×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે રજૂ થનારા અંદાજપત્રના કદમાં 10થી 12 ટકાના વધારાની સંભાવના


- નાણામંત્રી કનુભાઇ દેસાઇ પ્રથમવાર બજેટ રજૂ કરશે, વિધાનસભાની ચૂંટણી હોવાથી વિવિધ વર્ગને આકર્ષવા માટે નવી યોજનાઓ જાહેર થશે

- વજુભાઇ વાળાએ 18 અને નીતિન પટેલે 9 વાર બજેટ આપ્યાં છે

 ગાંધીનગર, તા. 03 માર્ચ, 2022, ગુરૂવાર

ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યના નાણામંત્રી કનુભાઇ દેસાઇ તેમની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત આગામી વર્ષ 2022-23નું આ બજેટ રજૂ કરવાના છે ત્યારે આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત હોવાથી તેમના બજેટમાં ચૂંટણીલક્ષી છાંટ વર્તાય તેવી સંભાવના છે.

 વિવિધ સમાજ અને વિસ્તારને ધ્યાને લઇ બજેટમાં જનકલ્યાણની અનેક યોજનાઓ જાહેર થવાની સંભાવના છે. બજેટના કદમાં વર્તમાન નાણાકીય વર્ષની સરખામણીએ 10 થી 12 ટકાનો વધારો દર્શાવાઇ રહ્યો છે. આ સાથે વીજશુલ્ક અને સ્ટેમ્પડ્યુટી જેવા રાજ્ય સરકારના કરમાળખામાં લોકોને રાહત મળે તેવા પગલાં સૂચવાયા હોવાનું જાણવા મળ્યું છે.

 રાજ્યમાં સૌથી વધુ એટલે કે 18 વખત બજેટ અને લેખાનુદાન રજૂ કરવાનો વિક્રમ એકમાત્ર વજુભાઇ વાળાનો છે. તેમના પછી તત્કાલિન નાણામંત્રી નીતિન પટેલે રાજ્યમાં 9 બજેટ રજૂ કર્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 77 બજેટ રજૂ થયાં છે.

 રાજ્યનું પહેલું બજેટ 22મી સપ્ટેમ્બર 1960ના રોજ રજૂ થયું હતું જેનું કદ માત્ર 114.92 કરોડ રૂપિયા હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા પછી રાજ્યનું તે પ્રથમ બજેટ માનવામાં આવે છે. રાજ્યના બજેટ ઇતિહાસમાં ત્રણ બજેટ એવાં હતા કે વિધાનસભા નહીં લોકસભામાં રજૂ થયા હતા.

આ સમયે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરવામાં આવ્યું હતું. કુલ બજેટ પૈકી 20 વખત નાણામંત્રીએ લેખાનુદાન એટલે કે ચાર મહિના માટે વોટ ઓન એકાઉન્ટ લીધાં છે અને ત્યારપછી પૂર્ણ બજેટ રજૂ કર્યાં છે.

 ગુજરાતનું છેલ્લા બજેટનું કદ 2.23 લાખ કરોડ હતું. ત્રીજી માર્ચે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇ પ્રથમવાર 2022-23ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવા જઇ રહ્યાં છે ત્યારે બજેટના કદમાં 10 થી 12 ટકાનો વધારો થાય તેવી સંભાવના છે.