×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમે આત્મસમર્પણ નહીં કરીએ અને એક પણ ઈંચ જમીન પર કબજો નહીં કરવા દઈએ: યુક્રેન


- રવિવારે રશિયન સૈનિકોએ પૂર્વોત્તર શહેરમાં પ્રવેશ કર્યો તેના થોડા કલાકો બાદ યુક્રેની સેનાએ દેશના બીજા સૌથી વિશાળ શહેર ખાર્કિવ પર સંપૂર્ણ નિયંત્રણ પાછું લીધું 

નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. રશિયન સૈન્ય તાકાતની સરખામણીએ ખૂબ જ કમજોર હોવા છતાં યુક્રેન હિંમતપૂર્વક તેનો સામનો કરી રહ્યું છે. આ બધા વચ્ચે રવિવારે યુક્રેને એક મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આક્રમણને લઈ રશિયા સાથેની વાતચીત દરમિયાન તે કોઈ પણ પ્રકારના દબાણથી ઝુકશે નહીં અને સાથે જ યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના રશિયન પરમાણુ બળોને હાઈ એલર્ટ પર રાખવાના પગલાની પણ નિંદા કરી હતી. 

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ રવિવારે જણાવ્યું કે, પ્રતિદ્વંદીને દેશની એક પણ ઈંચ જમીન નહીં આપવામાં આવે. કુલેબાએ વર્ચ્યુઅલરૂપે પ્રસારિત સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, અમે કોઈ પણ સંજોગોમાં આત્મસમર્પણ નહીં કરીએ, અમે અમારા ક્ષેત્રનો એક પણ ઈંચ હિસ્સો નહીં છોડીએ. 

યુક્રેને કહ્યું કે, તે રશિયા સાથે બેલારૂસી સરહદે કોઈ પણ પ્રકારની શરત વગર વાતચીત કરશે કારણ કે, મોસ્કોએ પહેલા કીવની સેના સાથે વાતચીત શરૂ થઈ તે પહેલા જ હથિયાર હેઠા નાખવાની માગણી કરી હતી. અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તેમનો દેશ બેલારૂસ સિવાય કોઈ પણ સ્થળે વાતચીત કરવા તૈયાર હતો. 

રવિવારે યુક્રેન પરના હુમલાના ચોથા દિવસે રશિયાએ યુક્રેનના અનેક શહેરો પર બોમ્બમારો કર્યો હતો. રશિયાએ યુક્રેન પરના હુમલાઓ તેજ કરી દીધા છે. યુક્રેનની સેનાએ હિંમતપૂર્વક રશિયાનો સામનો કર્યો હતો અને સંકટગ્રસ્ત દેશે કરેલા દાવા પ્રમાણે તેણે રશિયાની સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. રવિવારે રશિયન સૈનિકોએ પૂર્વોત્તર શહેરમાં પ્રવેશ કર્યો તેના થોડા કલાકો બાદ યુક્રેની સેનાએ દેશના બીજા સૌથી વિશાળ શહેર ખાર્કિવ પર સંપૂર્ણ નિયંત્રણ પાછું લીધું હતું.