×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'સેશેલ્સ જવાની તૈયારી રાખો…'- હિમાલયના યોગીએ NSEના પૂર્વ ચીફ ચિત્રાને ઈમેઈલમાં કહ્યું


- અજ્ઞાત વ્યક્તિએ ચિત્રાને  વાળને અલગ અલગ રીતે બાંધવાની પદ્ધતિ શીખવા કહેલું જેથી લુક આકર્ષક અને દિલચસ્પ બને

મુંબઈ, તા. 19 ફેબ્રુઆરી, 2022, શનિવાર

સીબીઆઈએ માર્કેટ મેનિપ્યુલેશન કેસ મામલે દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના પૂર્વ પ્રમુખ ચિત્રા રામકૃષ્ણાની આજે તેમના મુંબઈ સ્થિત આવાસ ખાતે 12 કલાકથી પણ વધારે સમય સુધી પુછપરછ કરી હતી. એનએસઈના પૂર્વ સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ચિત્રા (59 વર્ષ) વિરૂદ્ધ હિમાલયમાં રહેતા એક અજ્ઞાત 'યોગી' સાથે કથિતરૂપે ગોપનીય જાણકારી શેર કરવાને લઈ તપાસ ચાલી રહી છે, જેનાથી તેમના નિર્ણયો પણ પ્રભાવિત થયા હતા. 

સેબીના રિપોર્ટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, રામકૃષ્ણાએ યોગી સાથે એનએસઈની નાણાકીય અને કારોબારી યોજનાઓ, ડિવિડન્ડ સીનારિયો, નાણાકીય પરિણામો સહિતની ક્લાસીફાઈડ જાણકારી શેર કરી. સેબીએ ઈમેઈલના આધાર પર જણાવ્યું કે, રામકૃષ્ણા 2015ના વર્ષમાં તે વ્યક્તિને અનેક વખત મળી. તેણે વર્ષ 2013થી 2016 સુધી સ્ટોક એક્સચેન્જની કમાન સંભાળી હતી. 

'અજ્ઞાત વ્યક્તિ'એ rigyajursama@outlook.com ઈમેઈલ આઈડીનો ઉપયોગ કર્યો હતો. રામકૃષ્ણાએ સેબીને જણાવ્યું કે, આ ઈમેઈલ આઈડી હિમાલય પર રહેનારા સિદ્ધ પુરૂષ/યોગી દ્વારા વાપરવામાં આવે છે. 

અહીં ક્લિક કરોઃ ચતુર ચિત્રા... 'યોગી'ના નામે એજન્સીઓને ઉલ્લુ બનાવે

જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે, કઈ રીતે હિમાલયમાં રહીને યોગી ઈમેઈલનો ઉપયોગ કરતા હતા અને નિયમિતરૂપે સંપર્કમાં રહેતા હતા. જવાબમાં ચિત્રાએ કહ્યું હતું કે, 'જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી તેમની અલૌકિક શક્તિઓના કારણે તેમને ફિઝિકલ કો-ઓર્ડિનેટની જરૂર નથી.' તેમણે સેબીને જણાવ્યું હતું કે, 'હું તેમને અનેક વખત પવિત્ર સ્થળોએ મળી છું. જોકે કોઈ લોકેશન કો-ઓર્ડિનેટ્સ નથી આપવામાં આવ્યા.'

એનએસઈના પૂર્વ પ્રમુખે 'અજ્ઞાત યોગી'ને 'આદ્યાત્મિક શક્તિ' બતાવતા કહ્યું કે, 'હું લગભગ 20 વર્ષ પહેલા તેમને પ્રથમ વખત ગંગાના કિનારે મળી હતી. ત્યાર બાદ વર્ષો સુધી મેં અનેક વ્યક્તિગત અને વ્યાવસાયિક મામલે તેમનું માર્ગદર્શન લીધું છે. તેઓ પોતાની મરજી પ્રમાણે મળતા હતા એટલે મારા પાસે તેમના સ્થાન અંગે કોઈ જાણકારી નહોતી. મેં તેમને એક એવું માધ્યમ જણાવવા કહેલું જેના વડે મને જ્યારે પણ જરૂર પડે ત્યારે હું તેમનું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકું. ત્યાર બાદ તેમણે મને એક આઈડી આપી જેના પર હું તેમને મારી વાત કહી શકતી હતી.'

સેબીના આદેશમાં બંને વચ્ચે થયેલા ઈમેઈલનો પણ ઉલ્લેખ છે. યોગીએ 17 ફેબ્રુઆરી, 2015ના રોજ મોકલેલા ઈમેઈલમાં કહ્યું હતું કે, હું આગામી મહિને સેશેલ્સ જઈ રહ્યો છું, તો તું પણ તૈયાર રહે. કાંચના અને ભાર્ગવ સાથે લંડન જાય કે તું બંને બાળકો સાથે ન્યૂઝીલેન્ડ જાય તેના પહેલા જ સેશેલ્સ જવાનો પ્રયત્ન કરીશ.

18 ફેબ્રુઆરી, 2015ના રોજ એક ઈમેઈલમાં 'અજ્ઞાત વ્યક્તિ'એ રામકૃષ્ણાને લખ્યું કે, 'આજે તમે ખૂબ સુંદર દેખાઈ રહ્યા છો. તમારે તમારા વાળને અલગ અલગ રીતે બાંધવાની પદ્ધતિ શીખવી જોઈએ જે તમારા લુકને દિલચસ્પ અને આકર્ષક બનાવી દેશે!!'