×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ : દેશની દિશા નક્કી કરશે


- ઉત્તર પ્રદેશમાં ઇવીએમની હેરાફેરીના આરોપોના પગલે ભારે ધમાલ

- ચૂંટણી અધિકારીઓનો દાવો છે ઇવીએમની અદલા-બદલી થઇ રહી છે, પ્રોટોકોલનું પાલન નથી થયું : સપાએ વીડિયો જાહેર કર્યો, ચક્કાજામ

- ઉત્તર પ્રદેશમાં 75 જિલ્લાઓની કિલ્લેબંધી, અર્ધ સૈન્ય દળની 250 કંપની, 80 હજાર જેટલા પોલીસ જવાન, અધિકારી તૈનાત

- પંજાબમાં આપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર, મણીપુરમાં સ્થાનિક પક્ષો નિર્ણાયક, ગોવામાં ત્રિશંકુના એંધાણ, ઉત્તરાખંડમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે જંગ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ, પંજાબ, મણીપુર, ગોવા અને ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણીના પરીણામો ગુરુવારે જાહેર કરવામાં આવશે. આ પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે જેમાં સૌથી મહત્વપૂર્ણ ગણાતા રાજ્યમાં ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવશે તેવા એક્ઝિટ પોલ દાવા કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે જાહેર થનારા ચૂંટણી પરીણામો દેશની દશા અને દિશા નક્કી કરશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા એક મહિના સુધી ચાલી હતી, ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. દરમિયાન સમાજવાદી પાર્ટીનો આરોપ છે કે ઇવીએમને સ્ટ્રોંગ રૂમ સુધી લઇ જવા માટેના પ્રોટોકોલનું પાલન નથી થયું.

સમાજવાદી પાર્ટીએ એક વીડિયો ટ્વિટર વડે જાહેર કર્યો હતો, આ વીડિયોમાં એક ચૂંટણી અધિકારી દાવો કરી રહ્યા છે કે ઇવીએમને સ્ટ્રોંગ રૂમ સુધી લઇ જવામાં કે ટ્રાંન્સપોર્ટેશન દરમિયાન પ્રોટોકોલનું પાલન નહોતુ કરવામાં આવ્યું. ઇવીએમની ખુલ્લેઆમ અદલા બદલી થઇ રહી છે. તેવો દાવો સપા કાર્યકર્તાઓએ પણ કર્યો હતો, ૪૫ સેકન્ડના આ વીડિયોને જાહેર કરીને સપાએ આરોપ લગાવ્યો છે કે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ઇવીએમની હેરાફેરી ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. કોના આદેશ પર આ બધુ થઇ રહ્યું છે તેનો જવાબ પણ સપાએ માગ્યો હતો. શું ચૂંટણી અધિકારીઓ પર મુખ્યમંત્રીની ઓફિસ તરફથી કોઇ દબાણ થઇ રહ્યું છે? આ અંગે ચૂંટણી પંચ સ્પષ્ટતા કરે. 

અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે વારાણસીથી ઇવીએમ લઇને જઇ રહેલા એક ટ્રકને આંતરવામાં આવ્યો છે. ભાજપ જનતાના મતોને છીનવી રહી છે. સમાજવાદી પાર્ટીએ પોતાના કાર્યકર્તાઓને કહ્યું છે કે મત ગણતરી પર ચાંપતી નજર રાખવામાં આવે. ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્લાની બધી જ ૪૦૩ બેઠકો પર સવારે આઠ વાગ્યે મત ગણતરી કરવામાં આવશે. જેમાં પહેલા પોસ્ટલ બેલેટ દ્વારા થયેલા મતોની ગણતરી કરવામાં આવશે બાદમાં ઇવીએમ દ્વારા થયેલા મતોની ગણતરી કરાશે. ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭માં ભાજપે ૩૧૨ બેઠકો જીતી હતી જ્યારે એનડીએ દ્વારા ૩૨૫ બેઠકો પર જીત મેળવવામાં આવી હતી, સપાને માત્ર ૪૭, બીએસપીને ૧૯ અને કોંગ્રેસને માત્ર સાત બેઠકો મળી હતી. 

