×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેન પર કબજા પછી જ આક્રમણ અટકશે : રશિયા


કીવ, તા. ૩
રશિયા અને યુક્રેન વચ્ચે ગુરુવારે બીજા તબક્કાની વાટાઘાટો યોજાઈ હતી. આ પહેલાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેંક્રો સાથે ચર્ચા કરતાં ચેતવણી આપી હતી કે યુક્રેનને હરાવીને તેનું નિઃશસ્ત્રીકરણ ન કરીએ ત્યાં સુધી આક્રમણ ચાલુ જ રહેશે. યુક્રેન પર સંપૂર્ણ કબજા પછી જ આક્રમણ અટકશે તેવી ચેતવણી પુતિને ફ્રાન્સના પ્રમુખ મૈક્રોંને આપી હતી. આ સાથે રશિયાએ યુક્રેન પર હુમલાની તીવ્રતા વધારતા ખેરસોન સહિત તેના દરિયાઈ બંદરો પર કબજો જમાવ્યો હતો તથા પડોશી દેશનો દરિયાઈ સંપર્ક કાપી નાંખ્યો હતો. જોકે, રશિયાના મેજર જનરલ આંદ્રેઈ સુખોવેત્સ્કીનું મોત થતાં રશિયન સૈન્યને મોટો ફટકો પડયો છે જ્યારે યુક્રેનમાં ૧૦ લાખથી વધુ લોકોએ પડોશી દેશોમાં આશરો લીધો છે.
પુતિન અને ફ્રાન્સના પ્રમુખ વચ્ચે દોઢ કલાક ચર્ચા થઈ
બેલારુસમાં યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળ વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટો હાથ ધરાઈ હતી. આ પૂર્વે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રોં વચ્ચે લગભગ દોઢ કલાક સુધી યુક્રેન મુદ્દે ચર્ચા થઈ હતી. પુતિને મૈક્રોંને કહ્યું કે યુક્રેન રશિયાની શરતો નહીં સ્વિકારે તો રશિયા આક્રમણ ચાલુ રાખવા કૃતનિશ્ચયી છે. રશિયન સૈન્યના અભિયાનનો આશય યુક્રેનનું નિઃશસ્ત્રીકરણ કરવાનો અને તેની તટસ્થ સ્થિતિ જાળવી રાખવાનો છે. અમે આ લક્ષ્ય કોઈપણ ભોગે હાંસલ કરીશું. રશિયા યુક્રેન સાથે વાટાઘાટો માટે તૈયાર છે અને વાતચીતમાં વિલંબનો પ્રયાસ થતાં રશિયા તેની માગો વધારી દેશે. બીજીબાજુ એક ફ્રાન્સીસી અધિકારીએ કહ્યું કે ફ્રાન્સના પ્રમુખે પુતિનને કહ્યું કે તેઓ યુક્રેનમાં યુદ્ધ કરીને મોટી ભૂલ કરી રહ્યા છે. કીવ અંગે તેઓ ખોટા ભ્રમમાં રાચી રહ્યા છે. આ યુદ્ધ લાંબા સમય સુધી રશિયાને મોંઘું પડશે.
યુક્રેનમાં રશિયા અને રશિયન નાગરિકોની સંપત્તિ જપ્ત કરાશે
બીજીબાજુ રશિયન સૈન્યનો સામનો કરવાની સાથે યુક્રેને કૂટનીતિક મુદ્દે પણ રશિયા સામે નોંધપાત્ર પગલું ભર્યું છે. યુક્રેનની સંસદે એક કાયદાને મંજૂરી આપીને યુક્રેનમાં રશિયા અથવા રશિયાના નાગરિકોની સંપત્તિની જપ્તીને મંજૂરી આપી છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આ સંદર્ભમાં નિર્ણય લીધો હતો.
