×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયા-યુક્રેન યુદ્ધ: ક્રૂડ ભડકે બળતા રૂપિયામાં ફરી કડાકો


અમદાવાદ, તા. 02 માર્ચ, 2022, બુધવાર

યુક્રેન સામે રશિયાએ મોરચો માંડ્યા બાદ પુતિનના દેશ સામે સમગ્ર વિશ્વ એકજૂથ થઈને આકરા પ્રતિબંધો લાદી રહ્યું છે. રશિયા પર પ્રતિબંધો કડક બનતા અને રશિયાએ યુદ્ધની આકરી નીતિ ચાલુ રાખતા સામાન્ય શાંત થયેલ સ્થિતિ ફરી ઉચાળા ભરી રહી છે.

રશિયા-યુક્રેન યુદ્ધને પગલે ક્રૂડ બજારમાં ભડકો જોવા મળ્યો છે. ક્રૂડ અને ઈક્વિટી બજારના દબાણ હેઠળ ભારતીય ચલણ રૂપિયામાં પણ બુધવારના સત્રમાં ઘસારો જોવા મળ્યો છે.

રૂપિયો ડોલરની સામે આજના સત્રમાં 50 પૈસાના કડાકે 75.82ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. યુરોપની અરાજકતા હવે સમગ્ર વિશ્વને બાનમાં લઈ રહી છે અને વિશ્વ અર્થવ્યવસ્થાને ભારે નુકશાન થવાની ભીતિને કારણે ઈક્વિટી બજારમાંથી મસમોટો આઉટફ્લો જોવા મળી રહ્યો છે.

ઈક્વિટીની નરમાઇ અને બ્રેન્ટ ફરી 10% ઉછળીને 110 ડોલરને પાર પહોંચતા મોંઘવારી માઝા મુકશે અને વ્યાજદરમાં ઝડપી વધારો કરવાની વિશ્વની ટોચની સેન્ટ્રલ બેંકોને ફરજ પડશે તેવા રોકાણકારોના સેન્ટિમેન્ટ ખરડનારા ડરને પગલે ડોલરની સામે અન્ય ચલણમાં દબાણ જોવા મળી રહ્યું છે.

સોમવારના બંધ ભાવ 75.33 પ્રતિ યુએસ ડોલરની સામે રૂપિયો બુધવારે 75.78 પર ખુલીને 75.83 સુધી ઘટ્યો છે. મંગળવારે મહાશિવરાત્રિના તહેવારને પગલે ભારતીય કરન્સી માર્કેટ બંધ હતુ.

સામે પક્ષે વિશ્વની ટોચની છ કરન્સીની સામે યુએસ ડોલરનું મૂલ્ય દર્શાવતા ડોલર ઈન્ડેકસમાં 0.01%નો સામાન્ય વધારો આજનાઅ સત્રમાં જોવા મળી રહ્યો છે અને તે 97.41ના લેવલે જોવા મળી રહ્યું છે.

ક્રૂડ ભડકે બળ્યું :

વિશ્વનુ કુલ 10 ટકા ક્રૂડ ઓઇલ રશિયા પૂરું પાડે છે અને તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી આ ક્રૂડ બજમાં આવશે નહિ એવી ધારણાના કારણે ભાવ બુધવારે 110 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયા છે.

 અમેરિકા કે અન્ય કોઈ દેશે હજુ રશિયાના ઓઇલ ઉદ્યોગ ઉપર વેચાણ માટે પ્રતિબંધ નથી મૂક્યા પણ રિફાઇનરી કે ટ્રેડર્સ મોસ્કો સાથે સોદા નથી કરી રહ્યા. બજારમાં ક્રૂડ ઓઈલનો સ્ટોક 2014 પછી સૌથી નીચો છે એટલે સ્થિતિ વધારે ગંભીર બની છે.