×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયા સામે ઝુક્યું યુક્રેન! ઝેલેન્સ્કીએ NATO અંગે આપ્યું મહત્વનું નિવેદન


- તેઓ એક એવા દેશના રાષ્ટ્રપતિ નથી બનવા માગતા જે ઘૂંટણીયે પડીને ભીખ માગે છેઃ ઝેલેન્સ્કી

કીવ, તા. 09 માર્ચ 2022, બુધવાર

રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો તેના પાછળ એક મોટું કારણ યુક્રેનની યુરોપીય દેશોના સૈન્ય સંગઠન NATOમાં સામેલ થવાની આકાંક્ષા હતી. પરંતુ હવે યુક્રેનની આ ઈચ્છા સમાપ્ત થઈ રહેલી જણાય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, તેઓ યુક્રેનના NATOમાં સામેલ થવા પર ભાર નથી આપી રહ્યા. સાથે જ ઝેલેન્સ્કીએ એમ પણ જણાવ્યું કે, રશિયા દ્વારા માન્યતા આપવામાં આવી તેવા યુક્રેનના 2 અલગાવવાદી ક્ષેત્રો દોનેત્સ્ક અને લુહાંસ્ક અંગે પણ તેઓ સમજૂતી કરવા તૈયાર છે. પુતિને યુક્રેન પરના આક્રમણની બિલકુલ પહેલા યુક્રેનના આ બંને ક્ષેત્રોને સ્વતંત્ર ક્ષેત્રની માન્યતા આપી હતી.

ઝેલેન્સ્કીએ સોમવારે રાતે અમેરિકી ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યું હતું જેમાં તેમણે NATO, પુતિન અને રશિયા દ્વારા માન્યતા આપવામાં આવી તેવા યુક્રેનના ક્ષેત્રો અંગે ખુલીને વાત કરી છે. તેમના આ ઈન્ટરવ્યુ બાદ લાગે છે કે, ઝેલેન્સ્કી હવે રશિયા સામે નરમ વલણ અપનાવી રહ્યા છે. 

NATO અંગે શું કહ્યું?

ઈન્ટરવ્યુ દરમિયાન ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કહ્યું કે, તેઓ એ વાત પર ભાર નથી આપી રહ્યા કે, યુક્રેન નાટોમાં સામેલ થાય. તેમણે NATO સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 'મને એ સમજાઈ ગયું છે કે, નાટો અમને પોતાના ગઠબંધનમાં સામેલ નથી કરવા માગતું. મને જ્યારે આ વાત સમજાઈ ત્યારે મેં નાટોમાં સામેલ થવાના વિચારને પાછળ છોડી દીધો. નાટો વિવાદિત વસ્તુઓ અને રશિયા સાથેની અથડામણથી ખૂબ જ ડરે છે.'

યુક્રેનના નાટોમાં સામેલ થવા અંગે સ્થિતિ સ્પષ્ટ કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું કે, તેઓ એક એવા દેશના રાષ્ટ્રપતિ નથી બનવા માગતા જે ઘૂંટણીયે પડીને ભીખ માગે છે.