×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MP: '2023ની ચૂંટણી કોંગ્રેસની અંતિમ ચૂંટણી…', કોંગ્રેસના દિગ્ગજ નેતાનો વીડિયો વાયરલ


- 15 વર્ષ સુધી સત્તાથી બહાર રહ્યા બાદ 2018માં કોંગ્રેસની સરકાર બની હતી જે માત્ર 15 મહિના ટકી હતી

રતલામ, તા. 21 ફેબ્રુઆરી, 2022, સોમવાર

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દિગ્વિજય સિંહ કોંગ્રેસી કાર્યકરોને એકબીજા સાથે હળીમળીને રહેવાની સલાહ આપી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે જો તેઓ સાથે મળીને નહીં રહે તો 2023ની વિધાનસભા ચૂંટણી અંતિમ ચૂંટણી હશે અને કોંગ્રેસ પછી સત્તામાં પાછી નહીં આવે. 

હકીકતે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ રતલામના પ્રવાસે છે. રતલામ પહોંચેલા પૂર્વ મુખ્યમંત્રીને મળવા માટે કોંગ્રેસના કાર્યકરો સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. કાર્યકરો અલગ અલગ જૂથમાં તેમને મળી રહ્યા હોવાથી દિગ્વિજય સિંહે કાર્યકરોને સલાહ આપી હતી કે, તમે સૌ અલગ અલગ કેમ ઉભા છો, હું અહીં ઉભો છું, કોઈ ત્યાં ઉભું છે, કોઈ બીજે ઉભું છે.

તેમણે કહ્યું હતું કે, આમ થોડું ચાલશે, સૌ એક થઈને લડો. હું કહી દઉં છું કે, 2023 અંતિમ ચૂંટણી છે. જો હારી ગયા તો તમે સૌ ઘરે બેસી જશો. દિગ્વિજય સિંહે કહ્યું કે, કોંગ્રેસ પછી કદી પાછી નહીં આવે. ગમે એટલું શોધીશું તો પણ કાર્યકરો નહીં મળે. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં વર્ષ 2023ના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

તમને જણાવી દઈએ કે, 15 વર્ષ સુધી સત્તાથી બહાર રહ્યા બાદ 2018માં કોંગ્રેસની સરકાર બની હતી. જોકે માત્ર 15 મહિના બાદ કોંગ્રેસની સરકાર સત્તામાંથી બહાર થઈ ગઈ હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક ધારાસભ્યોએ રાજીનામુ આપી દીધું હતું. અનેક દિવસો સુધી ચાલેલા આ રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ સરકારની વિદાય થઈ હતી. દિગ્વિજય સિંહના નિવેદનથી સમજી શકાય છે કે, 2023ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે કેટલી મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે.