×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વડાપ્રધાનના રોડ શોમાં લોકોનો અદમ્ય ઉત્સાહ : પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત


યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓએ પોસ્ટરો સાથે અભિવાદન કર્યું

એરપોર્ટથી કમલમ્ સુધી નવ કિલોમીટરના રોડની બન્ને સાઇડે મોદીએ ચિક્કાર મેદનીનું હાથ હલાવીને અભિવાદન ઝીલ્યું, કાર્યક્રરો અને ગ્રામીણ જનતા ઉમટી પડી

એરપોર્ટ પર સરકારનું અને પ્રદેશ કાર્યાલય કમલમ્માં પ્રદેશ નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત

ગાંધીનગર : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના માર્ગમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી કમલમ સુધીના નવ કિલોમીટરના માર્ગની બન્ને સાઇડે ચિક્કાર જનમેદની મોદીને જોવા માટે ઉમટી પડી હતી.

માર્ગમાં ઠેરઠેક મોદીને ઢોલ-નગારા અને ડીજેના સંગીતના તાલે આવકાર આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન સવારે 10 કલાકે અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ચીફ સેક્રેટરી પંકજકુમાર સહિત પ્રોટોકોલના અધિકારીઓ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

સ્વાગત સમારોહ પછી નરેન્દ્ર મોદીનો રોડ-શો 11 કલાકે શરૂ થયો હતો. આ રોડ-શો દરમ્યાન અમદાવાના વિસ્તારો ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે તેમજ કોબા થી કમલમ કાર્યલય સુધી લોકો અને કાર્યકર્તાઓએ રોડની બન્ને સાઇડે કતાર લગાવી દીધી હતી. મોદીએ હાથ હલાવીને ઉપસ્થિત મેદનીનું અભિવાદન ઝિલ્યું હતું.

ભાજપનું સંમેલન, રેલી હોય કે રોડ-શો હોય, ભાજપના કાર્યકર્તાઓ કમળના સિમ્બોલવાળી સફેદ ટોપી પહેરતા હોય છે પરંતુ આજે પહેલીવાર કાર્યકરોએ કમળના સિમ્બોલ વાળી કેસરી ટોપી પહેરી હતી.

રોડ-શો ના માર્ગમાં ઠેરઠેર ડીજેના તાલે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક જોવા મળતી હતી. કમલમના દ્વારે લોકગીતો ગવાઇ રહ્યાં હતા. માર્ગમાં ભાજપની ધજા સાથે કેસરી, લાલ અને લીલા કલરના બલૂન્સ જોવા મળતા હતા. આ સાથે ક્યાંક ભાજપનો રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો હતો.

નરેન્દ્ર મોદી એરપોર્ટ થી કમલમ સુધી ખુલ્લી જીપમાં જોડાયા હતા. લોકો સીધા તેમને જોઇ શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ ગ્રાન્ડ રેલી દરમ્યાન એરપોર્ટ થી ગાંધીનગર જતો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. રેલીમાં મોદીની સુરક્ષા માટે માસ્ક પહેરેલા એનએસજીના કમાન્ડો અને ગુજરાતની પોલીસે મોરચો સંભાળી લીધો હતો.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સમયે ફસાઇ ગયેલા ભારતીયોને પાછા લાવવામાં કેન્દ્ર સરકારે ભારે જહેમત ઉઠાવી છે. આ રોડ-શો દરમ્યાન યુક્રેનથી પાછા આવેલા વિદ્યાર્થીઓએ કતારમાં ઉભા રહીને વડાપ્રધાન મોદીનો આભાર માનતા પોસ્ટરો સાથે અભિવાદન કર્યું હતું.

મોદીને તેમને પ્રતિક્રિયા પણ આપી હતી. આ રોડ-શો ના સમાપન પછી કમલમના દ્વારે પણ મોદીનું પુષ્પગુચ્છ અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાર રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત બદલ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના પ્રદેશના નેતાઓએ અભિનંદન આપ્યા હતા. 

નરેન્દ્ર મોદી આજે આરએસએસની બેઠકમાં ભાગ લઇ શકે છે

અમદાવાદ : અમદાવાદમાં પીરાણા ખાતે યોજાઇ રહેલી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી શકે છે. આરએસએસની બેઠક યોજાઇ રહી છે તેની નજીક જ તાત્કાલીક હેલિપેડ બનાવવામાં આવતા આ અટકળોએ વેગ પકડયો છે. આરએસની આ ત્રણ દિવસીય બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.