×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત સરકારે બે અમદાવાદ શહેર વસે એટલી જમીન ઉદ્યોગોને વેચી દીધી


4થી માર્ચ, 2022 શુક્રવાર

ગાંધીનગર : ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે અને તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ આવા સમયમાં ઉદ્યોગો પાછળની દોટમાં રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ખરાબા, ગૌચર, પડતર એવો બધી મળી 1038 ચોરસ કિલોમીટર જમીન ઉદ્યોગોને ફાળવી છે કે વેંચી છે. આ જમીનનું કુલ કદ એટલું મોટું છે કે જેમાં બે અમદાવાદ જેવડા શહેરનો વસવાટ કરવો શકય છે. અમદાવાદ શહેરનું ક્ષેત્રફળ 2021માં નવા ભાગ ભળતા હવે 530 ચોરસ કિલોમીટર છે. આટલા મોટા વિસ્તારમાં અત્યારે શહેરમાં 70 લાખ લોકો વસવાટ કરે છે, રોજી મેળવે છે. એટલે સરકારે બે વર્ષમાં જે જમીન ફાળવી છે તેમાં ચોક્કસ રીતે બે બીજા અમદાવાદ શહેરનો વસવાટ પણ થઈ જ શકે!

આ માહિતી આજે વિધાનસભામાં સરકારે એક લેખિત જવાબમાં આપતા કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં 1038 ચોરસ કિલોમીટર ગૌચર અને સરકારી જમીન ઉદ્યોગકારોને પધરાવી દીધી છે.

બજેટ સત્ર દરમિયાનની પ્રશ્નોત્તરીમાં ગુજરાત સરકારે જવાબ આપતા કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ 103 કરોડ 80 લાખ 73 હજાર 183 ચોરસ મીટર સરકારી પડતર, ખરાબાની અને ગૌચર જમીન ભાડે અથવા વેચાણથી પધારવી દેવામાં આવી છે. આમ સરેરાશ જોઈએ તો દૈનિક સરકારે 14.22 લાખ જમીન ઉદ્યોગોને લ્હાણીમાં આપી દીધી છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયેલ આંકડા અનુસાર 103,29,35,124 ચોરસ મીટર સરકારી જમીન વેચાણ અથવા ભાડેથી આપવામાં આવી છે. સરકારે 18 લાખથી વધુ ગૌચર જમીન પણ લ્હાણીમાં આપી હોવાની કબૂલાત કરી છે. ગત બે વર્ષમાં અંદાજે જેટલી જમીન વેચવામાં આવી છે તે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ કરતા પણ બમણી સાઈઝની છે. તાજેતરના સીમાંકન બાદ અમદાવાદ શહેરનો કાર્પેટ એરિયા 530 ચોરસ કિલોમીટર થયો હતો એટલેકે ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં બમણા અમદાવાદ કરતા પણ વધુ જમીન આપી દીધી છે.





આ જમીનોના રાજ્યના જિલ્લા પ્રમાણેના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ જમીન કચ્છ જિલ્લામાં 95 કરોડ 65 લાખ જમીન ઉદ્યોગકારોને આપી દીધી છે. જોકે કચ્છ જિલ્લાનો આ આંકડો માત્ર સરકારી જમીન ભાડે અથવા વેચાણ આપવાનો જ છે. કચ્છ માટે સરકારે આપેલ ખરાબા અને ગૌચર જમીનની વિગતો જાહેર કરવામાં નથી આવી. 

આ અહેવાલ બાદ સરકારને ઘેરતા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની ભાજપ સરકાર પાસે ગરીબોને આપવા માટે 50-100 ચોરસ મીટર જમીન નથી આપતી અને અહિં પોતાના મળતિયાઓને લ્હાણી થઈ રહી છે.