×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MP: નર્મદા ઘાટી પરિયોજનાની અંડરગ્રાઉન્ડ ટનલ ધસી, 9 મજૂરો ફસાયા, રેસ્ક્યુ ચાલુ


- 5 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 4 મજૂરોને રેસ્ક્યુ કરવા માટેના પ્રયત્નો ચાલુ 

મધ્ય પ્રદેશ, તા. 13 ફેબ્રુઆરી, 2022, રવિવાર

મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં શનિવારે મોડી સાંજે મોટી દુર્ઘટના બની હતી. કટની જિલ્લામાં નર્મદા ઘાટી પરિયોજના અંતર્ગત બનાવવામાં આવી રહેલી અંડરગ્રાઉન્ડ ટનલ ધસી ગઈ હતી જેથી ત્યાં કામ કરી રહેલા મજૂરો અંદર ફસાઈ ગયા હતા. આ ઘટના અંગે જાણ થયા બાદ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહત-બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જિલ્લાધિકારી સાથે વાત કરીને દુર્ઘટના અંગેની જાણકારી મેળવી હતી. સ્થાનિક પ્રશાસનના કહેવા પ્રમાણે નિર્માણાધીન સુરંગ ધસી જવાના કારણે 9 મજૂરો ફસાઈ ગયા હતા. તે પૈકીના 5 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 4 મજૂરોને રેસ્ક્યુ કરવા માટેના પ્રયત્નો ચાલુ છે. 

જાણવા મળ્યા મુજબ કટની જિલ્લાના સ્લીમનાબાદ ખાતે આ દુર્ઘટના બની હતી. નર્મદા નદી પર બનેલા બરગી બાંધથી બાણસાગર સુધી અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાની કામગીરી દરમિયાન માટી ધસી પડવાના કારણે 9 મજૂરો ફસાયા હતા. 

શરૂઆતમાં 3 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. બાકીના મજૂરો ખૂબ ઉંડે ફસાયા હોવાથી રેસ્ક્યુમાં સમય લાગી રહ્યો છે. ઉપરથી રાતનો સમય હોવાથી વધારે મુશ્કેલી પડી રહી હતી. જિલ્લાધિકારી અને પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે શાફ્ટ બનાવીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ઈજાગ્રસ્ત મજૂરોને યોગ્ય સારવાર આપવા નિર્દેશ આપ્યો છે.