×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયાએ હાઈપરસોનિક મિસાઈલથી યુક્રેનનું શસ્ત્રાગાર ઉડાવ્યું


- યુદ્ધનો 24મો દિવસ : વધુ આક્રમક બનેલા પુતિને પહેલી વખત વિનાશક 'બ્રહ્માસ્ત્ર' કિંઝલથી વિનાશ વેર્યો

- ત્રણ સપ્તાહમાં 4.4 કરોડની વસતી ધરાવતા યુક્રેનમાં 95 લાખ લોકો વિસ્થાપિત થયા, 32 લાખે દેશ છોડયો : સંયુક્ત રાષ્ટ્ર

- યુદ્ધનો નિર્ણય યોગ્ય ઠેરવવા પુતિને મોસ્કોમાં રેલી યોજી બે લાખ લોકોને ભેગા કર્યા : ભાષણ વખતે જ ટીવી પ્રસારણ અટક્યું

કીવ : યુક્રેનમાં છેલ્લા ૨૪ દિવસથી ભયાનક હુમલા કરી રહેલા રશિયાએ હવે યુદ્ધમાં તેના મહાવિનાશક હાઈપરસોનિક મિસાઈલનનો ઉપયોગ શરૂ કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના સૈન્યે પશ્ચિમી ઈવાનો-ફ્રેન્કિસ્ક રિજનમાં કિંઝલ હાઈપરસોનિક મિસાઈલથી યુક્રેનના મિસાઈલો અને ઉડ્ડયન દારૂગોળાના અન્ડરગ્રાઉન્ડ શસ્ત્રાગારને ઉડાવી દીધું છે. રશિયાએ યુક્રેનના યુદ્ધમાં પહેલી વખત તેના મહાવિનાશક મિસાઈલનો ઉપયોગ કર્યો છે. રશિયાએ આ મિસાઈલનો ઉપયોગ એવા સમયે કર્યો છે, જ્યારે આ યુદ્ધમાં તેના વધુ એક જનરલ એન્દ્રેઈ મોરદવિચેવ માર્યા ગયા છે. 

રશિયાના આ હુમલા પછી અમેરિકાએ ચેતવણી આપી છે કે રશિયા યુક્રેનમાં પરમાણુ હુમલો કરે તેવું પણ જોખમ છે.

કિંઝલ મિસાઈલ હીરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતાં વધુ શક્તિશાળી

યુક્રેનના સૈન્ય અધિકારીએ પર ડેલયાટિન સેટલમેન્ટમાં મિસાઈલ અને એરફોર્સના દારૂગોળાના શસ્ત્રાગાર પર રશિયાના હુમલાની પુષ્ટી કરી હતી. નિષ્ણાતોના જણાવ્યા મુજબ રશિયાની કિંઝલ મિસાઈલ જાપાનના હીરોશિમા પર ફેંકાયેલા ફેટ મેન બોમ્બથી ૩૩ ગણો વધુ ન્યુક્લિયર પેલોડ કેરી કરવા સક્ષમ છે. મીગ-૩૧ ફાઈટર જેટમાંથી છોડાયેલ આ મિસાઈલની રેન્જ ૨,૦૦૦ કિ.મી. સુધીની છે અને તે અવાજ કરતાં ૧૦ ગણી ઝડપે પ્રહાર કરવા સક્ષમ છે. 

રશિયા કિંઝલ મિસાઈલનું પરિક્ષણ કરતું હતું ત્યારે તેને ગેમ ચેન્જર ગણાવ્યું હતું. 

રશિયાએ અત્યાર સુધી યુક્રેન સાથેના યુદ્ધમાં આ મિસાઈલનો ઉપયોગ ટાળ્યો હતો.

પુતિનની રેલીમાં લોકોને બળજબરીથી બસોમાં ભરીને લવાયાનો દાવો

યુક્રેનના અનેક શહેરોમાં રશિયાના ભિષણ હુમલા વચ્ચે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને મોસ્કોમાં એક વિશાળ રેલીને સંબોધન કર્યું હતું. યુક્રેન પર 'વિશેષ ઓપરેશન'ના પોતાના નિર્ણયની તરફેણમાં શક્તિ પરીક્ષણના ભાગરૂપે પુતિને મોસ્કોમાં ઝંડા રેલીનું આયોજન કર્યું હતું. રશિયામાં ક્રિમિયાના જોડાણના આઠ વર્ષ પૂરા થવા પ્રસંગે આ રેલી યોજાઈ હતી, જેમાં મોસ્કોના લુઝનિકી સ્ટેડિયમમાં બે લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. જોકે, પુતિનના સંબોધન વખતે રશિયન ટીવીએ ટેકનિકલ ખામીના પગલે થોડાક સમય માટે તેમનું ભાષણ બતાવવાનું બંધ કરી દીધું હતું. કેટલાક અહેવાલો મુજબ માત્ર પુતિનની તાકાત બતાવવા માટે બળજબરીથી સરકારી કર્મચારીઓ અને નાગરિકોને બસોમાં ભરીને સ્ટેડિયમ લવાયા હતા.

