાયબ મુખ્યમંત્રી બનાવાશે તેવી અટકળો ચાલતી હતી.

દાનિશ આઝાદ યોગી મંત્રીમંડળનો મુસ્લિમ ચહેરો

નવી યોગી સરકારમાં ભાજપની નજર 2024ની ચૂંટણી પર

- યોગી 2.0માં 7 બ્રાહ્મણ, 3 વૈશ્ય, 8 ઠાકુર સહિત 21 સવર્ણ, 20 ઓબીસી, 9 દલિત, 1 શીખ મંત્રી

ઉત્તર પ્રદેશમાં ફરી સત્તા પર પાછા ફરેલા યોગી આદિત્યનાથે શુક્રવારે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. યોગી કેબિનેટમાં આ વખતે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર વિશેષ ધ્યાન રાખીને મંત્રીઓની પસંદગી કરાઈ છે. ભાજપે આ વખતે ઓબીસી કાર્ડ રમતા દલિતોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય બાવન સભ્યોના નવા મંત્રીમંડળમાં સવર્ણોની સાથે પછાત વર્ગ, અતિ પછાત જાતીઓને વિશેષ સ્થાન અપાયું છે. એટલું જ નહીં મુસ્લિમ અને શીખને પણ જગ્યા અપાઈ છે. આ મંત્રીમંડળમાં ભાજપે તેની કોર વોટ બેન્ક ઠાકુર અને બ્રાહ્મણ સમાજની સાથે જાટ અને ભૂમિહારોનું પણ ધ્યાન રાખ્યું છે.

યોગી સરકારના ૨.૦ના મંત્રીમંડળમાં જાતીગત સમીકરણ જોઈએ તો કેબિનેટમાં યોગી આદિત્યનાથ સહિત ૨૧ સવર્ણોને જગ્યા અપાઈ છે, જેમાં ૭ બ્રાહ્મણ, ૩ વૈશ્ય અને યોગી સહિત ૮ ઠાકુરને મંત્રી બનાવાયા છે. આ સિવાય દલિત સમાજમાંથી ૯ મંત્રી બનાવાયા છે. યોગી સરકારમાં આ વખતે મુસ્લિમ ચહેરા તરીકે મોહસિન રઝાના બદલે દાનિશ આઝાદની પસંદગી કરાઈ છે જ્યારે શિખ સમાજમાંથી બલદેવસિંહ ઓલખને ફરી રાજ્યમત્રી બનાવાયા છે. પંજાબ સમાજના ભાજપના દિગ્ગજ નેતા સુરેશ ખન્નાને કેબિનેટ મંત્રી બનાવાયા છે.

ભાજપે યોગી સરકારની કેબિનેટ મારફત સામાજિક સમીકરણની સાથે રાજકીય સંદેશ આપવાની કવાયત કરી છે. ભાજપે કેબિનેટમાં તેની કોર વોટબેન્કની સાથે ઓબીસી અને દલિત સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે ભાજપ યોગી સરકાર મારફત ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનું ગણિત સાધવાની રણનીતિ આગળ વધારી રહ્યો છે. ભાજપે મુસ્લિમ નેતા દાનિશ આઝાદને મંત્રી બનાવીને મુસ્લિમ ઓબીસી વોટબેન્ક પર નજર દોડાવી છે. ૩૨ વર્ષીય દાનિશ આઝાદ ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ છે. તેઓ હાલ કોઈપણ ગૃહના સભ્ય નથી.

નીતિશ કુમારે પીએમ મોદીનું નમીને અભિવાદન કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથગ્રહણમાં પહોંચેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નમીને અભિવાદન કર્યું હતું. જોકે, નીતિશ કુમાર શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન મોદીના પહોંચ્યા પછી આવ્યા હતા. તેમણે સૌથી પહેલા યોગી આદિત્યનાથનું અભિવાદન કર્યું અને ત્યાર પછી નમીને વડાપ્રધાન મોદીનું અભિવાદન કર્યું હતું. જોકે, આ સાથે જ બિહારમાં રાજદે નીતિશ પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું. રાજદે તેના ટ્વીટર હેન્ડલ પર નીતિશ કુમાર અને વડાપ્રધાન મોદીની તસવીર વાઈરલ કરવાનું શરૂ કર્યું. આ સાથે તેમણે ૨૦૧૩માં નીતિશ કુમારનું ભાષણ પણ વાઈરલ કર્યું, જેમાં નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડતા કહ્યું હતું કે તેઓ માટીમાં ભળી જશે, પરંતુ ફરીથી ભાજપનો હાથ નહીં પકડે. આ સાથે રાજદે લખ્યું કે આગામી વખતે નીતિશ કુમાર વડાપ્રધાન સામે સાષ્ટાંગ દંડવત કરીને ચરણ સ્પર્શ કરે તો પણ કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ.