×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચીનમાં 2 વર્ષ બાદ કોરોનાના કેસમાં ઉછાળો, એક જ દિવસમાં નોંધાયા 3,400 નવા કેસ


- શનિવારની સરખામણીએ રવિવારે બમણાંથી વધારે કેસ નોંધાયા, શાંઘાઈ ખાતે શાળાઓ બંધ 

બેઈજિંગ, તા. 13 માર્ચ 2022, રવિવાર

ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસે પગપેસારો કર્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના અહેવાલ પ્રમાણે રવિવારે ચીનમાં આશરે 3,400 જેટલા નવા કેસ નોંધાયા છે. શનિવારની સરખામણીએ આ આંકડો બમણાંથી પણ વધારે છે. આટલી મોટી સંખ્યામાં નોંધાયેલા કોરોના કેસના કારણે ફરી એક વખત સ્વાસ્થ્ય અધિકારીઓની ચિંતા વધી છે. એક અહેવાલ પ્રમાણે ચીનના અમુક શહેરોના અનેક વિસ્તારોને ધીરે-ધીરે બંધ કરવામાં આવી રહ્યા છે. 

2 વર્ષ બાદ સર્વાધિક કેસ

રિપોર્ટ્સ પ્રમાણે ચીનમાં આશરે 2 વર્ષ બાદ આટલી મોટી સંખ્યામાં દૈનિક કેસ નોંધાયા છે. આ કારણે ચીનના શાંઘાઈ શહેર ખાતે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને અનેક શહેરોને પણ બંધ કરવામાં આવી રહ્યા છે. અગાઉ અમુક શહેરોમાં સંપૂર્ણપણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 

અનેક શહેરોમાં સંક્રમણનો વ્યાપ

ચીનના અનેક શહેરોમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આશરે 6 જેટલા શહેરોમાં કેસ નોંધાઈ રહ્યા છે અને જિલિન શહેરમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. શનિવારે ત્યાં 1,412 કેસ નોંધાયા હતા. તે સિવાય અલગ-અલગ શહેરોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. 

ભારતમાં આજે 3,116 નવા કેસ નોંધાયા

ચીનમાં વધી રહેલા કોરોના કેસના કારણે ભારતના સ્વાસ્થ્ય અધિકારીઓ પણ સચેત થઈ ગયા છે. રવિવારે દેશમાં કોરોનાના નવા 3,116 કેસ નોંધાયા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં હાલ કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા 38,069 છે. જ્યારે અત્યાર સુધીમાં 4.24 કરોડ લોકો સાજા થયા છે. આ સાથે જ 5 લાખથી પણ વધારે લોકોના કોરોનાના કારણે મોત થયા છે.