યુક્રેન હવે બચાવ નહીં, રશિયા પર હુમલા કરવા માટે તૈયાર : ઝેલેન્સ્કી
ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને ચેતવણી આપતા કહ્યું કે, જીવવા માગતા હોવ તો ઘરે પાછા જતા રહો. અમે નથી ઈચ્છતા કે યુક્રેન રશિયન સૈનિકોની લાશોથી ઢંકાઈ જાય. યુદ્ધ પછી યુક્રેનનું પુનઃનિર્માણ કરાશે અને તેની કિંમત રશિયાએ ચૂકવવી પડશે. યુક્રેન હવે રક્ષણાત્મક સ્થિતિમાંથી હુમલાની સ્થિતિમાં આવવા તૈયાર છે. બે વિશ્વ યુદ્ધ, ત્રણ દુષ્કાળ, પ્રલય, બેબીન યાર, ધ ગ્રેટ પર્જ, ચર્નોબિલ વિસ્ફોટ અને ક્રીમિયાના કબજા પછી પણ અમે ફરી ઊભા થયા છીએ. કોઈ માનતું હોય કે યુક્રેનીયન ડરી જશે, તૂટી જશે, આત્મસમર્પણ કરશે તો તેઓ અમારા અંગે કશું જ નથી જાણતા.
દરમિયાન આંતરરાષ્ટ્રીય કોર્ટ (આઈસીસી)ના મુખ્ય પ્રોસેક્યુટરે યુક્રેનમાં ૨૦૧૩ પછીથી થયેલા કથિત યુદ્ધ ગૂનાઓ, માનવતા વિરુદ્ધના ગૂનાઓ અથવા નરસંહારના કેસોમાં બુધવારથી તપાસ શરૂ કરી દીધી છે. કરીમ ખાને કહ્યું કે, કોર્ટે ૩૯ સભ્ય દેશોને તપાસની વિનંતી કરી છે. ત્યાર પછી આ તપાસ શરૂ કરાશે.
યુક્રેનના પોર્ટ સિટી ખેરસોન પર રશિયાનો કબજો
જોકે, રશિયન સૈન્યે જણાવ્યું હતું કે તેણે યુક્રેનના પોર્ટ સિટી ખેરસોન પર કબજો જમાવ્યો છે. યુક્રેનના સ્થાનિક સત્તાવાળાઓએ પણ પુષ્ટી કરી હતી કે કાળા સમુદ્રના કિનારે આવેલા પોર્ટમાં સરકારી મુખ્યાલયો પર હુમલાખોરોએ કબજો જમાવ્યો છે. અન્ય સ્થળો પર પણ રશિયાએ અનેક મોરચે આક્રમણ વધુ તીવ્ર બનાવ્યું છે. જોકે, રશિયન ટેન્કો અને અન્ય વાહનોના કાફલાએ દિવસોથી રાજધાની કીવને ઘેરો નાંખ્યો છે. પરંતુ તેઓ રાજધાનીમાં પ્રવેશી શક્યા નથી. જોકે, યુક્રેને દાવો કર્યો હતો કે તેના ૨,૦૦૦થી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને પણ ભારે ખુવારી થઈ
ચર્નીહિવ ખાતે હુમલો કરીને યુક્રેને ૯ રશિયન સૈનિકોને મારી નાંખ્યા હતા જ્યારે આ લડાઈમાં યુક્રેનના ૨૨ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા.  રશિયન મિસાઈલોએ યુક્રેનના બે સૌથી મોટા શહેર કીવ અને ખારકીવમાં ભારે વિનાશ વેર્યો છે, પરંતુ આ યુદ્ધમાં રશિયાએ પણ ભારે ખુવારીનો સામનો કરવો પડયો છે. યુરોપીયન મીડિયાએ દાવો કર્યો હતો કે, રશિયન મેજર જનરલ આંદ્રેઈ સુખોવેત્સ્કીનું મોત રશિયન સૈન્ય માટે મોટા ફટકા સમાન છે. આ રશિયન સૈન્યમાં હાઈ રેન્કના પહેલા અધિકારીનું મોત છે.
રશિયાના ૯,૦૦૦ સૈનિકોનાં મોત, ૩૦ પ્લેન, ૨૧૭ ટેન્ક ઊડાવ્યા : યુક્રેન
ઉપરાંત યુક્રેને રશિયાના ૯૦૦૦ સૈનિકોને મારી નાંખ્યાનો તેમજ ૩૦ પ્લેન, ૨૧૭ ટેન્ક, ૩૭૪ ઓટો મોબાઈલ ટેક્નિક્સ, ૪૨ એમએલઆર, ૯૦૦ એએફવી, ૩૧ હેલિકોપ્ટર, ૯૦ આર્ટિલરી સિસ્ટમ, ૧૧ એન્ટીએર ડિફેન્સ, ૩ યુએવીનો નાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે ૧૬ દેશોમાંથી ૧૬,૦૦૦થી વધુ નાગરિકો રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સાથ આપવા આવી રહ્યા છે.