×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રૂડ ઓઈલમાં તેજી અટકી: ઇરાનની મદદ લેવા અમેરિકાનો દાવ


અમદાવાદ, તા. 04 માર્ચ, 2022, શુક્રવાર 

વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજારમાં ગુરુવારે ન્યૂ યોર્ક ટ્રેડિંગ સત્ર દરમિયાન તેજી અટકી હતી. બજારમાં એવી હવા છે કે ૨૦૧૮માં રાષ્ટ્રપતિ ટ્રમ્પ્ ઈરાન સાથેના પરમાણુ સોદામાંથી ખસી ગયા હતા અને ઈરાન ઉપર ફરી પ્રતિબંધ મૂક્યા હતા. આ પ્રતિબંધ હવે હટી જશે, ઈરાન ક્રૂડ ઓઇલ  ફરી વેચી શકશે એવી જાહેરાત થવાની છે. 

અત્યારે આ વાતને કોઈ સમર્થન નથી પણ અમેરિકન વહીવટી તંત્ર અત્યારે રશિયા સામે દુનિયામાં જુવાળ ઊભો કરી રહ્યું છે. દરેક દેશ કે સંભિવત દેશ જે રશિયાના આક્રમણમાં આર્થિક રીતે રશિયાને ખોખલું કરી શકે એવી મદદ કરે તેના માટે જો બાયડેન પ્રયત્ન કરી રહ્યા છે. શક્ય છે કે ભલે લાંબાગાળા માટે નહિ પણ યુધ્ધ પૂરતી મદદ ઈરાન પાસેથી મેળવી શકે. જોકે, ઈરાન પોતાનો નિર્ણય તહેરાન અને મોસ્કોના પોતાના સંબંધના આધારે લેશે એ પણ યાદ રાખવું જોઈએ.

આવી હવા આવી એ પહેલા ક્રૂડ ઓઇલ ૧૨૦ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું જે ૧૧ વર્ષની ઊંચી સપાટી છે. યુક્રેન ઉપર રશિયાએ હુમલો કરતા, રશિયન ક્રૂડની ખરીદી અટકી પડી છે. રશિયા દુનિયાને કુલ જરૂરિયાતના ૧૦ ટકા ઓઇલ વેચે છે. આટલો મોટો જથ્થો અટકી પડતાં, બજારમાં માંગ કરતા પુરવઠો ઘટી ગયો હતો અને ભાવ આસમાને જઈ રહ્યા હતા.

ઈરાનના એક પત્રકારે એવું ટ્વીટ કર્યું હતું કે આગામી ૭૨ કલાકમાં વિયેના ખાતે અમેરિકા અને અન્ય દેશો વચ્ચે ચાલી રહેલી ચર્ચમાં નવો પરમાણુ સોદો થશે અને ઈરાન ઉપર પ્રતિબંધ હટી જશે. આ વાતને જોકે કોઈ સત્તાવાર સમર્થન નથી. જો આ સત્ય હોય તો ઈરાન દૈનિક ૧૪ લાખ બેરલ જેટલું ક્રૂડ દુનિયાને વેચી શકે. આમ કરવા માટે બે મહિના જેટલો સમય લાગે પણ બજારમાં પુરવઠો ચોક્કસ આવી શકે. 

સોદાની ચર્ચાના કારણે બ્રેન્ટ ક્રૂડ ૧૧૨ ડોલર અને અમેરિકન વાયદા ૧૧૦ ડોલર થઈ ગયા હતા.