×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Adani Wilmar MCap: માત્ર 3 દિવસમાં MCapમાં થયો આટલો વધારો, અદાણીની આ કંપનીની ટોપ 100માં એન્ટ્રી


- અદાણી વિલ્મરમાં ગૌતમ અદાણીના અદાણી જૂથની 50 ટકા ભાગીદારી, બાકીની 50 ટકા ભાગીદારી સિંગાપુરના વિલ્મર જૂથ પાસે 

નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર

આ સપ્તાહ દરમિયાન શેર બજારમાં ઉતરેલી અદાણી જૂથની કંપની અદાણી વિલ્મરનું શાનદાર પરફોર્મન્સ ચાલુ જ છે. માત્ર 3 જ દિવસમાં કંપનીનો શેર 60 ટકાથી વધારે ચઢ્યો છે. આ જબરદસ્ત રેલીના દમ પર કંપનીની એમકેપ (MCap) પણ ઝડપથી વધી છે અને હવે શેર માર્કેટમાં લિસ્ટેડ ટોપ 100 કંપનીઓમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. 

સતત 3 દિવસથી આ સ્ટોકની રેલી

ગુરૂવારે અદાણી વિલ્મરનો સ્ટોક બીએસઈ (BSE) પર 19.99 ટકા ઉછળીને 381.80 રૂપિયાએ પહોંચી ગયો હતો. એનએસઈ (NSE) પર આ સ્ટોક 19.99 ટકાની છલાંગ મારીને 386.25 રૂપિયાએ પહોંચી ગયો હતો. અગાઉ બુધવારે આ સ્ટોક બીએસઈ પર 19.98 ટકા ઉછળીને 318.20 રૂપિયા પર અને એનએસઈ પર 20 ટકાની છલાંગ સાથે 321.90 રૂપિયાએ બંધ રહ્યો હતો. મંગળવારે આ સ્ટોક આશરે 4 ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થયો હતો. ત્યાર બાદ તેણે રિકવરી કરી હતી અને 18 ટકાની જોરદાર તેજી સાથે બંધ થયો હતો. 

આ કંપનીઓ કરતાં એમકેપમાં વધારો

અદાણી વિલ્મરની એમકેપ આશરે 50 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સાથે જ અદાણી જૂથની 7મી લિસ્ટેડ કંપની હવે એમકેપની દૃષ્ટિએ દેશની 95મી સૌથી મોટી કંપની બની ગઈ છે. અદાણી વિલ્મરની એમકેપ હવે ભારત ઈલેક્ટ્રોનિક્સ, બાયોકોન લિમિટેડ, એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસ, Bosch, Tata Elxsi, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ, એબીબી ઈન્ડિયા, પેજ ઈન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન એરોનોટિક્સ અને સ્ટાર હેલ્થ એલાયડ ઈન્સ્યોરન્સ જેવી કંપનીઓ કરતાં વધારે થઈ ચુકી છે. 

બજારમાં કંપનીની ભાગીદારી

અદાણી વિલ્મર Fortune બ્રાન્ડના નામે ખાદ્ય તેલનું વેચાણ કરે છે. તે સિવાય કંપની ચોખા, લોટ, ખાંડ જેવી ખાવાની વસ્તુઓનો પણ કારોબાર કરે છે. કંપનીના પોર્ટફોલિયોમાં સાબુ, હેન્ડવોશ અને હેન્ડ સેનેટાઈઝર જેવી પ્રોડક્ટ્સ પણ સામેલ છે. ખાદ્ય તેલના બ્રાન્ડેડ માર્કેટમાં તે સૌથી મોટી કંપની છે. હાલ તેના પાસે સેગમેન્ટની 18.3 ટકા ભાગીદારી છે જે નજીકના કોમ્પીટીટર કરતાં 2 ગણી છે. 

પહેલેથી લિસ્ટેડ હતી અદાણીની આ કંપનીઓ

અદાણી વિલ્મરમાં ગૌતમ અદાણીના અદાણી જૂથની 50 ટકા ભાગીદારી છે. બાકીની 50 ટકા ભાગીદારી સિંગાપુરના વિલ્મર જૂથ પાસે છે. આ અદાણી જૂથની 7મી કંપની છે જે શેર માર્કેટમાં ઉતરી છે. અદાણી જૂથની અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ એન્ડ સેજ, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશન પહેલેથી જ શેર માર્કેટમાં લિસ્ટેડ છે.