×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ શસ્ત્રો તબાહી મચાવશે: રશિયાની ધમકી


- આર્થિક પ્રતિબંધોથી નારાજ રશિયાએ પરમાણુ શસ્ત્રો સાથે સૈન્ય કવાયત શરૂ કરી

- રશિયાના બોમ્બમારાથી કીવ હચમચી ઉઠયું : ખાર્કિવમાં મિસાઈલથી હુમલો થતાં ૨૧નાં મોત, શહેરમાં કરફ્યૂ લદાયો : યુક્રેનમાં કુલ બે હજારથી વધુનાં મૃત્યુ

- યુદ્ધ વચ્ચે બંને દેશોનો શાંતિ મંત્રણા માટે તૈયાર હોવાનો દાવો: રશિયા મંત્રણા શરૂ કરતા પહેલા તોપમારો બંધ કરે: ઝેલેન્સ્કી

- ટોકમકમાં રશિયા અને યુક્રેનની સેના વચ્ચે ભીષણ લડાઈ, અનેક જવાનોના મોતના અહેવાલો

- નવ લાખથી વધુ યુક્રેનિયન નાગરિકો નિરાશ્રિત બન્યા આંકડો સતત વધતો રહેવાની યુએનની ચેતવણી

કીવ :  યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાએ પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. ફક્ત એટલું જ નહી તેણે ન્યુક્લિયર ડ્રિલ પણ શરૂ કરી દીધું છે. આ બતાવે છે કે રશિયા કોઈપણ પ્રકારને પીછેહઠ કરવાના મૂડમાં નથી. રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે જણાવ્યું હતું કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો અત્યંત વિનાશક હશે. તેમા કેટલાય પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થશે. આમ મોટાપાયા પર જાનહાનિની ધમકી આપી હતી. રશિયાની પાસે વિશ્વના સૌથી વધારે પરમાણુ બોમ્બ છે અને તેની સંખ્યા ચાર હજારથી પણ વધારે છે. યુક્રેનમાં ચાલતા ભીષણ જંગ દરમિયાન નાટો દેશોની શસ્ત્રોની મદદ ઉપરાંત આર્થિક પ્રતિબંધથી પુતિન ભડક્યા છે. 

પુતિને પોતાના પરમાણુ લશ્કરને હાઈ એલર્ટ પર મૂક્યું છે. તેના લીધે સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ છે. બીજી બાજુએ કેટલાય લોકોને ડર છે કે ક્યાંક ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ ન થાય. યુક્રેન સાથેના યુદ્ધમાં અત્યાર સુધી છ હજારથી વધારે રશિયન સૈનિકોના મોત થયા હોવાનું કહેવાય છે. જ્યારે યુક્રેનને બે હજારથી વધારે નાગરિકોના મોત થયાનું કહેવાય છે. જ્યારે કેટલા સૈનિકો મર્યા તેના કોઈ આંકડા નથી. 

ચાલુ યુદ્ધે યુક્રેને અને રશિયા બંનેએ જણાવ્યું છે કે બંને મંત્રણા માટે તૈયાર છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું છે કે તેઓ મંત્રણા માટે તૈયાર છે, પરંતુ રશિયાએ મંત્રણા શરૂ કરતા પહેલા તોપમારો બંધ કરવો જોઈએ. 

સર્ગેઈ લવરોવના નિવેદનને અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને એક સપ્તાહ હવે પૂરુ થવા આવ્યું છે. તેના પછી રશિયા સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. યુક્રેનના લોકો પોતાના જીવ બચાવવા માટે પડોશી દેશોમાં શરણ લઈ રહ્યા છે. લવરોવે તેમ પણ જણાવ્યું છે કે જો યુક્રેને પરમાણુ શસ્ત્રો લેવાનો પ્રયત્ન કર્યો તો તે ખતરનાક હશે. રશિયા આવું જરા પણ થવા નહી દે. 

રશિયાએ તેની સાથે ન્યુક્લિયર ડ્રિલ પણ શરૂ કરી દીધું છે. રશિયન નૌકાદળના ઉત્તરી કાફલાએ જણાવ્યું હતું કે કેટલીય પરમાણુ સબમરીનને અભ્યાસમાં સામેલ કરવામાં આવી રહી છે. 

આ દરમિયાન હવામાન ખરાબ હોય તો પણ તેવી સ્થિતિમાં હુમલો કેવી રીતે કરવો તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. રશિયાના લશ્કરે જણાવ્યું હતું કે કેટલાય જંગી જહાજોને દેશના પશ્ચિમોત્તર વિસ્તારમાં આવેલા કોલા પ્રાયદ્વીપની સુરક્ષા કરવાની જવાબદારી આપવામાં આવી છે. 

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના સાતમાં દિવસે રશિયાએ ખેરાસન શહેર પર કબ્જો કર્યો છે. હવે રશિયાનું લક્ષ્યાંક યુક્રેનના બીજા નંબરના મોટા શહેર ખાર્કિવ પર કબ્જો મેળવવાનું છે. રશિયાની સરહદથી ફક્ત ૪૦ કિ.મી. દૂર વસેલું ખાર્કિવ શહેર રશિયન ટેન્કો, સૈનિકો અને યુદ્ધ વિમાનોનો સામનો કરી રહ્યું છે. આ શહેરમાં રશિયન ભાષા બોલાય છે. ખાર્કિવમાં કેટલાની જાનહાનિ થઈ તેના કોઈ સમાચાર નથી. પણ લશ્કરી એકમો, રહેણાક વિસ્તારોની સ્થિતિ ખરાબ છે. 

