×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Ukraine War: ઈઝરાયલ બન્યું મધ્યસ્થ, નફ્તાલી બેનેટ અને પુતિન વચ્ચે 3 કલાક વાતચીત


- યુક્રેન પર રશિયાનો હુમલો શરૂ થયો હતો તે જ દિવસે પુતિને ક્રેમલિન ખાતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મુલાકાત લીધી હતી

મોસ્કો, તા. 06 માર્ચ, 2022, રવિવાર

યુક્રેન પરના રશિયાના હુમલા દ્વારા સર્જાયેલા સંકટના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રયત્નો થઈ રહ્યા છે તે હવે તેજ બન્યા છે. ઈઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે હવે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા મધ્યસ્થ તરીકેની ભૂમિકા માંડી છે. ક્રેમલિન ખાતે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. જોકે બંને નેતાઓ વચ્ચે આશરે 3 કલાક સુધી ચાલેલી બેઠકમાં શું વાતચીત થઈ તે અંગેની કોઈ ખાસ જાણકારી સામે નથી આવી. પરંતુ બર્લિન માટે રવાના થતા પહેલા બેનેટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી. 

ઈઝરાયલના વડાપ્રધાન બેનેટનો મોસ્કો પ્રવાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે, ઈઝરાયલને અમેરિકાનું સહયોગી માનવામાં આવે છે. ઈઝરાયલ સીરિયામાં રાષ્ટ્રપતિ બશર-અલ-અસદને આપવામાં આવી રહેલા રશિયાના સૈનિક સમર્થનને પણ યોગ્ય માને છે. બેનેટ અને પુતિન વચ્ચેની આ મુલાકાત કદાચ એટલા માટે જ શક્ય બની શકી કારણ કે, ઈઝરાયલે હજુ સુધી રશિયા સામે નરમ વલણ જ જાળવ્યું છે. ઈઝરાયલના એક અધિકારીએ જણાવ્યું કે, બેનેટ આ સંકટને ઉકેલવા માટેના પોતાના પ્રયત્નોને અમેરિકા, ફ્રાંસ અને જર્મની સાથે શેર કરી રહ્યા છે. 

તેમના પ્રવક્તાએ જણાવ્યું કે, પુતિન સાથેની મુલાકાત બાદ બેનેટ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્જ (Olaf Scholz) સાથે વાતચીત માટે બર્લિન ગયા. જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોન (Emmanuel Macron) એ પુતિન સાથેની પોતાની વાતચીત અંગે જાણકારી આપવા માટે મોસ્કો જતા પહેલા બેનેટ સાથે વાત કરી હતી. ઈઝરાયલના એક અધિકારીએ જણાવ્યું કે, યુદ્ધવિરામ કરાવવાના ઉદ્દેશ્યથી જ બેનેટ સૌના સંપર્કમાં રહેશે. 

યુક્રેન પર રશિયન હુમલા શરૂ થયા ત્યાર બાદ રાષ્ટ્રપતિ પુતિનની કોઈ વિદેશી દેશના નેતા સાથેની આ બીજી મુલાકાત છે. જે દિવસે યુક્રેન પર રશિયાનો હુમલો શરૂ થયો હતો તે જ દિવસે પુતિને ક્રેમલિન ખાતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મુલાકાત લીધી હતી. બાદમાં ઈમરાન ખાને પોતાના મોસ્કો પ્રવાસ અંગે કહ્યું કે, 'મારી વિદેશ નીતિ સ્વતંત્ર છે અને ચીન-રશિયાની યાત્રાઓ ભવિષ્યમાં પાકિસ્તાન માટે ફાયદાકારી સાબિત થશે.'