1.2 કરોડથી વધુ લોકો હજુ પણ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયા

દરમિયાન સંયુક્ત રાષ્ટ્રે દાવો કર્યો હતો કે, માત્ર ૨૪ દિવસમાં ૯૫ લાખથી વધુ લોકોએ યુક્રેનની અંદર સલામત સ્થળે સ્થળાંતર કરવું પડયું છે જ્યારે ૩૨ લાખથી વધુ લોકોએ યુક્રેન છોડીને પડોશી દેશોમાં આશરો લેવો પડયો છે. એટલે કે ૪.૪ કરોડની વસતી ધરાવતા યુક્રેનમાં લગભગ અડધા દેશે વિસ્થાપિત થવું પડયું છે. સંયુક્ત રાષ્ટ્રે દાવો કર્યો છે કે આધુનિક દુનિયાના ઈતિહાસમાં માત્ર ત્રણ જ સપ્તાહમાં આટલી મોટી સંખ્યામાં નાગરિકોનું આ પલાયન સીરિયા પછીનું સૌથી મોટું સ્થળાંતર છે. સંયુક્ત રાષ્ટ્રે દાવો કર્યો હતો કે, યુક્રેનમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં હજુ પણ ૧.૨ કરોડથી વધુ નાગરિકો ફસાયેલા છે.

મારિયુપોલ, કીવ, લુહાન્સ્કમાં 10 માનવ કોરિડોર બનાવાયા

રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનના નાયબ વડાપ્રધાન ઈરીના વેરેશ્ચુકે શનિવારે જાહેરાત કરી હતી કે રશિયન સૈન્ય સાથે ૧૦ માનવ કોરીડોર બનાવવા અંગે સંમતી સધાઈ છે. મારિયુપોલ, કીવ અને લુહાન્સ્ક પ્રાંતમાં આ માનવકોરીડોર મારફત સેંકડો નાગરિકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બહાર કઢાઈ રહ્યા છે. તાજેતરમાં મારિયુપોલમાંથી અંદાજે ૯,૦૦૦થી વધુ લોકોએ સ્થળાંતર કર્યું હોવાનું યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યુું હતું.

રશિયા નાટો-અમેરિકા પર લગામ લગાવવા પરમાણુ સબમરીન વાપરશે

બીજીબાજુ અમેરિકા અને યુરોપના આર્થિક પ્રતિબંધો વચ્ચે નાટોનો સામનો કરવા માટે રશિયાએ બે નવી પરમાણુ સબમરીન તૈયાર કરી લીધી છે. રશિયાની પહેલી સબમરીનનું નામ જનરલ સિમો સુવોરોવ છે. તે ચોથી પેઢીની બોરાઈ-એ ક્લાસની રણનીતિક સબમરીનમાંથી એક છે. આ સબમરીન ૧૬ બુલાવા બેલિસ્ટિક મિસાઈલોથી સજ્જ હશે, જેમાં દરેક મિસાઈલ તેની સાથે છ પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ છે.

બીજી સબમરીનનું નામ યાસેન-એમ ક્લાસની ક્રાસ્નોયાર્સ્ક છે. બંને સબમરીન હવે કમીશનિંગ ટીમને સોંપી દેવાઈ છે. ડિલિવરી ટીમના પ્રમુખ મિખાઈલ ફેડયાનેવ્સ્કીએ કહ્યું કે બધા જ કામ શેડયુલ મુજબ થઈ રહ્યા છે. યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે નાટોએ અનેક વખત હુમલો રોકવા રશિયાને ધમકાવી ચૂક્યું છે. બીજીબાજુ રશિયા નાટોને તેનું સીધું દુશ્મન માને છે. એવામાં આ સબમરીન્સનો ઉપયોગ પૂર્વીય યુક્રેનમાં અમેરિકા અને નાટો પર લગામ લગાવવા માટે કરવામાં આવે તેવી શક્યતા છે.

પુતિને ઝેર અપાવાના ડરથી પર્સનલ સ્ટાફમાંથી 1,000ને કાઢી મૂક્યા

દરમિયાન યુક્રેન સામે યુદ્ધ ચાલી રહ્યું છે તેવા સમયે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને તેમના પર્સનલ સ્ટાફના ૧,૦૦૦ લોકોની નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે, તેમાં પુતિનના સુરક્ષા ગાર્ડ, રસોઈયા અને ખાનગી સચિવનો સમાવેશ થાય છે. રશિયન મીડિયા મુજબ પુતિનને ભોજનમાં ઝેર આપીને તેમની હત્યા કરવામાં આવે તેવી આશંકા છે. ગુપ્તચર વિભાગના આ પ્રકારના ઈનપુટથી પુતિન ગભરાઈ ગયા છે. રશીયન ટીવી પર પુતિને કહ્યું હતું કે યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા પછી રશિયામાં અનેક લોકો વિરુદ્ધ વિશેષ અભિયાન ચલાવાઈ શકે છે. કેટલાક લોકો દેશદ્રોહી હોવાથી તેમની હત્યાનું કાવતરું રચી શકે છે.