ફક્ત ૧૫ લાખની વસ્તી ધરાવતું ખાર્કિવ શહેર રશિયા સામેના પ્રતિરોધનું મજબૂત કેન્દ્ર બન્યું છે. રશિયાને આ શહેરમાં આટલો જબરજસ્ત વિરોધ થશે તેવી આશા ન હતી. હાલમાં યુક્રેનિયન અને રશિયા વચ્ચે ખાર્કિવમાં હાથોહાથની લડાઈ ચાલી રહી છે. રશિયાએ ત્યાં પેરાટ્રુપર્સ ઉતાર્યા છે. શહેરમાં ૨૧ના મોત થયા છે અને ૧૧૨ને ઇજા થઈ છે. 

રશિયા સાથેના યુદ્ધના પગલે યુક્રેનના નિરાશ્રિતોની સંખ્યા નવ લાખને વટાવી ગઈ છે. આ આંકડો ટૂંક સમયમાં દસ લાખને વટાવી જાય તેમ માનવામાં આવે છે. 

રશિયા ઝેલેન્સ્કીને કાઢી વિક્ટરને   રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે

- વિક્ટર યાનુકોવિચ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના સમર્થક છે અને હાલમાં મિન્સ્કમાં છે

યુક્રેનના મીડિયાનો દાવો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનના રાજનેતા વિક્ટર ફેડોરોવિચ યાનુકોવિચને યુક્રેનનો રાષ્ટ્રપતિ બનાવવા માંગે છે. યાનુકોવિચ હાલમાં મિન્સ્કમાં છે.

રશિયન રાષ્ટ્રપતિ પુતિન વર્તમાન યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના કટ્ટર વિરોધી છે. પુતિને બહુ મોટી રમત રમી છે. તેઓ વિક્ટર ફેડોરોવિચ યાનુકોવિચને યુક્રેનના રાષ્ટ્રપતિ બનાવવા ઇચ્છે છે. યાનુકોવિચ ૨૦૧૦થી ૨૦૧૪ સુધી યુક્રેનના રાષ્ટ્રપતિ હતા, પરંતુ પછી તેમને હોદ્દા પરથી હટાવાયા હતા. તેના પછી તેઓ રશિયા ભાગી ગયા હતા. 

તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. રશિયા સાથે તેમના વિકસતા સંબંધના લીધે ૨૦૧૩માં તેમની સામે હિંસક પ્રદર્શનો થયા હતા. તેમણે ૨૦૧૩માં યુરોપીયન સંઘ સાથેની સમજૂતી ફગાવી દીધી હતી, જેથી તેમની સામે હિંસક દેખાવ થયા હતા. તેના પગલે તેમની હકાલપટ્ટી થઈ હતી. યુક્રેનના મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પુતિન રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચને યુક્રેનની ગાદી પર બેસાડવા માંગે છે.

યાનુકોવિચનો જન્મ ડોનેટ બેસિનમાં એક ગરીબ કુટુંબમાં થયો હતો. તે કિશોરવસ્થામાં બે વખત જેલ ગયા હતા. ૧૯૬૯માં તેમણે પોતાના હોમટાઉન યેનાકીયેવમાં અને તેની આસપાસના ભારે ઉદ્યોગોમાં કામ કર્યુ હતું. પોતાની વીસ વર્ષની કારકિર્દીમાં તે મિકેનિકથી લઈને એક્ઝિક્યુટિવ પણ બન્યા. ૧૯૮૦માં તેમણે ડોનેત્સ્ક પોલિટેકનિક ઇન્સ્ટિટયુટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી અને સામ્યવાદી પક્ષમાં સામેલ થઈ ગયા.

૨૦૦૨માં યુક્રેનના રાષ્ટ્રપતિ લિયોનિદ કુચમાએ યાનુકોવિચને વડાપ્રધાન નીમ્યા. આ હોદ્દા પર નીમાયા પહેલા તેમને યુક્રેનની ભાષા પણ આવડતી ન હતી. ૨૦૦૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવતા યાનુકોવિચને કુચમાના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવવા લાગ્યા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ તેમની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. ચૂંટણીમાં વિરોધી વિક્ટર યૂશચેન્કો પર જીવલેણ હુમલો થતા તે મુકાબલામાંથી બહાર થતાં યાનુકોવિચને વિજયી જાહેર કરાયા હતા. જનવિરોધના પગલે યુક્રેનની સુપ્રીમ કોર્ટે પરિણામ બદલી યાનુકોવિચને હારેલા જાહેર કર્યા.

૨૦૧૦માં યાનુકોવિચ ફરીથી ચૂંટણી લડયા અને અત્યંત પાતળા માર્જિનથી જીતી રાષ્ટ્રપતિ બન્યા. તેમણે રશિયા તરફ ઝુકાવ સ્પષ્ટ બતાવ્યો. ૨૦૧૦માં તેમણે રશિયન રાષ્ટ્રપતિ દમિત્રી મેડવેડેવ સાથે સમજૂતી કરી સેવસ્તોપોલ બંદર પર રશિયાનો ભાડાપટ્ટો ૨૦૪૨ સુધી લંબાવી આપ્યો. ૨૦૧૩માં યુરોપીયન સંઘ સાથેનો કરાર ફગાવતા વિરોધ પ્રદર્શનના લીધે તેમણે ૨૦૧૪માં ગાદી છોડવી પડી હતી.