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ સંવેદનશિલ છે, માટે મત ગણતરી દરમિયાન ૨૫૦ કેન્દ્રીય અર્ધ સૈન્ય દળની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. જેમાં એક કંપનીમાં આશરે ૭૦થી ૮૦ જવાનોને સામેલ કરાયા છે. આ ૨૫૦માંથી ૩૬ કંપનીઓને ઇવીએમની સુરક્ષા માટે તૈનાત કરાઇ છે જ્યારે ૨૧૪ કંપનીઓને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તૈનાત કરાઇ છે. ૬૨૫ ગેઝેટેડ ઓફિસર, ૧૮૦૭ ઇન્સ્પેક્ટર, ૯૫૯૮ સબ-ઇન્સ્પેક્ટર, ૧૧,૬૨૭ હેડ કોન્સ્ટેબલ, ૪૮,૬૪૯ કોન્સ્ટેબલને સુરક્ષા માટે તૈનાત કરાયા છે. 

તેવી જ રીતે પંજાબમાં પણ ભારે સુરક્ષા વચ્ચે મતગણતીર સવારે આઠ વાગ્યે જ શરૂ થઇ જશે. પંજાબમાં કુલ ૧૧૭ બેઠકો છે. અને હાલ કોંગ્રેસની સરકાર છે. એવામાં એક્ઝિટ પોલનો દાવો છે કે પંજાબમાં ત્રિશંકુ અથવા આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે. તેથી ઉત્તર પ્રદેશની જેમ જ પંજાબ પર પણ સૌની નજર રહેશે. મણીપુરના પણ ચૂંટણી પરીણામો જાહેર થશે જેમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. જોકે સ્થાનિક પક્ષો એનપીપી, એનપીએફ, જેડી(યુ) પણ મણીપુરમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. જ્યારે ગોવામાં હાલ ભાજપ ફરી સરકાર બનાવશે તેવા દાવા કરી રહી છે. ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને વચ્ચે ટક્કર જોવા મળશે. આ પાંચ રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ અને પંજાબના પરીણામો દેશની દશા અને દિશા નક્કી કરી શકે છે.

કમિશનરે ભુલો થયાનું સ્વિકાર્યું, ત્રણ મોટા અધિકારીને ચૂંટણી ડયૂટીથી હટાવાયા

ઉત્તર પ્રદેશમાં ઇવીએમની હેરાફેરીના અખિલેશ યાદવના આરોપો બાદ સપા કાર્યકર્તાઓેએ એક કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. અખિલેશે આરોપ લગાવ્યો હતો કે પ્રોટોકોલ વગર જ ઇવીએમને સ્ટોરેજમાંથી કાઢવામાં આવી રહ્યા છે. સપા કાર્યકર્તાઓનો આરોપ છે કે ઇવીએમની અદલા બદલી થઇ રહી છે.  

આ આરોપો બાદ ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક એડીએમ એનકેસિંહને ચૂંટણી પ્રક્રિયામાંથી હટાવી દેવામાં આવ્યા છે. ૅજે પણ અધિકારીઓને ચૂંટણી ડયૂટીમાંથી હટાવવામાં આવ્યા છે તેમાં સોનભદ્રા જિલ્લાના રિટર્નિંગ ઓફિસર, બરેલી જિલ્લાના એડિશનલ ઇલેક્શન ઓફિસર, વારાણસીના ઇવીએમ માટેના નોડલ ઓફિસરને હટાવી દેવાયા છે.

 નોંધનીય છે કે વારાણસીના કમિશનર દીપક અગ્રવાલે કેટલીક ખામીઓ થઇ હોવાનું સ્વિકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રોટોકોલનું બરાબર પાલન નથી થયું. 

ચૂંટણીના પરીણામોની અસર અન્ય રાજ્યો પર થઇ શકે છે

ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યોના ચૂંટણી પરીણામોની અસર અન્ય રાજ્યો પર પણ જોવા મળી શકે છે.નિષ્ણાતોનો દાવો છે કે આ રાજ્યોના ચૂંટણી પરીણામોની અસર એવા રાજ્યો પર જોવા મળી શકે છે કે જ્યાં આગામી દિવસોમાં ચૂંટણીઓ યોજાવાની છે. આવા રાજ્યોમાં કર્ણાટકનો પણ સમાવેશ થાય છે કે જ્યાં હાલ ભાજપ સત્તા પર છે. 

કર્ણાટકમાં જેડીએસ અને ભાજપ વચ્ચે ટક્કર ચાલી રહી છે. જે ચૂંટણી પરીણામો આવશે તેની અસર આ રાજ્ય પર પણ જોવા મળી શકે છે. જેને પગલે હાલ રાજ્યમાં સત્તાધારી અને વિપક્ષ બન્નેના ટોચના નેતાઓ એલર્ટ થઇ ગયા છે. 

કર્ણાટક ઉપરાંત જે પણ રાજ્યોમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે તેના પર પણ આ પરીણામોની અસર થવાની શક્યતાઓ છે.