×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુક્રેન માટે આગામી 24 કલાક ખૂબ જ પડકારજનકઃ રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી


- રશિયાએ કરેલા દાવા પ્રમાણે તેમનું બળ ફક્ત યુક્રેનના સૈન્ય પ્રતિષ્ઠાનોને જ ટાર્ગેટ કરી રહ્યું છે

નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર

યુક્રેન પરના રશિયન હુમલાનો આજે પાંચમો દિવસ છે. રશિયાએ રવિવારે યુક્રેન પર ચારેબાજુથી હુમલાઓ તેજ કરી દીધા હતા. યુક્રેન સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું કે, રશિયન સેનાએ તેમના દેશ પર લગભગ તમામ બાજુએથી બોમ્બમારો કર્યો છે. આ બધા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સાથે વાતચીત કરી છે. આ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, યુક્રેન માટે આગામી 24 કલાક ખૂબ જ પડકારજનક છે. તેમણે જણાવ્યું કે, તેઓ સમગ્ર દેશમાં દૃઢતાપૂર્વક રશિયન સેનાનો મુકાબલો કરી રહ્યા છે. 

યુક્રેનના ગૃહ મંત્રાલયના અહેવાલ પ્રમાણે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 14 બાળકો સહિત યુક્રેનના 352 નાગરિકોના મોત થયા છે તથા 116 બાળકો સહિત 1,684 લોકો ઘાયલ થયા છે. મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં આવી જાણકારી આપી હતી. જોકે તેમણે યુક્રેનના સશસ્ત્ર દળોના કેટલા જવાનના મોત થયા છે તે અંગે કોઈ માહિતી નહોતી આપી. 

રશિયાએ કરેલા દાવા પ્રમાણે તેમનું બળ ફક્ત યુક્રેનના સૈન્ય પ્રતિષ્ઠાનોને જ ટાર્ગેટ કરી રહ્યું છે અને યુક્રેનના સામાન્ય નાગરિકોને કોઈ જોખમ નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે ફક્ત એટલું સ્વીકાર્યું કે, રશિયન સૈનિકો માર્યા ગયા છે પરંતુ તેની સંખ્યા નહોતી જણાવી.