×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

GST ટેક્સ દરમાં થશે ફેરફાર ? 15 અને 18 ટકાને બદલે હવે આ નવો દર થશે લાગુ



21મી માર્ચ, 2022 સોમવાર

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી જીએસટીના ટેક્સ સ્ટ્રકચરમાં ફેરફાર કરવા અંગે હિલચાલ ચાલી રહી છે. આ જ યોજનાના ભાગરૂપે હવે બે ટેક્સ દરને એક જ ટેક્સ દરમાં મર્જ કરવા અંગે વિચારણા ચાલી રહી છે.

અહેવાલ અનુસાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સ્ટ્રક્ચરમાં 12 ટકા અને 18 ટકાના સ્લેબને મર્જ કરીને 15 ટકા કરવામાં આવી શકે છે. રાજ્યોના વિત્તમંત્રીઓની એક પેનલ દ્વારા GST માળખામાં ફેરફારની દરખાસ્ત મુકવામાં આવી શકે છે.

આ મુદ્દે વિચારણા કરવા માટે આ અઠવાડિયે મંત્રીઓના સમૂહ (GoM)ની બેઠક મળવાની સંભાવના છે જે 15 ટકાના GST સ્લેબ અંગે નિર્ણય લઈ શકે છે. આ સિવાય તેઓ થ્રેશોલ્ડ રેટને 5 ટકાથી વધારીને 8 ટકા કરવાના પ્રસ્તાવ અંગે પણ વિચારવિમર્શ કરી શકે છે.

મંત્રીઓના સમૂહના આ સપ્તાહની બેઠકના નિર્ણય અંગે અંતિમ ફેરફાર કરવા માટે GST કાઉન્સિલની સમીક્ષા બેઠક આગામી મહિનાની શરૂઆતમાં મળશે તેમ પણ સૂત્રોએ જણાવ્યું છે.

કાઉન્સિલ દ્વારા લખનૌમાં સપ્ટેમ્બર 2021ની બેઠકમાં GoMની સ્થાપના કરી હતી.

GSTના સ્લેબ કેટલા ?

2017માં લાગુ કરવામાં આવેલ દેશના સૌથી મોટા ટેક્સ રીફોર્મ જીએસટીમાં હાલ 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા દરો ધરાવતું ચાર-સ્તરનું માળખું છે. કાર, કિંમતી ધાતુઓ સહિતની અનેક લક્ઝરી ચીજવસ્તુઓ પર 28% સિવાય ઉપરના વિશેષ દરો પણ વસૂલવામાં આવે છે. 2017માં રેવન્યુ ન્યુટ્રલ દર 15.5% હતો.

જો GST થ્રેશોલ્ડ રેટ 5 ટકાથી વધારીને 8 ટકા કરવામાં આવે તો તેનાથી લગભગ રૂ. 1.5 લાખ કરોડની વધારાની વાર્ષિક આવક થઈ શકે છે. જોકે ફુગાવાના કારણે મોટાભાગના મંત્રીઓના સમૂહના સભ્યોએ અભિપ્રાય આપ્યો હતો કે GST દરોમાં ફેરફાર કરવાનો વર્તમાન સમય કદાચ યોગ્ય નથી. સમૂહના કેટલાક સભ્યો 12 ટકા અને 18 ટકાના સ્લેબને સામાન્ય 15 ટકાના દરમાં મર્જ કરવાની તરફેણમાં છે અને સાથે-સાથે તેઓ સિન ગુડ્સ પર પણ સેસ વધારવા પર ભાર મુકી રહ્યાં છે.